રાજયમાં આઇ.ટી/આઇ.ટી.ઇ.એસ. નીતિ ૨૦૧૬-૨૧ તથા ગુજરાત ઇલેકટ્રોનિક્સ નીતિ ૨૦૧૬-૨૧ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૪૧ એકમોને ( આઇ.ટી. – ૨૮, ઇલેકટ્રોનિક્સ – ૧૩) કુલ રૂા. ૧૧૧ કરોડ (અનુક્રમે રૂા.૨૦કરોડ તથા રૂા. ૯૧ કરોડ)ના લાભો ચૂકવવામાં આવ્યા છે. આ ૪૧ એકમો દ્વારા આશરે ૬૫૦૦ (આઇ.ટી- ૩૭૦૦ અને ઇલેકટ્રોનિક્સ-૨૮૦૦) જેટલી રોજગારી ઉત્પન્ન થઇ છે. જેનાથી પ્રેરાઇને રાજ્ય સરકાર દ્વારા આ બન્ને નીતિઓને વધુ ઉદાર અને સરળ બનાવવા આ સુધારાઓ કરવામાં આવ્યા છે.
આઇ.ટી અને આઇ.ટી. આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ઇલેકટ્રોનિકસ નીતિ અને આઇ.ટી., આઇ.ટી.ઇ.એસ. નીતિ-૨૦૧૬-૨૦૨૧ અમલમાં છે જેમાં આજે રાજ્ય સરકારે મહત્વના સુધારાઓ કર્યા છે.
હયાત એકમને નીતિના સમયગાળા દરમિયાન વિસ્તરણ, વૈવિધ્યકરણનો ર વખત લાભ મળી શકશે, હયાત એકમ દ્વારા મૂળ રોકાણના પ૦ ટકા જેટલું વધારાનું રોકાણ કરાય અને તે વધારાના રોકાણના ઓછામાં ઓછા ૬૦ ટકા પ્લાન્ટ અને મશીનરીમાં રોકે તો એકમને, વિસ્તૃતીકરણનો લાભ મળશે તથા તે જ પ્રમાણે વધારાનું રોકાણ કરી હયાત પ્રોડક્ટ ઉપરાંત નવી પ્રોડક્ટ બનાવે તો તે એકમને પણ આ નીતિ હેઠળ વિસ્તૃતીકરણનો લાભ મળશે.
લાભાર્થી એકમે એકથી વધુ બેન્ક પાસેથી મૂડી રોકાણ માટેની લોન લીધી હશે તો પણ તે લોન વ્યાજ સબસીડી માટે માન્ય રહેશે. તેમજ કોઇ એકમ નવા યુનિટ તરીકે આ નીતિ હેઠળ અરજી કરતી વખતે કુલ રોકાણની જે રકમ જાહેર કરે તે રોકાણ તે એક સાથે અથવા તબક્કાવાર પણ કરી શકશે.
રોજગાર, માનવશક્તિ આધારિત આઇ.ટી., આઇ.ટી.ઇ.એસ. નીતિમાં જે મહત્વના સુધારાઓ રાજ્ય સરકારે
કર્યા છે તેમાં એક હયાત એકમને નીતિના સમયગાળા દરમિયાન વિસ્તરણ, વૈવિધ્યકરણનો ત્રણ વાર લાભ મળી શકશે. રૂા. એક કરોડ જેટલું વિસ્તૃતીકરણ માટેનું રોકાણ હોય તો વિસ્તૃતીકરણ પૂર્ણ કરવા એક વર્ષનો સમય મળશે, જયારે કે રૂા. એક કરોડથી વધુ રોકાણના કિસ્સામાં બે વર્ષની સમય મર્યાદા મળશે. કોઇ એકમ નવા યુનિટ તરીકે આ નીતિ હેઠળ અરજી કરતી વખતે કુલ રોકાણની જે રકમ જાહેર કરે તે રોકાણ તે એક સાથે અથવા તબક્કાવાર પણ કરી શકશે. લાભાર્થી એકમ દ્વારા એકથી વધુ બેન્ક પાસેથી મૂડી રોકાણ માટેની લોન લીધી હશે તો પણ તે લોન વ્યાજ સબસીડી માટે માન્ય રહેશે. આઇટી/આઇટીઇએસની (૨૦૧૪-૧૯) નીતિ અંતર્ગત તા. ૧૪/૧૧/૧૪ અને તા. ૧૨/૨/૧૬ દરમિયાન કરેલ અરજીના સંદર્ભમાં તે તારીખો દરમિયાન કરેલ GFCI પણ પ્રોત્સાહન માટે ધ્યાનમાં લેવામાં આવશે.