અમિત શાહ હવે મોદીનો પડછાયો નથી

ડિસેમ્બર 2019

આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે.

તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે.

કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની બેઠકમાં સુષમા સ્વરાજે તે સમયના પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની તરફ જોઈને પૂછ્યું, “છેવટે ક્યાં સુધી આપણે અમિત શાહને ખેચીશું?”

બેઠકમાં હાજર રહેલા નરેન્દ્ર મોદીનું ધૈર્ય તૂટી ગયું. તેમણે કહ્યું, “શું વાત કરી રહ્યાં છો. પાર્ટી માટે અમિત શાહનું યોગદાન કેવી રીતે ભૂલી શકાય.”

અરુણ જેટલીની તરફ જોઈને તેમણે કહ્યું, “અરુણજી તમે જેલમાં જાવો અને અમિત શાહને મળો. તેમને લાગવું જોઈએ કે પક્ષ તેમની સાથે છે.” આ પછી આ મુદ્દા પર બેઠકમાં કોઈ કાંઈ બોલ્યું નહીં.

અરુણ જેટલી જેલમાં ગયા અને અમિત શાહને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી જ્યારે અદાલતે ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો પછી તેઓ દિલ્હી આવી ગયા.

દિલ્હીમાં અમિત શાહને વધારે લોકો ઓળખતાં ન હતા. રાજકારણ સિવાય તેમને કોઈ વાતમાં રસ નથી.

અરુણ જેટલીએ પાર્ટીના સાત-આઠ યુવાન નેતાઓને જવાબદારી સોંપી કે તેમનામાંથી દરરોજ ઓછામાં ઓછા બે લોકો દિવસભર અમિત શાહની સાથે રહેશે.

શાહ જેટલા દિવસ દિલ્હીમાં રહ્યા તેટલા દિવસ બપોરે દિલ્હીમાં જેટલીના ઘરે જમવાનું નક્કી રહેતું. તે સમયે રાજનાથની જગ્યાએ નીતિન ગડકરી પાર્ટીના અધ્યક્ષ બની ગયા હતા.

અમિત શાહ તેમને મળવા માટે જતા તો તેમને બે-બે, ત્રણ-ત્રણ કલાક બહાર રાહ જોવી પડતી હતી પરંતુ અમિત શાહે ક્યારેય કોઈને ફરિયાદ કરી ન હતી.

દિલ્હીમાં રહ્યા પછી પણ અમિત શાહ દિલ્હીના રાજકીય પ્રવાહોથી અજાણ હતા.

વર્ષ 2013 આવતાં-આવતાં રાજનાથ સિંહ એક વાર ફરીથી પાર્ટીના અધ્યક્ષ બની ગયા.

મોદીના કહેવાથી રાજનાથ સિંહે તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી બનાવી દીધા.

જ્યારે તેમને ઉત્તર પ્રદેશનો પ્રભાર સોપવામાં આવ્યો તો પાર્ટીમાં સવાલ ઉઠ્યા કે શાહ ઉત્તર પ્રદેશ વિશે કેટલું જાણે છે?

જોકે, ઉત્તર પ્રદેશના ભાજપ નેતાઓને પહેલી જ મિટિંગમાં સમજાઈ ગયું કે અમિત શાહ કોણ છે.

બેઠક શરૂ થઈ તો નેતાઓએ કહેવાનું શરૂ કર્યું કે કઈ કઈ લોકસભાની બેઠક જીતી શકાય છે.

અમિત શાહે કહ્યું કે “તમારે લોકોએ કોઈ બેઠક જિતાડવાની જરૂર નથી, એ કહો કે કયાં બૂથ જિતાડી શકો છો. મને બૂથ જિતાડનાર જોઈએ. બેઠક જિતાડનાર નહીં.”

આ પછી લોકસભા ચૂંટણીના પરિણામે અમિત શાહને રાષ્ટ્રીય ફલક પર સ્થાપિત કરી દીધા. આ સફળતા પછી તેમનો અધ્યક્ષ બનવાનો રસ્તો સાફ થઈ ગયો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી તેમણે ભાજપની કાર્ય સંસ્કૃતિ જ બદલી નાખી. પાર્ટીમાં પદાધિકારીઓ કરતાં બૂથ કાર્યકર્તાઓને મહત્ત્વ આપવામાં આવ્યું.

રાજ્યોમાં પ્રભારી રાષ્ટ્રીય મહામંત્રી સામાન્ય રીતે રાજ્યની રાજધાની અથવા કેટલાંક પ્રમુખ શહેરો સુધી જતા હતા.

અચાનક જ લોકોએ જોયું કે રાષ્ટ્રીય અધ્યક્ષ બૂથ લેવલે કાર્યકર્તાઓને જ ન મળ્યા પરંતુ તેમના ઘરે જમવા પણ જવા લાગ્યા.

હૈદરાબાદના એક પ્રવાસ પરથી પરત ફર્યા પછી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે ફરિયાદ કરી કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું બૂથ સ્તરના કાર્યકર્તાઓના ત્યાં જવું યોગ્ય છે?

