અમિત શાહની ધરપકડ પહેલાં મોદી દૂર થયા

મોદીએ સાથી સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા

દિલીપ પટેલ
અમદાવાદ, 5 ઓગસ્ટ 2025
દેશના ગૃહ પ્રધાન અમિત શાહ એક સમયે ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ સીબીઆઈએ કરી હતી. શાહ એ મોદીના સૌથી મજબૂત સાથીદાર હતા છતાં મોદીએ શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. શાહનો હાથ છોડી દીધો હતો. શાહ મોદીને મળવા માંગતા ન હતા. શાહ જ્યારે સીએમને મળવા તેની કચેરીએ ગયા ત્યારે તેમને કલાકો સુધી બેસાડી રખાયા હતા. તેને આજે 15 વર્ષ થયા છે.

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતા નથી. મોદી અને શાહ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સમયે મોદી અને શાહ દુશ્મન બની ગયા હતા.

16 જુલાઈ 2010માં રાજ્ય સરકારે ગોધરામાં ગરીબ મેળાનું આયોજન કર્યું. ગરીબી રેખા નીચે જીવતા લોકોને નાણાકીય સહાય માટેના ચેક આપવાના હતા. સત્તાવાર આમંત્રણમાં ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહને ચેક વિતરણ કરનાર વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.છેલ્લી ઘડીએ યોજનાઓ બદલાઈ ગઈ. મોદીએ ચેક વિતરણ કર્યા હતા.

મહત્વાકાંક્ષી રક્ષા શક્તિ યુનિવર્સિટીનું ઉદઘાટન પણ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ કરવાના હતા. પણ તેનું નામ મહાનુભાવોની યાદીમાંથી ગાયબ કરી દેવાયું હતું. આમંત્રણ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાશે.

રાજ્યના ગૃહ વિભાગ હેઠળ યુનિવર્સિટી હોવા છતાં શાહને તેમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. શાહને મોદીએ આ કાર્યક્રમથી દૂર રાખ્યા હતા. પણ યુનિવર્સિટીના ચાન્સેલર IPS અધિકારી ઓ.પી. માથુર હતા તેની સામે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં CBIની તપાસ ચાલી રહી હતી.

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા શાહની ધરપકડ થવાની હતી તે પહેલાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના તમામ સારા અને નરસા કામોના સાથી અમિત શાહની સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો.

મોદી અમિત શાહથી દૂર કરીને સાવચેતી ભર્યું વલણ અપનાવી રહ્યા હતા. શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી તે લઈ રહ્યા હતા.

13 જુલાઈ 2010ની રથયાત્રા દરમિયાનમાં શાહની સાથે મોદીનો ફોટો ન પડે તેની કાળજી રાખીને શાહને વહેલા રવાના કરી દીધા હતા.