સરહદે એરફોર્સ – નૌકાદળ હાઇએલર્ટ પર, સૈન્ય સજ્જ

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ મામલે રક્ષા મંત્રાલયમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ જનરલ બીપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સમગ્ર પર નજર છે.

ભારતે એલએસી પર સેનાને સંપૂર્ણ રીતે તૈયાર કરીને એરફોર્સ અને નૌસેના પણ હાઇએલર્ટ પર રાખી છે. વધતા તણાવ વચ્ચે એલએસી પર હાઇએલર્ટ છે. હિમાચલના કિન્નોર અને લાહોરસ્પીતિ, ઉત્તરાખંડના ચમોલી અને પિથોરાગઢ, સિક્કીમ, અરૂણાચલ સેનાને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવી છે. ઉત્તરી, પશ્ચિમી અને પૂર્વી ભારતના દરેક એરબેસને દરેક આપાત સ્થિતિ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત નૌકાદળના જહાજ પણ સજ્જ કરવામાં આવ્યા છે અને એરફોર્સને પણ સંપૂર્ણ રીતે સજ્જ રહેવાનું એલર્ટ અપાયું છે. ઉલ્લેખનીય છે કે, ગલવાન ખીણમાં ભારત – ચીન વચ્ચે લોહિયાળ સંઘર્ષ ખેલાતા હવે બંને દેશો વચ્ચે ટેન્શન ચરમસીમાએ પહોંચ્યું છે.

લડાખમાં ભારતીય સૈનિકો પર ચીની સૈનિકો તરફથી થયેલા હુમલા અંગે સમગ્ર દેશમાં આક્રોશ છે. ઉત્તરાખંડની નજીક ભારત – નેપાળ અને ભારત – ચીન સરહદ વિસ્તારના લોકો સરકારને ચીન વિરૂધ્ધ કાર્યવાહીની જાણ કરી રહ્યા છે. બોર્ડર એરિયાના લોકો ચીની રાષ્ટ્રપતિનું પૂતળુ ફુંકી ચીની સામાનોના બહિષ્કારની અપીલ કરી રહ્યા છે.