શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે.
અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓનલાઇન યોજી શકાય. વધુમાં કેટલીક યુનિવર્સિટીઓ જેવી કે જીટીયુ, ગુજરાત યુનિવર્સિટી વગેરેમાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને તેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓ માટે પણ યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા તથા સ્વાસ્થ્યરક્ષા માટે ગુજરાતમાં દરેક જિલ્લાકક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવાનું આયોજન કરવાનું રહેશે.
ઈન્ટરમીડિયેટ સેમેસ્ટર-૨-૪-૬ના વિદ્યાર્થીઓને મેરિટ બેઝડ પ્રોગ્રેસન આપવાનું હોય પરીક્ષા ફી આગામી સેમેસ્ટરની પરીક્ષા ફી તરીકે મજરે આપવાની રહેશે. કેટલાક વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય કે પરીક્ષાના દિવસે કોવિડના લક્ષણો દેખાય કે કોરોના સંક્રમિત હોય કે અન્ય કારણોસર પરીક્ષા કેન્દ્ર સુધી આવી શકે તેમ ન હોય તો ફક્ત આવા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખાસ પરીક્ષા યોજવાની રહેશે. જેના માર્ક રેગ્યુલર માર્ક તરીકે માર્કશીટમાં દર્શાવવામાં આવશે.