ગુજરાત વિધાનસભામાં 6 માર્ચ 2020ના દિવસે આપવામાં આવેલી વિગતો
આંગણવાડી અને તેડાગર કાર્યકરના માનદ વેતનમાં વધારો
આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦નો વધારો, હવે રૂ.૭૮૦૦ મળશે
આંગણવાડી તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦નો વધારો, હવે રૂપિયા ૩૯૫૦ મળશે
મિની આંગણવાડી બહેનોના વેતનમાં રૂ. ૩૦૦નો વધારો, હવે રૂ.૪૪૦૦ મળશે
વધારાનું આ માનદ વેતન માર્ચ-૨૦૨૦થી ચુકવાશે : માર્ચ ૨૦૧૯થી ફેબ્રુઆરી-૨૦૨૦ સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે
રાજ્ય સરકારને વધારાનું રૂ.૧૧૧ કરોડનું ભારણ ૫૩,૦૨૯ બહેનોને લાભ
રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓમાં આવતા અંદાજીત ૩૩ લાખ બાળકોને પોષણ સ્તરને ઉંચુ લઇ જવાની કામગીરી કરતા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો પોષણ સેવાના મહત્વનાં અંગ છે. તેઓ ૬ વર્ષ સુધીની ઉંમરના બાળકોના સર્વાગી વિકાસ માટે બાળકોને પૂર્વ શાળા શિક્ષણ આપવાની, પૂરક પોષણ આપવાની તથા અન્ય પાયાની મહત્વની કામગીરી કરે છે. આ વધારો તા.૦૧ લી માર્ચ,૨૦૧૯ થી અમલમાં આવે તે રીતે આપવામાં આવશે .
વાર્ષિક રૂ. ૫૫.૯૮ કરોડ જેટલો કાયમી વધારાનો ખર્ચ થશે. માર્ચ ૨૦૧૯ થી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીના સમયગાળાનું માનદ વેતનનું એરીયર્સ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. રાજ્ય સરકાર પર એરીયર્સનું અંદાજે રૂ.૫૫.૯૮ કરોડ જેટલું ભારણ આવશે.
એક પણ ઇંચ ગૌચર ઓછું ન થાય એ અમારી નેમ
મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે રાજ્યની સંવેદનશીલ સરકારનું રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય માટે અમારી નેમ છે. ગૌચરની જાળવણી માટે રાજ્ય સરકારે વર્ષ 2015માં અલાયદી ગૌચર નીતિ બનાવી છે જેના પરિણામે રાજ્યમાં 1.50 કરોડ હેક્ટર ગૌચરનો વધારો કર્યો છે. ગૌચરની જમીન ક્યારેય કોઈને ફાળવાતી નથી પરંતુ જનહિત માટેના પ્રોજેક્ટો કે રોજગારીના નિર્માણ માટેના પ્રોજેક્ટોમાં જ ખાસ સંજોગોમાં આવી જમીન ફાળવવામાં આવે છે. ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના 390 ગામોમાં લઘુતમ જોગવાઇથી ઓછું ગૌચર છે જે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સંન્નિષ્ઠ પ્રયાસો કરાશે. ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાઓમાં 290 ગામો પૈકી 269 ગામોમાં ગૌચરની ઘટ છે અને 26 ગામોમાં શૂન્ય ગૌચર છે. એ જ રીતે મહેસાણા જિલ્લાના દસ તાલુકાઓમાં 601 ગામો પૈકી 101 ગામમાં ગૌચરનિ ઘટ છે એ સત્વરે પૂર્ણ કરવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરાશે. ગૌચર માટે 100 ઢોર દીઠ ૪૦ એકર જમીન જોઇએ.
આણંદ જિલ્લામાં શ્રમ કાયદાનો ભંગ કરતા 62 એકમો સામે 144 ફોજદારી કેસો દાખલ કરાયા
આણંદ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કાયદાનો ભંગ કરાતા 1,274 એકમોની તપાસ કરી 62 એકમોને કસૂરવાર જણાતા 144 ફોજદારી કેસો દાખલ કરવામાં આવ્યા છે ઓછું વેતન આપતા 40 એકમોને સમજાવટથી પ્રયાસ કરતાં 1,743 કામદારોને રૂપિયા 2.48 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લાની હાલની 191 બાંધકામ સાઇટો માંથી 177 સાઇટનું નિયમ મુજબ નિરીક્ષણ
રાજ્યમાં બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં 6.50 લાખથી વધુ શ્રમિકો નોંધાયા છે. ગાંધીનગર જિલ્લામાં તારીખ 31 ડીસેમ્બર 2019ની સ્થિતિએ બાંધકામ સાઇટ ઉપર થયેલા પ્રાણઘાતક અકસ્માતના કિસ્સામાં જવાબદારો સામે બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-1996 હેઠળ વિવિધ જોગવાઈના ભંગ બદલ નામદાર કોર્ટમાં 24 કેસ તેમજ ચીફ ઇન્સ્પેક્શન ઓફ ઇન્સ્પેક્શન ઓથોરિટીની કોર્ટમાં 32 એમ કુલ 56 કેસ કરવામાં આવ્યા.
આ સાઈટ ઉપર ભોગ બનેલા છ બાંધકામ શ્રમિકોના પરિવારોને તાત્કાલિક અસરથી રહેમરાહે રૂપિયા 13,95,089ની સહાય કરવામાં આવી છે. જ્યારે બાકીની સહાય કેસના ચુકાદા બાદ આપવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં હાલમાં કાર્યરત 191 બાંધકામ સાઇટ માંથી 177 સાઈટનું સલામતીના ભાગરૂપે નિયમ મુજબ નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં 13,374 ઘરોમાં પીવાના શુદ્ધ પાણીના જોડાણ અપાયા
બનાસકાંઠામાં વર્ષ 2018-19માં 7133 તેમજ વર્ષ 2019-20માં 6241 ઘરોમાં પીવાના પાણીના જોડાણ આપવામાં આવ્યા છે બનાસકાંઠામાં દાંતીવાડા અને ધાનેરામાં પીવાલાયક પાણી ન હોય તેવા કુલ 46 ગામો છે જેને આગામી 6 માસમાં કેન્દ્રની ‘નલ સે જલ’ યોજના હેઠળ શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવશે.
ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં બે વર્ષમાં ઘરથાળના 289 પ્લોટ ફાળવવામાં આવ્યા
ભાવનગર જિલ્લામાં વર્ષ 2018માં 77 અને વર્ષ 2019માં 96 મળીને બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં કુલ 173 ઘરથાળ મફત પ્લોટની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2018માં 56 અને વર્ષ 2019માં 58 મળીને કુલ 114 ઘરથાળ પ્લોટની અરજીઓ મંજૂર કરવામાં આવી છે એટલે કે બે વર્ષમાં ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મળેલી અરજી પૈકી 287 અરજીઓ મંજૂર કરીને મફત પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
ખેડૂતોને રૂ. 39 હજાર કરોડનું પાક ધિરાણ ઝીરો ટકા વ્યાજ અપાવ્યું
રૂપિયા 500 કરોડ વધારાનું રીવોલ્વીંગ ફંડ
39,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું ધિરાણ ઝીરો ટકાના દરે ખેડૂતોને અપાયુ છે. હકીકતે રાજ્ય સરકાર ધિરાણની રકમનું વ્યાજ 7 ટકાના દરે બેંકોને આપવું પડે છે અને આ રકમનો 4 ટકાનો બોજ રાજ્ય સરકાર અને 3 ટકાનો બોજ કેન્દ્ર સરકાર ઉપાડે છે. ધિરાણ માટે બેંકોને અગાઉથી પૈસા ચૂકવવા 400 કરોડનું રીવોલ્વીંગ ફંડ છે.
સરકારે વર્ષ 2016-17માં રૂ.1267.19 કરોડ, વર્ષ 2017-18 રૂ. 1075.44 કરોડ અને વર્ષ 2018-19માં 2777.46 કરોડ મળી કુલ રૂપિયા 5120.09 કરોડની પાક વીમાની રકમ ખેડૂતોને દાવા પેટે ચૂકવી છે.
1.25 લાખથી વધુ સરકારી અધિકારી, કર્મચારીઓની ભરતી સંપૂર્ણ પારદર્શિતાથી કરી છે.
આદિવાસી વિસ્તારોમાં ખાણ ખનીજ બ્લોકની હરાજી તારીખ 24-3-17થી પારદર્શક રીતે ઈ-ઓકશન એટલે કે ઓનલાઈન ટેન્ડર પદ્ધતિથી કરવામાં આવે છે અને પેસા એક્ટ કાયદાનું પાલન કરી સ્થાનિકોને ફાળવવામાં આવે છે. અત્યાર સુધી 128 બ્લોકોની જાહેર હરાજીમાંથી 88ની હરાજી થઈ તેમાંથી 72 સફળ બિડરોને બ્લોક ફાળવવામાં આવ્યા છે.
ખાણ અને ખનીજ વિભાગની 95 ટકા રકમને જિલ્લા પંચાયતને ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવે છે. આ વર્ષે રૂ. 140 કરોડ જિલ્લા પંચાયતોને વિકાસ કામો માટે ફાળવી આપવામાં આવ્યા છે.