અમદાવાદ, તા. ૧૮
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા છેલ્લા બાર વર્ષમાં કુલ ૪૨ જેટલા માન્ય રોડ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં ૩૦૦ કરોડના રોડ વરસાદમાં ધોવાઈ જાય છે. શહેરમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૭ના જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસતાં કુલ ૨૫૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ જતાં હાઈકોર્ટને સીધી દરમિયાનગીરી કરવી પડી હતી. વર્તમાન ચોમાસાની મોસમમાં પણ અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦થી પણ વધુ રસ્તાઓનુ ધોવાણ થયું છે. ઉપરાંત ટોરેન્ટ પાવર સહિત અન્ય કંપનીઓ દ્વારા ૨૫૦ કિલોમીટરના રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા છે. દર વર્ષે ૩૦૦ કરોડનું બજેટ રોડ માટે મંજૂર કરાય છે. દર ચોમાસામાં અમદાવાદ એ ખાડાબાદ બની જાય છે. છતાં તંત્રમાં બેઠેલા સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી અને હાલાકી વધે છે તો માત્ર શહેરમાં વસતા ૬૫ લાખ લોકોની.
અમપા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવા, તેનું સમારકામ કરવા માટેની કામગીરી માટે મંજૂર કરવામાં આવે છે. છતાં શહેરમાં એકાદ ઈંચ વરસાદની અંદર પણ અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જાય છે અથવા ખાડા પડી જાય છે. શહેરમાં અમપાના એ સમયના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરને હાઈકોર્ટનાં તેડાં આવ્યા હતાં અને હાઈકોર્ટે પૂછવું પડ્યું હતું કે, શહેરના તૂટેલા રસ્તાઓ કેવી રીતે અને કેટલા સમયમાં રિસરફેસ કરશો એનું આયોજન કોર્ટ સમક્ષ રજૂ કરો. ઉપરાંત જેટલા પણ રસ્તા રિસરફેસ થાય એની વિગતો અમપાની વેબસાઈટ ઉપર મુકો.
વર્ષ-૨૦૧૭ના વર્ષમાં શહેરમાં પડેલા ભારે વરસાદમાં ૨૫૦ કિલોમીટરના રોડ ધોવાઈ જતાં ભારે વિવાદ થયો હતો. અમપા કોન્ટ્રાક્ટરના ટેન્ડર મંજૂર કરે છે એ સમયે કોન્ટ્રાક્ટર પાસે રસ્તાની મજબૂતી અંગે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરાય છે. જો રસ્તો બને અને તે એકાદ વર્ષની અંદર તૂટી જાય તો તેને પોતાના ખર્ચે રિસરફેસ કોન્ટ્રાક્ટર દ્વારા કરવાનો હોય છે. અમદાવાદ શહેરમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષ માટે રોડ કોન્ટ્રાક્ટરોની લાયાબિલિટી નક્કી કરવામાં આવે છે. આમ છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા લાયાબિલિટીમાં આવતા અને તૂટેલા રસ્તાઓ રિસરફેસ કરવાનો ઈન્કાર કરતા રોશની બિલ્ડકોન નામના કોન્ટ્રાક્ટરને વર્ષ-૨૦૧૭માં કાયમ માટે બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કરાયો હતો. અમપા દ્વારા દર વર્ષે રોડ પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાય છે.
ઉપરાંત શહેરના સીજી રોડનું રૂપિયા ૩૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરાઈ રહ્યું છે. શહેરમાં સાયન્સ સિટી, સરખેજમાં કોર્પોરેટ રોડ, નિકોલ રોડ, વસ્ત્રાલ રોડ, મણીનગર અને અસારવા એમ છ રોડને મોડલ રોડ બનાવવા રૂપિયા ૩૦ કરોડથી વધુનું બજેટ મંજૂર કરાયું છે. છેલ્લા બાર વર્ષમાં ૪૨ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા બાદ પણ દર વર્ષે અમદાવાદના રસ્તાઓ વરસાદમાં તૂટી રહ્યાં છે. આ વર્ષે પણ શહેરમાં ૫૦થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે અથવા તૂટી ગયા છે.
૧૪૦ કી.મી.ના રોડ ટોરેન્ટ પાવરે ખોદી નાંખ્યા
શહેરમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ જે રસ્તાઓનું ધોવાણ થયું છે. તેમાં ટોરેન્ટ પાવરનો સૌથી મોટો હાથ હોવાનું ખુદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે સ્વીકાર્યું છે. તેમણે કહ્યું, ટોરેન્ટ પાવરને અમપા તરફથી એક વખત રોડ ઓપનિંગની પરમિશન આપવામાં આવ્યા બાદ કામ પુરું થઈ ગયા બાદ પણ તેમના દ્વારા યોગ્ય પૂરાણની કામગીરી ન થવાના કારણે ૧૪૦ કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયું છે.
