આરોગ્યની પૂરતી તકેદારી રાખવા સાથે
તાજેતરમાં અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના જેતલપુર ખાતે કોરોના બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા જેતલપુર એ.પી.એમ.સી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં ખેડૂતોના હિતમાં રાજ્યની તમામ એ.પી.એમ.સી.ઓને ચોક્કસ નિયમોના પાલન કરવાની શરતે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
તે જ રીતે જેતલપુર એ.પી.એમ.સી. પણ દસ્ક્રોઇ તાલુકાના ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને જાહેર જનતાનું સ્વાસ્થ્ય ન જોખમાય તે રીતે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે તેમ મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી રાજ્ય મંત્રીમંડળની ચોથી વીડિયો કોન્ફરન્સ કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું.
એ.પી.એમ.સી.માં કોરોનાની પરિસ્થિતિને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેમજ સેનિટાઇઝેશન અને ફ્યુમિગેશન નિયમિત રીતે કરીને, લોકોને મર્યાદિત માત્રામાં જ પ્રવેશ મળે તે માટેના આરોગ્યલક્ષી પગલાં સુનિશ્ચિત કર્યા બાદ જ ખેડૂતોને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જેતલપુર માર્કેટમાં મોટા પ્રમાણમાં દસ્ક્રોઇ તાલુકાના ખેડૂતો તેમના ઘઉં અને ચોખા વેચવા માટે આવે છે. તેમજ તાજેતરમાં અમદાવાદ ખાતેનું જમાલપુરનું શાકભાજી માર્કેટ પણ જેતલપુર એ.પી.એમ.સી. ખાતે ખસેડવામાં આવ્યું છે. જેથી જમાલપુર ખાતે મોટા પ્રમાણમાં થતી ભીડને અટકાવી શકાય.