20 એપ્રિલથી સરકારી કચેરીઓ ચાલુ કરાશે

ગાંધીનગર, 17 એપ્રિલ 2020

20 એપ્રિલથી 3 મે સુધી સરકારી કચેરીઓ નિયમોને આધિન રહીને ફરી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. સિમીત સ્ટાફ સાથે કચેરીઓ ચાલુ રાખવા અંગે નિર્ણય કર્યો છે. જે વિસ્તારમાં કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહિ.

આ વિસ્તારોમાં વસ્તા કર્મચારી-અધિકારીઓને ફરજ પર આવવામાંથી મુકિત આપવામાં આવી છે. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો-ખાતાના વડાઓ-કચેરીઓ નિયંત્રીત સિમીત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જાળવીને ચાલુ રાખવામાં આવશે.

કોવિડ-19 ચેપ વાયરસ સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ કલેકટર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની આવશ્યક સેવાઓ, પોલીસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગેસ, ઇલેકટ્રિકસિટી, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સંલગ્ન કચેરીઓ વગેરે સેવાઓની કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહિ, વન વિભાગ હેઠળની કચેરી ઝૂ, નર્સરી, વાઇલ્ડલાઇફ સંબંધિત પ્રવૃતિ અંગે પણ ચાલુ રહેશે.

વર્ગ-૧-રના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા-વિભાગ કે કચેરીના વડાની સુચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે અને વર્ગ-૩ અને તેથી નીચેના કર્મચારીઓના સંબંધમાં ૩૩ ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે તથા અન્ય અધિકારી-કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે, એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
આ સુચનાઓ સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સીંગ અને કર્મચારીઓની આરોગ્ય સલામતિ માટે કેટલીક ચોક્કસ કાર્યવાહી પણ કરવાની રહેશે. કચેરીના હદ વિસ્તારમાં તમામ વિસ્તારોને, શરીરને હાનિકારક ન હોય તેવા, ચેપરહિત બનાવે તેવા માધ્યમો વડે ચેપરહિત બનાવવાના રહેશે અને આ કામગીરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/સત્તામંડળની મદદ લઇ શકાશે.

દરેક કચેરીના બધાં કર્મચારીઓએ કામના સ્થળે ફરજિયાતપણે માસ્ક, Face cover પહેરવાનું રહેશે અને વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનો અને યંત્રસામગ્રીને સ્પ્રે કરીને ચેપ રહિત બનાવવામાં આવશે.
કામના સ્થળે પ્રવેશતા અને ત્યાંથી વિદાય લેતાં દરેક વ્યકિતનું ફરજિયાત થર્મલ સ્કેનિંગ કરવાનું રહેશે. એટલું જ નહિ, પ્રવેશ તથા બહાર જવાના તમામ સ્થળોએ અને સહિયારા ઉપયોગના વિસ્તારને, હાથ ધોવાની અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
લિફટ્સ અથવા હોઇટ્સમાં (lifts or hoists) 2-4 વ્યકિતઓ કરતા વધુ વ્યકિતઓને મુસાફરી કરવા દેવાશે નહિ તેમજ અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

કામના સ્થળોએ બેઠક કરવાના પ્રસંગોમાં પાંચ અથવા તેથી વધુ વ્યકિત ભેગા ન થાય તેની તાકિદ કરવામાં આવી છે. તેમજ બેઠકો વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવાનું જણાવાયું છે.