કયા વિસ્તારોમાં રસ્તા ધોવાયા
શહેરના મણીનગર, વટવા, ઈસનપુર, રામોલ, હાથીજણ, અમરાઈવાડી ઉપરાંત હાટકેશ્વર વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઉપરાંત પૂર્વના અમરાઈવાડી, સીટીએમ,વસ્ત્રાલ વિસ્તારોમાં મેટ્રોની કામગીરીના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. પશ્ચિમમાં પાલડી ઉપરાંત સરદાર પટેલ લખુડી તલાવડી, સોલા ભાગવત વિદ્યાપીઠ, મેમનગર, ગુરુકૂળ, હેલ્મેટ ચાર રસ્તા, શિવરંજની, જોધપુર વિસ્તારોમાં રસ્તા ધોવાઈ ગયા છે. સૂરધારા સર્કલ પાસે રસ્તો ધોવાઈ ગયો છે. જજીસ બંગલો, વસ્ત્રાપુરમાં પણ રસ્તા ધોવાઈ ગયા છે.
કુલ ૨૫૦ કી.મી.ના રોડ ખોદાયા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે સ્વીકાર કર્યો છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસમાં ટોરેન્ટ પાવર ઉપરાંત વિવિધ કંપનીઓ દ્વારા કુલ મળીને ૨૫૦ કિલોમીટરના રસ્તા ખોદી નાંખવામાં આવ્યા છે.
વર્ષ–૨૦૧૭માં સાત એડિશનલ ઈજનેરો સહિત ૧૯ ડેપ્યુટી ઈજનેરોને શો–કોઝ નોટીસ અપાઈ હતી
શહેરમાં ૨૫૦ કિલોમીટરના રસ્તા તૂટી જતાં કે ધોવાઈ જતાં અમપાના સાત એડિશનલ સિટી ઈજનેરો, ૧૯ ડેપ્યુટી સિટી ઈજનેર, ૨૬ રોડ ઈજનેર સહિત કુલ ૮૧ લોકોને નોટિસ ફટકારાઈ હતી. આમ છતાં ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા હજુ સુધી આ તમામ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.
૧૫ ટકા રોડ રીસરફેસ થાય છે
અમપાના ડેપ્યુટી કમિશનર જે એસ પ્રજાપતિનું કહેવું છે, જે રસ્તાઓ ખરાબ થાય છે તેમાં પ્રાયોરિટી નક્કી કરી દસથી પંદર ટકા રોડ રિસરફેસ કરાય છે.
ગત વર્ષે ૩૦૦ લોકોના મોત થયા હતા
યૂનિયન મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરના ખરાબ રસ્તાઓ અને ભૂવાઓના કારણે કુલ ૩૦૦ લોકોએ વિવિધ અકસ્માતોમાં તેમના જીવ ગુમાવ્યા હતા.
આ વર્ષે કયા ઝોનનું કેટલું બજેટ
અમપાએ આ વર્ષના ફેબ્રુઆરી માસમાં રસ્તાઓ માટે જે ઝોન મુજબ બજેટની ફાળવણી કરી છે એ આ મુજબ છે.
ઝોન રકમ(કરોડમાં)
મધ્ય ૮.૧૦
ઉત્તર ૨૦.૨૫
દક્ષિણ ૨૪.૨૫
પૂર્વ ૨૪.૬૪
પશ્ચિમ ૨૧.૦૨
ઉત્તર પશ્ચિમ ૧૮.૪૭
દક્ષિણ પશ્ચિમ ૨૦.૪૬
કયા કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરાયા
ઓમ કન્સ્ટ્રકશન, શ્રી જય કોર્પોરેશન, દુર્ગે એન્જિનિયર્સ, નવજીવન કન્સ્ટ્રકશન, અંબુસિંહ પી ગોલ, એકતા ઓફસેટ પ્રા.લિ., મણીભાઈ એન્ડ બ્રધર્સ, લોકસેવા મંડળ, એન.જી.પ્રોજેકટ લિ., હરિઓમ બિલ્ડર્સ, હર્ષિલ કોર્પોરેશન, વિરેન કડિયા, દેવલ કોર્પોરેશન, અમૃત કે ઝાલા, ઓફિસિઅન્ટ એન્જિનિયર્સ, ગુજરાત સિમેન્ટ આર્ટિકલ્સ, આકાશ ઈન્ફ્રા, જીપીસી ઈન્ફ્રા, ખારવા એન્ટરપ્રાઈઝીસ, હેતલ રોડલાઈન્સ, શારદા કન્સ્ટ્રકશન, સિમંધર કન્સ્ટ્રકશન, અપના ખાદી ગ્રામ ઉદ્યોગ, હિરેન એ ગાંધી, રચના ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ, અર્પણ કન્સટ્રકશન, લ્યાકા એન્જી., રવિ બિલ્ડર્સ, ધ્રુવ કોર્પોરેશન, જતીનકુમાર એસ મિસ્ત્રી, ગોહિલ લેબર કોન્ટ્રાકટર, મેક્સ કોર્પોરેશન, રવિ એન્ડ કંપની, ન્યુ રિદ્ધિ કન્સટ્રક્શન, રોશની બિલ્ડકોન, નયન સી શાહ, સૌમ્ય કન્સ્ટ્રક્શન