ખર્ચ પછી પણ ગટર ઉભરાવાની ફરિયાદમાં વધારો
અમદાવાદ,12 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૮ વોર્ડમાં આવેલી ગટરમાંથી શિલ્ટ કાઢવા દસ વર્ષમાં રુપિયા ૨૭૪.૮૭ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે.વર્ષ-૨૦૨૪માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ગટર સફાઈ પાછળ રુપિયા ૪૩ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે. આમ છતાં ગટર ઉભરાવાની ફરિયાદ વધતી જાય છે. 1 વર્ષમાં 43 કરોડનું આંધણ છતાં 3.51 લાખ ફરિયાદ આવી છે. આધુનિક મશીનથી સફાઈ કરાતી હોવાના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા બહાર આવી છે.
શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ તથા ઝોન કક્ષાએ ગટર ડિસિલ્ટીંગ માટે કોન્ટ્રાકટ અપાય છે.કોન્ટ્રાકટરો દ્વારા હાઈફલો જેટીંગ, મીની જેટીંગ, સુપર સકર મશીન ઉપરાંત કમ્બાઈન્ડ જેટીંગ મશીનની મદદથી ડિસિલ્ટીંગની કામગીરી કરવામા આવે છે.શહેરના વિવિધ વોર્ડમાં જેટીંગ મશીન,સુપરસકર મશીન વગેરેની મદદથી ગટરની સફાઈ કરાવવામા આવે છે. શિફટ મુજબ કોન્ટ્રાકટરોને રુપિયા ૧૧૮૪૪ જેટલી રકમ ચૂકવવામા આવે છે.મ્યુનિ.તંત્ર પાસે ગટર સફાઈના કુલ ૬૦ મશીન છે.ઉપરાંત ખાનગી માલિકીના ચાર મશીનની મદદથી ગટરની સફાઈ કરાવવામા આવે છે.આમ છતાં ગટર ઉભરાવાની ફરિયાદ વધી રહી છે.
અમદાવાદમાં મજૂરોને ગટરમાં સફાઈ કરવા ન ઉતરવું પડે તેથી, 7 વર્ષ માટે 33.45 કરોડ ભાડું આપી બે રીસાઈકલ મશીન લવાયા છે. 66 જેટલા ડીસીલ્ટીગના મશીનો દ્વારા શહેરમાં આવેલી ગટરલાઈનોની સાફસફાઈ કરાવવામાં આવે છે. ગટરલાઈનોમાં થયેલા કાદવ, કીચડ અને કચરાને સાફ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળા જેટીંગ કમ સેક્શન વિથ રીસાઈકલિંગ ફેસિલિટીવાળા બે મશીન ભાડે લેવામાં આવ્યા છે. PPP ધોરણે આ બે રિસાઇકલર મશીન 33.45 કરોડના 7 વર્ષના ભાડા પેટે લવાયા છે.
શહેરમાંથી રોજ ૧૮૧૧ ફરિયાદ તો માત્ર ગટરને લગતા પ્રશ્નને લઈ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનને કરે છે.છેલ્લા ત્રણ મહિનામાં ગટર,ડ્રેનેજ તેમજ પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગેની શહેરભરમાંથી ૯૬,૮૮૯ ફરિયાદ લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવી પડી છે.આ ફરિયાદો પૈકી પાણી અને ગટરની લાઈન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની ૨૪૩૬૦ ફરિયાદો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડ્રેનેજ પ્રોજેકટ અંતર્ગત કામગીરી કરવા કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ગટર,મેનહોલની સફાઈ પણ કરાવવામાં આવે છે. આમ છતાં ગટરને લગતી ફરિયાદ ઘટવાના બદલે સતત વધતી જાય છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ શહેરીજનો પાસેથી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ મંગાવવામાં આવે છે. આ વર્ષે મે થી જુલાઈ સુધીના ત્રણ મહિનાના સમયમાં સાત ઝોનમાંથી કુલ ૧,૬૬,૬૭૯ ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળી હતી. આ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદ ગટર ઉભરાવી,ગટરના પાણી બેક મારવા ઉપરાંત પાણી અને ગટરની લાઈનમાં લીકેજીસના કારણે પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગેની રોજની ૨૬૪થી વધુ ફરિયાદ લોકો તરફથી કરવામાં આવે છે.મધ્યઝોનમાં ત્રણ મહિનામાં ડ્રેનેજ,એન્જિનિયરીંગની સૌથી વધુ ૨૫૫૨૫ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ૮૩૧ ફરિયાદ તંત્રને મળી હતી.ઉત્તરઝોનમાં ડ્રેનેજ, એન્જિનિયરીંગની ૨૧૦૦૭ ફરિયાદ,સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ૧૧૯૨ ફરિયાદ મળી હતી.
જે ફરિયાદ ઉકેલતા નથી એ લોકો પોતે ફરિયાદનુ રેન્ડમ ચેકીંગ કરશે
૪૮ વોર્ડમાં મ્યુનિ.ના મસ્ટર સ્ટેશન આવેલા છે.આ મસ્ટર સ્ટેશન તથા સી.સી.આર.એસ. દ્વારા પાણી,ગટર,રસ્તા સહિતની ફરિયાદોનો નિકાલ કરવાની જવાબદારી વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર, આસિસ્ટન્ટ સિટી ઈજનેર,ડેપ્યુટી સિટી ઈજનેર સહિતના ઈજનેર વિભાગના સ્ટાફની હોય છે. લોકો પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કરે છે.આ પૈકી મોટાભાગની ફરિયાદ ઉકેલાયા વગર બંધ કરી દેવાતી હોવાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુઆત કરાઈ હતી. કમિટીએ નિર્ણય એવો કર્યો કે, વોર્ડ કક્ષાએ રોજબરોજ લોકો તરફથી મળતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદોનો ઉકેલ નહીં આવતો હોવાની ફરિયાદોનું રેન્ડમ ચેકીંગ વોર્ડકક્ષાએ ફરજ બજાવતા સ્ટાફ દ્વારા કરાશે.