અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત

Ahmedabad cattle or death toll, 16 thousand cattle killed

પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ થવાના અહેવાલ આવ્યા છે. જેના કારણે ભાજપની સાથે-સાથે કોગ્રેસે પણ પોલીસ ફરીયાદ અને વધુ તપાસની માંગણી કરી છે. આ વિવાદની વચ્ચે ઢોરવાડામાં મરણ થતી ગાયોનો મામલો ભુલાઈ રહયો છે. મ્યુનિ.ઢોરત્રાસ અંકુશ વિભાગ દ્વારા જે ઢોર પકડવામાં આવે છે. તે પૈકી ર૦ ટકા કરતા વધુ ઢોરના મરણ થાય છે. ઢોરવાડામાં દૈનિક ૧૦થી ૧પ ઢોરના મૃત્યુ થઈ રહયા છે. ૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધીના અરસામાં ૪૭૯ ઢોરના મૃત્યુ થયા છે.

ઢોરવાડામાં કોઈ એક જ વ્યકિત કે વિભાગનું ૧૦૦ ટકા નિયંત્રણ ન હોવાથી ગાયો ગાયબ થવી કે મૃત્યુ થવાની સંખ્યા વધી રહી છે. તથા પકડવામાં આવેલ ઢોર પૈકી લગભગ રપ ટકા પશુઓના મરણ ઢોરવાડામાં જ થઈ રહયા છે આ બાબત ચિંતાનો વિષય બની છે.

છેલ્લા પાંચ વર્ષમાં ૭૧ હજાર જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. જે પૈકી ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણ થયા છે. ચોકવનારી માહિતી મુજબ છેલ્લા એક મહીના દરમ્યાન ઢોરવાડામાં ૪પ૦ કરતા વધુ ઢોરના મૃત્યુ થયા છે. જેમાં વાછરડા, બળદ અને આખલાની સંખ્યા વધારે છે. ઢોરવાડામાં ચાલી રહેલી ગેરરીતિ મામલે મ્યુનિ. કર્મચારીઓની સાથે સાથે પોલીસ વિભાગ સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે. જયારે વિભાગ દ્વારા નિયુકત કોન્ટ્રાકટર પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

બળદ અને આખલા અને સૌથી વધુ મરણ વાછરડાના મોત થાય છે. અગમ્ય કારણોસર “વાછરડા” પકડવામાં વધારે રસ હોય છે.તેમાં ગાયો કરતા વાછરડાની સંખ્યા વધારે હોય છે.

રખડતા ઢોર પકડવા કે ન પકડવા માટે રૂ.પ૦ લાખના હપ્તા બાંધવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.

ઢોરવાડામાં ક્ષમતા કરતા વધારે રાખવામાં આવતા હોવાથી વાછરડા ના મૃત્યુનું પ્રમાણ વધી રહયું છે. તેમજ બિમાર ગાયોના પણ મરણ થઈ રહયા છે. રાજય સરકારે ઝોન દીઠ પોલીસ ઈન્સ્પેકટર માટે મંજૂરી આપી છે. પરંતુ અગમ્ય કારણોસર સાત ઝોન માટે એક જ પોલીસ ઈન્સ્પેકટરથી કામ ચલાવવામાં આવી રહયું છે. ઈજારાશાહી કોન્ટ્રાકટરની હોવાના આક્ષેપ થઈ રહયા છે.

સંસ્થાને એક મજૂર પેટે દૈનિક રૂ.૪પ૦ ચુકવાય છે. જેની સામે સંસ્થા દ્વારા મજુરને રૂ.૩૦૦ આપવામાં આવી રહયા છે. જયારે ડીપ્લોમાં વેટરનરી તબીબ માટે રૂ.ર૩ હજાર અને ડીગ્રી તબીબ માટે રૂ.૩૦ હજાર ચુકવાય છે. જેની સામે સંસ્થા દ્વારા ડીગ્રી તબીબ ને રૂ.૧૮ હજાર અને ડીપ્લોમાં તબીબ ને રૂ.૧પ આપતી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.