સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મતે આ રીતે બને છે એન્ટીબોડી

16 Jun, 2021

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સૌ કોઈ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો જે રિકવર થઈને-કોરોનાને મ્હાત આપીને આવ્યા છે તેઓ વિશેષ તકેદારી રાખી રહ્યા છે. માનસિક મજબુતી માટે તબીબો પણ દવાની સાથે હુંફ, સાંત્વના, આનંદ પ્રમોદ અને મનોરંજન પીરસી રહ્યા છે. કારણ કે, મનની હળવાશ જ નકારાત્મકતામાંથી મુક્તિ અપાવશે.

મન તંદુરસ્ત તો તન સ્વસ્થ. દિમાગ ખુશ હોય તો દિલ પણ હેલ્ધી રહે છે. આ સાથે ઈમ્યુનિટી પણ પાવરફૂલ રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના વડા ડૉ. યોગેશ જોગસણે કોરોનામાં મનની સ્થિતિ અંગે તારણ આપતા એન્ટીબોડી વિશે વિસ્તૃત સમજ આપી છે. મન પ્રફુલ્લીત રહે તો મગજની ડોપામાઈન ક્રિયા થતા વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બને છે. માત્ર દવા, ઈન્જેક્શન કે આયુર્વેદિક ઉપચાર જ નહીં પણ માનસિક પરિબળો પણ એટલા જ અસર કરે છે. જે વ્યક્તિને વાયરસથી સંક્રમીત થવા દેતા નથી. જો વ્યક્તિ સંક્રમીત થાય તો મનોબળના સહારે એને એ સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ કરે છે.

દિલ અને દિમાગને મજબુત કરતા કેટલા પાસાઓ જે એન્ટીબોડી બનાવે છે

નજીકના, અંગત, ખાસ મિત્રો જે રૂબરૂ નહીં તો ફોન પર તોછડાઈથી મજાક-મસ્તી કરે, વીતેલા દિવસોની યાદ અપાવે, લારી, ગલ્લા કે કટિંગ ચા પીતી વખતે એકબીજાના કપડાંની અદલાબદલી કરી હોય, સ્કૂલ અને કૉલેજના દિવસોમાં આગળ પાછળ ભમરાની જેમ મંડારાયા હોય આવી વાત ખુશીનો દરિયો ઠલવી દે છે.

મનપસંદ વીડિયો, ફિલ્મો, જૂના ફોટો આલ્બમ જે જોઈને મજા આવી જાય. હસી હસીને પેટ બેવડા વળી જાય

મનમાં ખુબ ટેન્શન હોય અને કોઈ મિત્ર એવું કહે કે, છોડ ને યાર….બધુ સેટ થઈ જાશે. મૈં હું ના….

ગાતાં કે ડાન્સ કરતા ન આવડતું હોય તો પણ નવા નિશાળીયાની જેમ ગોબરૂ ગંદુ ગીત ગાવાનું શરૂ કરો. કુદવા માંડો

આપણી પ્રિય વ્યક્તિ-જીવનસાથી કહે શું ટેન્શન લો છો? ભેગા થઈને સમસ્યા ઉકેલીશું, હું તમારી સાથે છું પછી શેની ચિંતા?

મિત્રો જોક્સ કરે, મજાક મસ્તી કરે અને હસી હસીને ગાલ દુખી જાય એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ઘરમાં નાના બાળકો આપણને જોઈને મમ્મી…પપ્પા…. કહીને વાંદરાના બચ્ચાની જેમ ચોંટે એનાથી એન્ટીબોડી બને છે.

સંતાનો મોટા હોય અને આપણને કહે કે, ભાઈબંધ ચિતા ન કરો. તમે તમારી જીંદગી મસ્તીથી જીવો. અડધી રાત્રે જરૂર પડે તો સાદ કરજો, તમારા દીકરા-દીકરી હોવાનું ગર્વ છે.

શરીર છે સાજુ માંદું તો થાય. અમુલ્ય માનવજીવન મળ્યું છે તો સાર્થક રીતે આનંદથી જીવી લેવાનું.