5.50 લાખ રેમડીસિવિર ઈન્જેક્શનો મફતમાં આપવામાં આવ્યા

એપ્રિલ 2021 માસમાં 5.50 લાખ રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયા છે.

રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે માર્ચ  સુધીમાં ૧પ૦ મેટ્રીક ટનની જરૂરિયાત રહેતી હતી જે આજે ૧ હજાર મેટ્રીક ટન છે.  નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ થઈ ગઈ છે. રાજ્યમાં ઓક્સિજન સાથેના આઇ.સી.યુ. બેડની સુવિધા ૧પ માર્ચના રોજ ૧૬,૦૪૫ હતી જે આજે ૫૪,૫૭૯ આઇ.સી.યુ. બેડ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં ૧.૧૭ કરોડથી વધુ નાગરિકોને કોવિડ વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા છે.

તે ઉપરાંત કોરોનાના ટેસ્ટીંગ પણ વધારી દેવામાં આવ્યા છે જે અંતર્ગત રાજ્યમાં રોજ ૧.૬૦ લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.

રાજ્યમાં ૧૯૦૭ કોવિડ હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ છે. જેમાં ૧૦૯૫ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, ૫૧૯ હેલ્થ કેર સેન્ટર, ૨૯૩ કોવિડ કેર સેન્ટરનો સમાવેશ થાય છે.

૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ લગાવવામાં આવ્યો છે. આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે. આ નિયંત્રણો દરમિયાન તે ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.