ઊંઝામાં ઐતિહાસિક અને ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનો રવિવારે છેલ્લો દિવસ હોઇ બપોરે ૨-૩૦થી ૪-૦૦ વાગ્યા દરમ્યાન કુલ ૧૦૮ હોમાત્મક યજ્ઞ કુંડના યજમાનો દ્વારા ભારે ભકિતભાવ અને શ્રધ્ધા સાથે લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિનો હોમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એક તબક્કે હજારો શ્રધ્ધાળુ ભકતોની આંખમાં માં ઉમિયાની ભકિતને લઇ આંસુ નીકળી આવ્યા હતા. મહાયજ્ઞના ચોથા દિવસે શનિવારે ૧૦ લાખથી વધુ લોકોએ ઉમિયા મંદિરમાં દર્શન કર્યાં હતાં. ૮૦૦ વીઘાં વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં તા.૧૮મી ડિસેમ્બરથી શરૂ થયેલા લક્ષચંડી મહાયજ્ઞમાં અત્યાર સુધીમાં ૫૫ લાખથી વધુ દર્શનાર્થી ભકતો માં ઉમિયાના દર્શન માટે ઉમટયા હતા. આજે છેલ્લા દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાથી ઊંઝાથી મહેસાણા વચ્ચે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી હતી. ઊંઝાના ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આજના છેલ્લા દિવસે ૧૦૮ હોમાત્મક યજ્ઞકુંડમાં આહુતિ દ્વારા યજમાનો દ્વારા લક્ષચંડી મહાયજ્ઞની શાસ્ત્રોકત વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, ત્યારે માં ઉમિયાની ભકિતનો માહોલ જાણે છવાયો હતો. ઉમિયાનગરમાં માં ઉમિયાનો જયજયકાર ગુંજી ઉઠયો હતો. શ્રી ઉમિયા માતાજીને શ્રધ્ધાળુ ભકતો દ્વારા આજે ૫૦૦ જેટલી સાડીઓ અર્પણ કરવામાં આવી હતી. પાટીદારોને ઊંઝા ઉમિયાનગર સુધી લઈ જવા માટે સોલા ઉમિયા કેમ્પસ, વસ્ત્રાલ અને નરોડાથી સ્પેશિયલ બસો મૂકાઈ હતી. આજે છેલ્લા દિવસે સ્વામી સદાનંદ સરસ્વતી, ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબહેન પટેલ, રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ન ભૂતો ન ભવિષ્યતિ ઋષિકાળ જેવા વૈદિક લક્ષચંડી મહાયજ્ઞમાં બ્રાહ્મણ યજમાન સહિત ૧૦૮ યજમાનો મહાયજ્ઞમાં બેઠા હતા. લક્ષચંડી માટે ૨૫ વીઘા વિસ્તારમાં ૫૧ શક્તિપીઠના પ્રતીક મંદિર સાથે ૩૫૦૦ લોકો એકસાથે બેસી શકે તેવી ૮૧ ફૂટ ઊંચી યજ્ઞશાળા બનાવાઈ હતી. મહાયજ્ઞ પૂર્વે મા ઉમિયાની દિવ્ય જ્યોતની સાક્ષીએ ઉમિયા બાગમાં ૧૬ દિવસ સુધી ૧૧૦૦ પ્રકાંડ પંડિતોએ દુર્ગા સપ્તસતિના ૭૦૦ શ્લોકથી એક લાખ ચંડીપાઠ કર્યા હતા. આ મહોત્સવમાં આશરે ૨૦ લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, ભકતોએ યજ્ઞશાળાની પેટીમાં રૂ.૪૨ લાખથી વધુની રકમ દાન કરી હતી. તો, કેટલાક દાનવીર દાતાઓએ સોના-ચાંદીના કિંમતી અને લાખો રૂપિયાના બહુમૂલ્ય દાગીના પણ માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા.