અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો

માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે.

અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે?

આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ માટી છે તે જોવું જોઇએ. પ્રકૃતિ સૌથી વધુ ફળદ્રુપ માટી વર્ષાવન – જંગલોમાં તૈયાર કરે છે આ જંગલોમાં પાણી અને હવાથી પથ્થરોની બારીક માટી (રજ) માં રૂપાંતર થાય છે. આ માટી વૃક્ષોના મુળ, પાન પર જમાં થતી રહે છે. જંગલના બધા જીવોના મળ-મુત્ર, માટી, પાન, ડાંખળાના મિશ્રણ પર જમા થયા કરે છે. વરસાદી પાણી, વૃક્ષોનો છાંયડો આ મિશ્રણમાં ભેજ જાળવી રાખે છે આ પ્રક્રિયા ચાલતી જ રહે છે આમ ક્રમશઃ 100 થી 500 વર્ષે એક ઇચ જેટલી ફળદ્રુપ માટી તૈયાર થાય છે. આ ઘટના ક્રમનો વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિકોણથી અવલોકન અને અભ્યાસ કરીને આવી જ (લગભગ) માટી માત્ર 140 દિવસમાં માનવ સજીત અમૃત માટીરૂપે નિર્માણ થાય છે.

અમૃત માટીની વિશેષતાઓ

સેંકડો પ્રકારના સુક્ષ્મ જીવો (કુગ અને બેંકટરીયા) અને કીટકો માટીને ફળદ્રુપ બનાવી રાખે છે.
ખનિજ દ્રવ્યો કુદરતી પ્રક્રિયા વડે વનસ્પતી માટે ઉપલબ્ધ બનાવે છે. આ સેન્દ્રીય ખાતરો વનસ્પતિને વિકસાવે છે.
હયુમસ, ખનિજ અને સુક્ષ્મજીવોથી તૈયાર વિવિધ રસાયણો જેમ કે હયુમિક એસીડ, એમીનો એસીડ અને હોર્મોન્સ વિગેરે વનસ્પતિને પ્રતિકાર શક્તિ પ્રદાન કરે છે.
જળ સંગ્રહ ક્ષમતા મહત્તમ બને છે. રાત્રે પડનારો ઓસ (ઝાકળને) ધારણ કરવાની ક્ષમતા વધે છે. જે કારણે પાણી આપવાની આવશ્યકતા ઘટે છે.
દર વર્ષે ઉત્પાદનમાં પોષકતત્વોની ગુણવત્તા વધે છે.
અમૃતમાટીનાં કારણે વિટામીન B12 જેવા તત્વો પણ ઉપલબ્ધ બને છે.
આવી માટીમાં તૈયાર થયેલ પાક ઉપર કોઈપણ પ્રકારના કિટકનાશક આવશ્યકતા રહેતી નથી, જેથી ભાવહિંસાવિહીન ખેતી થઈ શકે છે.
અમૃત માટી તૈયાર કરવા માટે જરૂરી સામગ્રી

અમૃતજળ – 400 લીટર

જૈવિક કચરો – 80 કિલો

એકદમ જીણીમાટી – ૧૦ કિલો (10% જીણી રેતી સાથે)

વિવિધ બીજ 300 ગ્રામ

અમૃત માટી તૈયાર કરવાની પધ્ધતિ

અમૃત માટી તૈયાર કરવાના મુખ્ય ચાર પગલા છે.

પહેલું પગલું: અમૃત જળ તૈયાર કરવું

અમૃત જળ એક એવુ મિશ્રણ છે કે જેમાં અતિ-સુક્ષ્મજીવો (માઇક્રોબસ) ની સંખ્યા અને વિવિધતા વિપુલ પ્રમાણમાં હોય છે. જેમાં રહેલા રાસાયણિક તત્વો માટીને વધુ ફળદ્રુપ બનાવે છે અને આ સુક્ષ્મજીવો ભૈતિક અને રાસાયણિક ગુણો વધારે છે આ જળમાં રહેલા સુક્ષ્મજીવો નીચેના કાર્યકરે છે.

ખેતરમાંથી ઉત્પાદિત કચરામાંથી (બાયોમાસ) વનસ્પતિનો ખોરાક તૈયાર કરે છે.
માટીને ભરભરી બનાવે છે.
પ્રતિકાર શકિત વધારે છે.
અમૃત જળ તૈયાર કરવા માટેની જરૂરી સામગ્રી

400 લીટર પાણી
4 કિલો તાજુ છાણ
4 લીટર ગાયનું ગૌમુત્ર
200 ગ્રામદેશી ગોળ (દવા વગરનો)
હવે આ તૈયાર મિશ્રણને ત્રણ દિવસ ઢાંકીને રાખવું. દિવસમાં ત્રણ વખત આ મિશ્રણને 12 વખત ઘડીયાળની દિશામાં અને 12 વખત ઉલટી દિશામાં ઘુમાવવું ચોથા દિવસે 400 લીટર પાણીમાં આ મિશ્રણ મેળવવું જે 404 લીટર બનેલા આ મિશ્રણને અમૃત જળ કહેવાય છે.

અમૃત જળના ઉપયોગની વિધિ

પહેલુ વર્ષ-દર 15 દિવસના અંતરે છેટકાવ કરવું. (પૂરા વર્ષમાં 24 વાર)
બીજું વર્ષ-દર 30 દિવસના અંતરે છેટકાવ કરવું. (પૂરા વર્ષમાં 12 વખત)
ત્રીજુ વર્ષ-દર 90 દિવસે છંટકાવ કરવું. (પૂરા વર્ષમાં 4 વખત)
ચોથા વર્ષ- 180 દિવસના અંતરાલમાં છાંટવું (પૂરા વર્ષમાં 2 વાર)
પાંચમું વર્ષ-અમૂત જળ છાંટવાની આવશ્યકતા નથી.
વિશેષ

દેશી ગાયના ગૌમુત્ર અને છાણની ગુણવત્તા સારી હોય છે. એટલે દેશી ગાયના ગૌમુત્ર છાણને પ્રાથમિકતા આપી છે, ગૌમુત્ર જેટલુ જુનુ હોય તેટલી ગુણવત્તા વધુ સારી હોય છે છાણ તાજુ હોવું ખુબ જરૂરી છે કારણ કે તાજા છાણમાં જ સુક્ષ્મજીવોની સંખ્યા વધુ હોય છે. દેશી કાળા ગોળનો જ ઉપયોગ કરવો જોઇએ કારણકે તેમાં કૃત્રિમ રસાયણનો ઉપયોગ થયો ન હોય. જરૂરીયાત મુજબ અમૃત જળ તૈયાર કરવા માટે સામગ્રીનું પ્રમાણ માપ સરખુ રાખીને જથ્થામાં પણ અમૃત જળ તૈયાર કરી શકાય છે. ગાય ન હોય તો બળદ, ભેસ, ઘોડો, ગધેડો, ઉંટ વગેરે પ્રાણીનું પણ વિષ્ટા તેમજ મુત્રનો ઉપયોગ થઇ શકે છે.

બીજું પગલું: જૈવિક કચરાના 2 થી 3 ઇંચના ટુકડા કરી અમૃત જળમાં ડુબાડવા.

કોઇપણ વનસ્પતિના મુળ, થડ, પાન, ફળ, ફુલ, વિગેરે ભાગો અને પ્રાણીઓના મૃત શરીર, મળ અને મુત્રને જૈવિક કચરો કહેવાય છે. જૈવિક કચરાના ૨ થી ૩ ઇચ ટુકડા કરીને સંપુર્ણ સુકવી નાખવા. ત્યારબાદ અમૃત જળમાં ૨૪ કલાક માટે ડુબાડી રાખવા, બહાર ન નિકળી જાય તે માટે ઉપર પથ્થર અથવા લાકડાનું વજન મુકવું.

ત્રીજું પગલું: જૈવિક કચરો અને જીણીમાટીના થર પાથરવા અને ખાતરમાં રૂપાંતર કરવું

ઢગલી બનાવવા ૨૪ કલાક ડુબાડેલ જૈવિક કચરો બહાર કાઢીને જમીન ઉપર ૧૦ x ૩ ફુટ સાઇઝ નકકી કરીને પાતળુ થર પાથરવું, પછી તેના પર તેના પ્રમાણમાં ચોથા ભાગની બારીક માટીનો છંટકાવ કરવો. આ રીતે વારંવાર થર – પાથરતા રહીને ઉંચાઇ ૧ ફુટ સુધી લઇ જવું. ઓછામાં ઓછા પ૦ થી ૭૦ થરને પાથરવાના થાય છે ક્યારેક આ થરની સંખ્યા ૧૦૦ સુધી થવા જાય છે.

ઢગલી દર સાત દિવસે પલટાવવી અને તેના પર અમૃત જલનો છંટકાવ કરવો અને ઢગલીમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવું. પલટાવીને ઢગલીને ઢાંકેલી રાખવી. આવી રીતે ૩૦ દિવસમાં ખાતર બનાવવાની પ્રક્રીયા ચાલુ થઇ જાય છે.

ચોથું પગલું: ઢગલીનું હરિતીકરણ કરવું

યાદીમાંથી વધુને વધુ વિવિધતા જાળવીને નીચે દર્શાવેલ ૩૦૦ ગ્રામ બીજ લઇ તેને ૮ કલાક અમૃત જળમાં પલાળો, આવુ કરવાથી બીજ ઝડપથી અંકુરિત થઇ શકશે. આ બીજનો ઢગલી પર વેરવા અને તેને અડધો ઇંચ માટીના થરથી ઢાંકી દેવા.

અનાજ: મકાઇ, જુવાર, ઘઉં અને ડાંગર

કઠોળ: મગ, અડદ, ચણા, તુવેર, મઠ

તેલીબિયા: મગફળી, તલ, સરસવ, એરંડો

મસાલા: મરચા, મેથી, જીરૂ, રાય

શાકભાજી: પાલક, ટમેટા, રીંગણ, ગુવાર કાકડી, ગલકુ, કારેલા, ટીડીરૂ, દુધી, તુરીયા, ગલકા

કંદ: બટાકા, શકકરીયા, હળદર, આદુ

રેસા વર્ગીય: ભીંડો, કપાસ, શણ

કુલ વર્ગીય: બારમાસી, ગલગોટો

ઓષધીય: તુલસી, સતાવરી, અરડુસો, અશ્વગંધા

દીર્ધાયુ: બાવળ, લીંબડી, કરંજ, ગલીરીસીડીયા, વિગેરે

આયુર્વેદના છ રસ પ્રમાણેના બીજ

મીઠોરસ: વરીયાળી, મીઠી મકાઇ

તીખો: મરચી

કડવો: મેથી, કારેલા

ખાટો: આંબલી, ટમેટા

તુરો: ગુવાર

ખારો: પાલક

બીજ અંકુરિત થયાના 21 દિવસ બાદ છોડને ઉપરથી 25 ટકા કાપો અને તે ઢગલી પર જ રહેવા દો જેનાથી કોમળ પાંદડામાં રહેલ ઝીંક, ફોસફેટ, બોરેન, મોલીબડેનીયમ વિગેરે જેવા ઉપયોગી તત્વો ઢગલીમાં ભળશે. હવે પછી 21 દિવસ બાદ એટલે કે 42 દિવસે જે ફરીથી વધેલા છોડને ફરી 25 ટકા પાછા કાપીને ઢગલીમાં નાખો, આથી પરીપકવ પાંદડા ઢગલીમાં ભળવાથી નાઇટ્રોજન, મેગનેશીયમ અને પોટેશ્યમ ઢગલીમાં ભળે છે હવે 63 માં દિવસે કેટલાક છોડ પર કુલ ખીલે છે. આ છોડની અવસ્થાએ બધા છોડને જમીનથી અર્ધા ઇચ ઉપરથી કાપી નાંખી અને ત્રણ ચાર ઇચના ટુકડા કરી ઢગલી પર પાથરીદો. આ કાપેલા ટુકડા 3-4 દિવસમાં પીળા પડી જશે. ત્યારે આ જૈવિક કચરાને ચારથી છ કલાક અમૃત જળમાં ડુબાડુ રાખો અને ત્યારબાદ આ જૈવિક કચરાને ઢગલીમાં બરાબર ભેળવી દો અને તેના પર અમૃત જળનો છંટકાવ કરી 30 દિવસ સુધી રહેવા દો. યાદ રાખો આ દરમ્યાન દર સાત દિવસે ઢગલીને પલટાવો અને ભેજનું પ્રમાણ જાળવી રાખો. આ પ્રક્રીયાથી મુળ પાસે વિકસીત થયેલ વિવિધ સુક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો થાય છે.

ખેડુતમિત્રો, આવી રીતે 140 દિવસમાં તમારા ખેતરની માટી ઉપજાઉ બની જશે તેને અમૃત માટી કહેવાય છે. આ વિધિ એકજ વાર કરવાની છે. જેનાથી સમગ્ર ખેતરની માટી અમૃત માટી બની જાય છે. ઉત્પાદન પછી બાકી વધતો જેવભાર ખેતરમાં પાથરતા રહો જેથી ખેતરમાં અમૃત માટીની ગુણવતા વધતી રહેશે.