ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટલાં ?

ગાંધીનગર, 8 મે 2021
રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં 15 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1.35 લાખ પથારીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં 1થી 7 દિવસ લોકો સારવાર લઈ રહ્યાં છે. અઠવાડિયામાં 7 લાખ લોકો પણ સારવાર લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું પ્રમાણ ઊંચું હોવાથી આ સમિતિઓને મરણ જનારા વ્યક્તિઓની યાદી બનાવી જાહેર કરવા માટે સૂચના આપવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં શરેરાશ એક ગામમાં 5થી 100 લોકોની મોત થયા હોવાના અખબારી અહેવાલો છે.

ગામોમાં જ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ તૈયાર કરી ગામના જે લોકોને શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય લક્ષણ હોય તેમને આવા સેન્ટર્સમાં આઇસોલેશનમાં રાખવા તેમજ તેમના રહેવા-જમવા, દવાઓની કિટ વિતરણની વ્યવસ્થા રાજ્ય સરકાર અને ગ્રામીણ સમિતિઓએ કરી છે.

રાજ્યભરમાં ગ્રામીણ વિસ્તારોમાં આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ગામના શાળા સંકુલ, દુધ મંડળી કે સમાજની વાડી અથવા મોટા ખાલી મકાનોમાં જે-તે જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શનમાં ટી.ડી.ઓ અને તેમની ટીમે ગામના આગેવાનોની સમિતી અને યુવાઓના સહકારથી કાર્યરત કરેલા છે.

ગાંધીનગર જિલ્લામાં આરસોડિયાના આ સેન્ટર સહિત 286 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 4585 બેડની કુલ ક્ષમતા સાથે ઊભા કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં 466 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 2924 બેડની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરાઇ છે. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોના કેસ સ્ટેબલ છે. 12500 નવા કેસ સામે 13800 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં 58 હજાર ઓક્સિજન બેડ અને 2 હજાર હોસ્પિટલમાં 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અપાય છે. એક માસમાં 7 લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન અપાયા છે.