500 કરોડનું દેવું થતાં વરિયા એન્જિનિયરિંગના માલિક હિમાંશુ વરિયાનો આપઘાતનો પ્રયાસ

11, ફેબ્રુઆરી, 2020

અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ પોતાના પર થઈ ગયેલા દેવા અને વ્યાજખોરોની ઉઘરાણીઓથી ત્રાસીને સોમવારે સાંજે ગાડીમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તેમણે પોતાનો એક વિડીયો શેર કરી પોતાની આપવીતી જણાવી હતી.

કારની અંદર બેભાન હતા. એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલત સુધારા પર છે.

પાંચ-છ લોકોને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. આપઘાત પહેલા તેમણે સોશયલ મીડિયામાં એક સ્યૂસાઈડ નોટ પણ પોસ્ટ કરી હતી. આ સમયે વટવામાં જ નોકરી કરતા બાબુકાકા નામની વ્યક્તિએ તેમને શોધી લીધા હતા. પડેલા હિમાંશુભાઈને તાત્કાલિક એલજી હોસ્પિટલ લઈ જવાયા હતા.

સોશયલ મીડિયા પર પોસ્ટ કરી સ્યૂસાઈડ નોટ

સ્યૂસાઈડ નોટ, ‘હું મારી લાઈફથી કંટાળી ગયો હતો. SBIના DGM રમાકાંત તિવારીએ મારી રનિંગ 50 વર્ષ જૂની કંપનીને એના ઈગોને લીધે CD-R રિસ્ટ્રક્ચર્ડ કરી હતી. તો પણ એક વર્ષ સુધી જોઈન્ટ ડોક્યુમેન્ટ સાઈન ન કરવા દીધા. એટલે મારી 50 વર્ષ જૂની કંપની અને 25 વર્ષની મહેનત ટેકનિકલ NPA થઈ ગઈ, એટલેથી ના અટકતા SBIના અધિકારીઓએ બ્રાન્ચનું NPA ના દેખાય એટલા માટે CD-Rની સ્કિમને જોઈન્ટ ડોક્યુમેન્ટ સાઈન કર્યા ન હતા. તો પણ હાફ ઈમ્પ્લિમેન્ટ કરી SBIની આજ ભૂલને કારણે SBIના ઓડિટર્સે કંપની ટેકનિકલ NPA કરી. એમાં મારો કે મારી કંપનીના 500 એમ્પ્લોઈ અને એમના ફેમિલીનો શું વાંક હતો?’

‘કાકા પછી કંપનીને બચાવી અને ફરીથી શરૂ કરવાના ચક્કરમાં હું વ્યાજખોરોના ચક્કરમાં આવ્યો અને ત્યાર બાદ હું એને વ્યાજ ભરવા માટે અમદાવાદના માથાભારે વ્યાજખોરોના ચક્કરમાં ક્યારે ફસાઈ ગયો એની મને ખબર જ ના પડી. મારો ફ્લેટ સુદ્ધાં એ લોકોએ લખાવી લીધો છે. મારી ગાડીઓ પણ લઈ લીધી છે. મારી વાઈફના ઘરેણાં તેમજ મારી મમ્મીના ઘરેણાં પણ એ લોકોના વ્યાજ ભરવામાં વેચાઈ ગયા છે. મૂડી કરતા 10થી 20 ગણું મેં વ્યાજ ચૂકવી દીધું છે, પણ મને એ લોકો માનસિક ટોર્ચર કર્યા કરે છે.

એક વખત હતો જ્યારે અમારા સમાજના વર્ષમાં 10 છોકરાને IASની પરીક્ષા માટે તમામ ખર્ચ ઉપાડનાર હિમાંશુ વરિયા આજે એને પોતાના છોકરાની ફી ભરવાને લાયક પણ નથી રહ્યો. કાકા મને હતું કે હું બધું ઓકે કરી દઈશ પણ હવે Drt, લિક્વિડિટર અને બેંકના અધિકારીઓએ મળીને મારી 500 કરોડથી વધુ કિંમતની પ્રોપર્ટીને પાણીના ભાવે વેચી રહ્યા છે. SBIના અધિકારીઓને કોઈ પૂછવાવાળું નથી કે કોના કેવાથી SBIના અધિકારીઓએ CD-R એપ્રિવ્ડ કંપનીને એક વર્ષ સુધી ઈમ્પ્લિમેન્ટ ના કરી?’

દીકરી અને દીકરાને ‘સેજલને કહેજો એના ભાઈ તારક સાથે લંડન જતી રહે, ક્રિશને ભણાવે પણ ઈન્ડિયામાં ક્યારેય પણ પાછા ન આવે. અહીં સાચાને સાચા કહેવાના પૈસા લાગે છે અને 5 લાખથી વધારે લોકોને રોજગાર ઊભો કરનારની કોઈ કિંમત નથી.’ ‘ધીરુકાકા આઈ એમ સોરી. આશા, અમર, વિનોદ, બાબુ કાકા અને મારા પર ભરોસો રાખી મારો સાથના છોડી જનારા મારા મિત્રો અને અમ્પ્લોઈ બધાની હું માફી માંગુ છું.

હવે મારાથી વ્યાજખોરોનો ત્રાસ સહન થતો નથી. મમ્મી પપ્પા સોરી. મમ્મી પપ્પા સોરી, સોરી, ક્રિશને લાઈફમાં NO (નો) કહેતા શીખવજો. મારી કોઈને ના નહીં પાડી શકવાની આદતને લીધે આજે મને વ્યાજખોરોએ અહીં સુધી પહોંચાડી લીધો છે. મમ્મી, દાદા અને બા નું ધ્યાન રાખ જે. ધીરુ દાદાને સાથે રાખજે, આપણા કોઈ પણ રિલેટિવ પર ટ્રસ્ટ ના કરીશ. મારા અને મામી કહે એમ કરજે. ધીરુ કાકા સોરી હું રિયલમાં વ્યાજખોરોથી થાકી ગયો છું.’

બેંકોના 400 કરોડથી વધુના ડિફોલ્ટર
હિમાંશુ વરિયા ગુજરાતની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોના અંદાજે 400 કરોડથી વધુના ડિફોલ્ટર છે. તેમની સામે કેનેરા બેંકની સબસિડયરીએ ફ્રોડનો કેસ પણ કર્યો હતો. તેમની કંપની રેઝોલ્યુશન પ્રોફેશનલને ચલાવવા સોંપી દેવાઈ તે પછીય તેમની કંપનીની ખોટમાં ઘટાડો થયો ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હજુ બે-ત્રણ મહિના પહેલા જ તેમના ઘરની હરાજી કરવાનો ડેટ રિકવરી ટ્રિબ્યુનલે પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં. તેમણે વ્યાજે નાણાં આપનારાઓ પાસેથી પણ મોટી રકમ વ્યાજે લીધી હોવાનું પણ કહેવાય છે. બેંકો અને વ્યાજખોરો પાસેથી લીધેલા રૂપિયા મળીને હિમાંશુભાઈ પર 500 કરોડથી વધુનું દેવું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સ્ટીલ અને એન્જિનિયરિંગના વ્યવસાય
વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપની રી રોલિંગ મિલ્સ મશીનરી, સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રીપ અને કોઈલ બનાવે છે. હિમાંશુભાઈનો પરિવાર છેલ્લા 50 કરતા વધુ વર્ષથી સ્ટીલ અને એન્જિનિયરિંગને લગતા વ્યવસાય સાથે સંકળાયેલો છે.