સશસ્ત્ર દળો કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં નાગરિક સત્તાધીશો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે

કોવિડ-19 મહામારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે જરૂરિયાતમંદ લોકો સુધી તબીબી અને લોજિસ્ટિક્સ સહાય પહોંચાડવામાં સશસ્ત્ર દળો અવિરત કામ કરી રહ્યા છે. આ કટોકટીપૂર્ણ સમયમાં નાગરિક સત્તાધીશોને મદદરૂપ થવા માટે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (AFMS) દ્વારા પોતાના સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે.

સશસ્ત્ર દળો દ્વારા મુંબઇ, જૈસલમેર, જોધપૂર, હિંદોન, માનેસર અને ચેન્નઇ એમ છ જગ્યાએ ક્વૉરેન્ટાઇન સુવિધા ચલાવવામાં આવે છે. એક હજાર સાતસો સાડત્રીસ લોકોને આ કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે જેમાંથી અત્યાર સુધીમાં 403 વ્યક્તિઓને રજા આપવામાં આવી છે. ત્રણ કોવિડ પોઝિટીવ કેસ – હિંદોનમાં બે અને માનેસરમાં એક – વધુ સારવાર માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વધુમાં, અન્ય 15 સુવિધાઓ જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવા માટે તૈયાર રાખવામાં આવી છે.

સમગ્ર દેશમાં સશસ્ત્ર દળોની 15 હોસ્પિટલમાં હાઇ ડિપેન્ડેન્સી યુનિટ, ઇન્ટેન્સિવ કૅર યુનિટ બેડ સહિત સમર્પિત કોવિડ-19 સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આમાંથી કેટલીક સુવિધા કોલકાતા, વિશાખાપટ્ટનમ, કોચી, હૈદરાબાદ નજીક દુંડીગલ, બેંગલુરુ, કાનપૂર, જૈસલમેર, જોર્હાટ અને ગોરખપૂર ખાતે છે.

રાષ્ટ્રીય જરૂરિયાતના ભાગરૂપે સશસ્ત્ર દળોની હોસ્પિટલોમાં પાંચ વાયરલ પરીક્ષણ લેબમાં કોવિડ-19નું પરીક્ષણ પણ થઇ શકશે. આમાં આર્મી હોસ્પિટલ (રીસર્ચ એન્ડ રેફરલ) દિલ્હી કેન્ટોન્મેન્ટ; બેંગલોરમાં એરફોર્સ કમાન્ડ હોસ્પિટલ, પૂણેમાં આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજ; લખનઉમાં કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ) અને ઉધમપૂરમાં કમાન્ડ હોસ્પિટલ (નોર્ધન કમાન્ડ)નો સમાવેશ થાય છે. વધુ છ હોસ્પિટલમાં કોવિડ-19નું પરીક્ષણ થઇ શકે તે માટે સંસાધનો સહિત અન્ય તૈયારીઓ ચાલી રહી છે.

ભારતીય વાયુસેનાની વિશેષ ફ્લાઇટ દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવામાં આવ્યા છે અને તબીબી પૂરવઠો પણ લઇ જવામાં આવ્યો છે. ક્રૂ, મેડિકલ ટીમ અને સહાયક સ્ટાફ સહિત 15 ટન તબીબી પૂરવઠાનો જથ્થો C-17 ગ્લોબમાસ્ટર III દ્વારા ચીન લઇ જવામાં આવ્યો હતો અને ભારતીય તેમજ અન્ય પડોશી મિત્ર રાષ્ટ્રોના લોકો સહિત કુલ 125 લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં પાંચ બાળકો પણ હતા. C-17 ગ્લોબમાસ્ટર III દ્વારા ઇરાનમાંથી પણ ત્યાં ફસાયેલા 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા જેમાં 31 મહિલા અને 2 બાળકો હતા. આ એરક્રાફ્ટમાં કોવિડ-19ની તપાસ માટે 529 નમૂના પણ લાવવામાં આવ્યા હતા.

C-130J સુપર હરક્યૂલસ એરક્રાફ્ટ દ્વારા માલદીવ્સ ખાતે 6.2 ટન દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. પાંચ ડૉક્ટર, બે નર્સિંગ ઓફિસર અને સાત પેરામેડિક્સ સહિતની આર્મી મેડિકલ કોર્પની ટીમ માલદીવ્સમાં ક્ષમતા નિર્માણની કામગીરી માટે અને તેમની પોતાની પરીક્ષણ, સારવાર અને ક્વૉરેન્ટાઇન સુવિધા ઉભી કરવા માટે 13થી 21 માર્ચ દરમિયાન તૈનાત કરવામાં આવી હતી.

આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ અને તબીબી ઉપકરણોના પરિવહન માટે ભારતીય વાયુસેનાના પરિવહન કાફલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં, અંદાજે 60 ટન જથ્થો દેશના વિવિધ ભાગોમાં વાયુ માર્ગે પહોંચાડવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ અઠ્ઠાવીસ ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ અને 21 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

પડોશી રાષ્ટ્રોને મદદરૂપ થવા માટે નૌકાદળના છ જહાજ તૈયાર રાખવામાં આવ્યા છે. પાંચ તબીબી ટીમ પણ માલદીવ્સ, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને અફઘાનિસ્તાનમાં મોકલવા માટે ખડેપગે રાખવામાં આવી છે.