અમિત શાહનો જવાબ હતો, પાર્ટીના બંધારણમાં એવું લખ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકર્તાઓના ઘરે નહીં જઈ શકે? આ પદાધિકારીઓ માટે જે સંદેશ હતો તે પહોંચી ગયો.

શાહ જે રાજ્યની બેઠક પર જાય ત્યાં પદાધિકારીઓનો પરસેવો છૂટી જાય છે. કારણ કે તેમને તે મત વિસ્તારની, તેમના મુખ્ય કાર્યકર્તાઓની અને મુદ્દાની તેમના કરતાં પણ વધારે જાણકારી હોય છે.

એટલા માટે તેમણે લૅપટોપ અથવા નોટબુક જોવાની જરૂર પડતી નથી. ચૂંટણી દરમિયાન તે પાર્ટીના તંત્રથી પોતાનું એક અલગ તંત્ર ઊભું કરે છે. આમાં બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને કૉલ સેન્ટર સુધીની તમામ બાબત હોય છે.

આ કામ માટે લોકોની પસંદગીમાં બે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પહેલું, વધારેમાં વધારે યુવાનોને જોડવામાં આવે અને બીજું, તમામની વૈચારિક પ્રતિબદ્ધતા શંકાથી પર હોવી જોઈએ.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન થયા પછી લોકોએ માન્યું કે રાજ્યમાંથી ભાજપનો સફાયો નક્કી છે.

પાર્ટીની અંદર એક વર્ગ હતો જેનું કહેવું હતું કે આ ગઠબંધનને કોઈ પણ ભોગે તોડવાના પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ શાહે કહ્યું કે લડાઈ અને પ્રયત્નોનું સ્તર વધારી દો. વધારે નુકસાન નહીં થાય. “બેઠક વિશે વિચારવાનું છોડી દો. પચાસ ટકા મતનું લક્ષ્ય રાખો.”

તેમણે તમામ રાજકીય પંડિતોને ખોટા સાબિત કરી દીધા. લોકસભા ચૂંટણીની સફળતાએ તેમને ગૃહમંત્રી તરીકે સ્થાપિત કરી દીધા.

સામાન્ય રીતે ગૃહમંત્રીને સરકારમાં નંબર ટુ માનવામાં આવે છે. સવાલ હતો કે શું રાજનાથ સિંહને આ ભૂમિકામાંથી હઠાવી દેવામાં આવશે? મોદી અને શાહ બંનેએ નક્કી કર્યું કે ના, તેની જરૂરિયાત નથી.

5 ઑગસ્ટે જ્યારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ કરવાનો અને બે કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો કાયદો પસાર થયો, ત્યારે વડા પ્રધાને આખા દેશને કહ્યું કે તેમના રાજકીય ઉત્તરાધિકારી કોણ છે?

આ કાયદો લોકસભા ચૂંટણી પહેલાં જ લાવવાની તૈયારીઓ થઈ ગઈ હતી.

કાયદાનો ખરડો બનાવવાથી લઈને પીડીપી સાથે ક્યારે અને કેવી રીતે ગઠબંધન તોડવું છે તેની આખી રણનીતિ અરુણ જેટલી, અમિત શાહ અને મોદીએ તૈયાર કરી હતી.

જેટલીએ તે સમયના ગૃહમંત્રી રાજનાથ સિંહને ત્રણ વખત બોલાવીને આખા કાયદાના ખરડાને ત્રણ વખત સમજાવ્યો અને એ પણ કહ્યું કે સંસદમાં તેમણે શું બોલવાનું છે.

પરંતુ આ દરમિયાન પુલવામા હુમલો થયો અને સરકારે બાલાકોટ ઍરસ્ટ્રાઇકનો નિર્ણય કર્યો એટલા માટે કાયદાને ટાળી દેવામાં આવ્યો.

વડા પ્રધાને નાગરિક્તા સંશોધન વિધેયકની કમાન અમિત શાહને સોંપી હતી અને પોતે પડદા પાછળ રહ્યા હતા.

નાગરિકતા સંશોધન વિધેયક સંસદમાં રજૂ થયું અને પાસ થયું તો વડા પ્રધાન સંસદમાં નથી આવ્યા. અમિત શાહ પરોક્ષ રૂપે સંસદમાં પાર્ટીના નેતાની ભૂમિકામાં હતા.

બંને સમયે અમિત શાહે પાર્ટી અને દેશના લોકોને પોતાના સંસદીય કૌશલ્યથી ચોંકાવ્યા. સંસદનાં બંને સદનોમાં તેમના પ્રદર્શનોથી દેશને પહેલી વખત તેમનો પરિચય થયો.

મોદી શાહના સંબંધને સામાન્ય રાજકીય રીતે સમજવો મુશ્કેલ છે. એક અર્થમાં કહી શકીએ છીએ કે શાહ મોદીના ઑલ્ટર ઇગો છે.

મોદીનો શાહ પર ભરોસો અટલ છે તો શાહ મોદીનો ઇશારો સમજે છે. રાજકારણમાં આવી જટિલ જોડી મળવી મુશ્કેલ છે.

ગત 6 મહિનામાં અમિત શાહ જે પ્રકારે રાષ્ટ્રીય ફલક પર ઊભરીને સામે આવ્યા છે, તેને જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે મોદીના પડછાયા સિવાય તેમણે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે.