અનાથ ગૃહમાં તાજેતરમાં લાવવામાં આવેલી એક છોકરીનું નામ ગુપ્ત રહે તે માટે નામ આપ્યા વગર જણાવ્યું કે, આ છોકરી તાજેતરમાં રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. તે એટલા માનસિક પરિતાપમાં છે કે તે વારંવાર હું બીમાર છું, મને દવાખાને લઈ જાઓ તેનું રટણ કરે રાખે છે. આ છોકરીને ચારથી પાંચ વખત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી પરંતુ તેને તાવ કે કશું જણાયું નથી, પરંતુ માનસિક તાણને કારણે તે આવું કર્યા કરે છે પરંતુ વારંવાર સિવિલમાં આવી છોકરીને લઇ જતાં તેને કોઈ ઈન્ફેક્શન લાગે તો અનાથાશ્રમમાં રહેલા અને બાળકોને પણ તેનો ચેપ લાગી શકે છે. તેને ધ્યાનમાં રાખીને તેની સારવાર થાય તે જરૂરી હતું. આજે થયેલી આરોગ્ય તપાસથી તેનામાં સ્થિરતા કેળવાઈ છે. માનસિક રીતે તે સ્વસ્થ બની છે. આ બધું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આરોગ્યલક્ષી પગલાઓને કારણે શક્ય બન્યું છે. આવા બાળકોને તમને કંઈ થયું નથી તેવું સમજાવવાથી તેઓ સ્વસ્થ થયા હતા.
સંરક્ષણ ગૃહમાં સતત બાળકોની ખોવાયેલી સ્મૃતિ કે આત્મવિશ્વાસ પાછો લાવવા માટેના સતત પ્રયત્નો કરાય છે, તેના કારણે સ્વસ્થ થયેલા કે તરછોડાયેલા બાળકોને તેમનાં વાલીવારસોને સાથે મેળાપ કરવામાં આવે છે.
સમાજમાં બે પ્રકારના લોકો જોવા મળે છે એક કે જેની પાસે બધું જ છે અને બીજો વર્ગ એવો છે કે જેની પાસે કંઈ જ નથી.
જેમની પાસે બધું જ છે તેમને કોરોનાના કપરા કાળમાં કોઈ તકલીફ થતી નથી, પરંતુ એવા બાળકો કે જેમને કોઇ આશરો નથી તેઓ માટે રાજ્ય સરકારે અનાથાશ્રમ, બાળ સંરક્ષણ ગૃહ, નારી સંરક્ષણ ગૃહ દ્વારા રોટલો અને ઓટલો બંને પૂરો પાડ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આવા બાળ સંરક્ષણ ગ્રુહ, નારી સંરક્ષણ ગૃહમાં સમાજમાંથી તરછોડાયેલા, મંદબુદ્ધિના કે જેમનો કોઇ આશરો નથી તેવા બાળકો માટે સરકારે ઓટલો એટલે કે આશ્રય અને રોટલો એટલે કે ભોજન, આ બંનેની વ્યવસ્થા કરવા સાથે -સાથે તેમના આરોગ્યની ચકાસણીની દરકાર પણ કરી છે.
બાળ સંરક્ષણ ગૃહમાં રહેલા બાળકો એવા હોય છે કે જેઓને મા-બાપ કુટુંબનો પ્રેમ મળ્યો નથી હોતો, તેથી તેઓ સામાન્ય બાળકો કરતાં વધુ માનસિક પરિતાપમાં હોય છે
અમદાવાદમાં આવેલા ઓઢવ ખાતેના બાળાઓના હોમ, મહીપતરામ રૂપરામ આશ્રમ, પાલડી ખાતે આવેલ વિકાસ ગૃહ, મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થા, શિયાળ ખાતે આવેલ સંરક્ષણ ગૃહ વગેરે ૮ સંસ્થાઓમાં રહેલા ૧૫૮ જેટલા નાના- મોટા બાળકોની આજે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
બાળ સંરક્ષણ ગૃહોને ફોગીગ અને સેનિટેશન દ્વારા જંતુમુક્ત બનાવવામાં આવ્યા હતા.
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા અનાથાશ્રમમાં રહેલા બાળકોની સ્વાસ્થ્ય ચકાસણી કરી માનવ સેવા સાથે તંત્રની દરેક ક્ષેત્રની કાળજી તથા સારસંભાળ રાખવાની કટિબદ્ધતા દર્શાવી છે તેમ સમાજ સુરક્ષા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.