અમદાવાદ,
ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો હતો.
આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર રોડ પર ફરતી જોઈ નથી કે ચોરી કરી નથી. આધુનિક ટેકનોલોજીથી લક્ઝુરિયસ ગાડીઓ ચોરી કરનાર આ સાતીર આરોપી અને કેવી રીતે કરતો હતો લક્ઝુરિયસ ગાડીઓની ચોરી એ પણ જાણવા જેવું છે. આરોપીનું નામ સત્યેન્દ્ર સિંહ શેખાવત છે. જે દેશના જુદા જુદા રાજ્યોમાંથી લાખો કરોડોની મોંઘીદાટ ગાડીઓ ચોરી કરતો હતો. આરોપી સત્યેન્દ્ર સિંહએ પુનામાંથી MBAનો અભ્યાસ કર્યો હતો.
2014થી આરોપી કાર ચોરીના ગુનાઓમાં સંડોવાયો હતો. અગાઉ 2014માં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કાર ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. તે સમયે આરોપી સર્વિસ સેન્ટરમાં જઈને કી સ્ટેન્ડમાંથી ચાવી ઉઠાવી અન્ય ગેટ પાસેથી ગાડી ચોરી કરી લેતો હતો.સત્યેન્દ્ર સિંહ સમયની સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી આધુનિક રીતે ગાડીઓ ચોરી કરી લેતો હતો. ઝડપાયેલા MBA કાર ચોરની પુછપરછમાં, તેણે અત્યાર સુધી 45થી વધુ કારની ચોરી કરી હોવાનું કબુલ્યુ છે. અને ચોરેલી તમામ કાર રાજસ્થાનમાં સસ્તામાં વેચી મારી છે.