રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજરીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
પોઝીટીવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોયતો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ 2761 વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં 1061 સરકારી સંસ્થામાં અને 1761 ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. એન.જી.ઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નવા વેન્ટીલેટર્સ પૂરા પાડવા માટેની તૈયારી દર્શાવાઈ છે.
ડો. રવિએ ઉમેર્યું કે, દેશના તમામ રાજ્યોને માસ્ક, પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ) સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સમાન રીતે જરૂરિયાત મુજબ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સુચારૂ રીતે સુગ્રથિત વ્યવસ્થા ઉભી કરાઈ છે એ માટે જે રાજ્યોનું ઈન્ડેક્ટ આવે એ મુજબ ફાળવણી કરાઈ રહી છે. આપણે પણ આપણી જરૂરિયાત મોકલી દીધી છે અને હવાઈ માર્ગે જથ્થો આવવાનો શરૂ પણ થઈ ગયો છે.