9.5.2020
દેશમાં કોવિડ-19ના કુલ 59,662 કેસ નોંધાયા છે; 17,847દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 1,981 દર્દીના મૃત્યુ થયા છે..
• છેલ્લા 24 કલાકમાં 3,320 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
• આસામ અને ત્રિપૂરા સિવાય પૂર્વોત્તરમાં મોટાભાગના રાજ્યો હવે ગ્રીન ઝોનમાં આવી ગયા.
• પરીક્ષણની ક્ષમતા હવે વધારીને દરરોજ 95,000 પરીક્ષણ સુધી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 15.25 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા.
• કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ-19 વ્યવસ્થાપનની વર્તમાન મુશ્કેલ સ્થિતિમાં CAPF દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા કરી.
• શ્રમ મંત્રાલયે કોવિડ-19 બાબતે સામાજિક ભાગીદારો સાથે ચર્ચા કરી અને કામદારો તેમજ અર્થતંત્ર પર અસરો ઘટાડવા માટે યોજના ઘડી રહ્યું છે.
• શ્રી નકવીએ જણાવ્યું કે, કોવિડ મહામારી સામેની દેશની લડાઇમાં લઘુમતી સમુદાયે સમાન પ્રમાણમાં યોગદાન આપ્યું છે.
ડૉ. હર્ષવર્ધને પૂર્વોત્તરના રાજ્યો સાથે જોડાઇને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે લેવામાં આવેલા નિયંત્રણના પગલાં અને તેમની તૈયારીઓની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મણીપૂર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપૂરા અને સિક્કીમ સાથે કોવિડ-19ના વ્યવસ્થાપન માટે પૂર્વોત્તરના રાજ્યોમાં સ્થિતિ અને નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાંનીસમીક્ષા કરી હતી. ડૉ. હર્ષવર્ધને દેશમાં કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે તમામ રાજ્યોએ કરેલા પ્રયાસો અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પૂર્વોત્તરના રાજ્યો ગ્રીન ઝોનમાં છે તે જાણીને ઘણો આનંદ થાય છે અને અન્ય રાજ્યો માટે તે પ્રોત્સાહન આપનારી સ્થિતિ છે. અત્યારે માત્ર આસામ અને ત્રિપૂરામાં કોવિડ-19ના સક્રિય કેસો છે; અન્ય તમામ રાજ્યો હવે ગ્રીન ઝોનમાં છે.” પૂર્વોત્તરમાં કોવિડ-19 વ્યસ્થાપનની સકારાત્મક સ્થિતિને જાળવી રાખવા માટે, ડૉ. હર્ષવર્ધને સલાહ આપી હતી કે, રાજ્યો દેશના અન્ય ભાગો અને વિદેશમાંથી પરત આવી રહેલા વિસ્થાપિત શ્રમિકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનું સ્ક્રિનિંગ કરવાનું તેમજ નિર્ધારિત માર્ગદર્શિકા અને પ્રોટોકોલ અનુસાર તેમને ક્વૉરેન્ટાઇનમાં રાખવાનું સુનિશ્ચિત કરવું જોઇએ. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, 09 મે 2020 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ 59,662 કેસ નોંધાયા છે જેમાંથી 17,847 દર્દી સાજા થઇ ગયા છે અને 1,981 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,320 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે અને 1307 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અન્ય દેશોની તુલનાએ ભારતમાં મૃત્યુદર 3.3% અને સાજા થવાનો દર 29.9% છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, (ગઇકાલની સ્થિતિ અનુસાર) કોવિડ-19ના સક્રિય કેસોમાંથી ICUમાં 2.41% દર્દીઓ છે, 0.38% વેન્ટિલેટર પર છે અને 1.88% ઓક્સિજન સપોર્ટ પર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “દેશમાં પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે અને અત્યારે સમગ્ર દેશમાં 332 સરકારી લેબોટેરટી અને 121 ખાનગી લેબોરેટરીમાં રોજના 95,000 પરીક્ષણો થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 15,25,631 પરીક્ષણો કરવામાં આવ્યા છે.”
ડૉ. હર્ષવર્ષધને તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે લેવામાં આવેલા નિયંત્રણના પગલાં અને તૈયારીઓની સમીક્ષા કરી
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “કોવિડ-19ને નાથવા માટે કેન્દ્ર અને રાજ્યો બંને દ્વારા સંયુક્ત રીતે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે, કોવિડ-19 માટે સમર્પિત હોસ્પિટલોની સંખ્યામાં પૂરતો વધારો થઇ રહ્યો છે, આઇસોલેશન અને ICU બેડ તેમજ ક્વૉરેન્ટાઇનની ઓળખ થઇ રહી છે અને અત્યાર સુધીમાં પૂરતા પ્રમાણમાં તેને તૈયાર કરવામાં આવ્યા છે. કોવિડ-19ના કારણે ઉભી થતી કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે અમે સંપૂર્ણપણે સજ્જ છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશ/ કેન્દ્રીય સંસ્થાઓને પૂરતા પ્રમાણમાં માસ્ક અને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો, વેન્ટિલેટર વગેરે પૂરા પાડવા માટે સહકાર આપી રહીય છે.
શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળોના મહાનિયામકોની સમીક્ષા બેઠક યોજાઇ
કોવિડ-19ના વ્યવસ્થાપનની આ મુશ્કેલ પરિસ્થિતિમાં આપણા CAPFના જવાનોએ કરેલી પ્રશંસનીય કામગીરીને શ્રી અમિત શાહે બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, મોદી સરકારને માત્ર કોવિડ-19નો ફેલાવો થવાની જ ચિંતા નથી, બલ્કે દરેક CAPFના કર્મચારીઓની સુરક્ષા, સલામતી અને સુખાકારી માટે તમામ પ્રયાસો પણ કરી રહી છે. આ બેઠક દરમિયાન, બીમારીને ફેલાતી રોકવા માટે દરેક CAPF દ્વારા લેવામાં આવેલા નવીનતમ પગલાંઓ અંગે પણ ચર્ચા થઇ હતી. તેમના તરફથી મળેલા સૂચનોમાં સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવી અને બધાને તાલીમ આપવી; મેસ અને બેરેકમાં રહેવાની સુવિધામાં આવશ્યક ફેરફારો કરવા; આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રોગ પ્રતિકારકતા વધારવી; અને સુરક્ષા કર્મચારીની ઉંમર તેમજ તેમના આરોગ્યના ઇતિહાસને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે વ્યક્તિગત વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું વગેરે સૂચનો પણ સામેલ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ ગ્યૂસેપ કોંતેએ ટેલીફોન પર વાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ ગ્યૂસેપ કોંતે સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળાને કારણે ઇટાલીમાં થયેલી જાનહાનિ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ તેમના દેશોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોગચાળાને કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્ર પર થયેલી અસરો દૂર કરવા માટે જરૂરી પગલાં પર ચર્ચાવિચારણા કરી હતી. તેમણે કટોકટીમાં એકબીજાની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા એકબીજાના દેશોમાં ફસાઈ ગયેલા નાગરિકોને આપેલા પારસ્પરિક સાથસહકારની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રી કોંતેને આવશ્યક દવાઓ અને અન્ય ચીજવસ્તુઓની જોગવાઈ કરવામાં ઇટાલીને સતત સાથસહકારની ખાતરી આપી હતી.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય લૉકડાઉનના કારણે ઉદ્યોગો અને કામદારોને પડી રહેલી સમસ્યાઓના નિરાકરણમાં મદદરૂપ થવા માટે શક્ય એવા તમામ પગલાં લેશે
શ્રમ અને રોજગાર મંત્રીએ કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી સમસ્યાઓ અને કામદારો તેમજ અર્થતંત્ર પર તેની થનારી અસરોને ઓછી કરવા માટે ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવા માટે સામાજિક ભાગીદારો સાથે વિચારવિમર્શ કર્યો હતો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી સંતોષકુમાર ગંગવારે વેબિનારના માધ્યમથી કર્મચારીઓના સંગઠન સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેમનું મંત્રાલય ઉદ્યોગોની જરૂરિયાતો પ્રત્યે સહાનુભૂતિશીલ છે અને તેઓ ઉદ્યોગોને ફરી બેઠા કરવા માટે તેમજ અર્થતંત્રમાં ફરી વેગ લાવવા માટે મદદરૂપ થવા શક્ય હોય તેવી તમામ સહાય કરશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, શ્રમ અને રોજગાર મંત્રાલય અન્ય સંબંધિત મંત્રાલયો સાથે પણ વિચારવિમર્શ કરી રહ્યું છે જેથી ઉદ્યોગોને અને તેમાં પણ ખાસ કરીને MSMEને પડી રહેલી સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી આવી શકે.
ચોક્કસ સંસ્થાઓની નોંધણી, માન્યતાની નવી પ્રક્રિયા 1 ઓક્ટોબર 2020 સુધી મુલતવી રાખવામાં આવી
કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ માનવીય અને આર્થિક કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, CBDTએ નિર્ણય લીધો છે કે, ચોક્કસ સંસ્થાઓની માન્યતા/ અધિસૂચના અંગેની નવી પ્રક્રિયાઓનો અમલ 1 ઓક્ટોબર 2020 સુધી મુલતવી રાખવામાં આવશે. તદઅનુસાર, જે સંસ્થાઓને આવકવેરા અધિનિયમ, 1961 (કાયદો) અંતર્ગત કલમ 10(23C), 12AA, 35 અને 80G હેઠળ પહેલાંથી માન્યતા/ નોંધણી/ અધિસૂચના થઇ ગઇ છે તેમણે 1 ઓક્ટોબર 2020થી ત્રણ મહિના સુધીમાં એટલે કે, 31 ડિસેમ્બર 2020 સુધીમાં ઇન્ટિમેશન ફાઇલ કરવાનું રહેશે. વધુમાં, નવી સંસ્થાઓ માટે માન્યતા/ નોંધણી/ અધિસૂચનાની સુધારેલી પ્રક્રિયા પણ 1 ઓક્ટોબર 2020ના રોજથી અમલમાં આવશે.
આવરવેરા અધિનિયમ, 1961 અંતર્ગત ભારતમાં નિવાસના સંદર્ભમાં સ્પષ્ટતા
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 6માં કોઇપણ વ્યક્તિના નિવાસ સંબંધિત જોગવાઇ કરવામાં આવી છે. કોઇપણ વ્યક્તિની આ સ્થિતિ તે ભારતમાં નિવાસી અથવા બિનનિવાસી છે અથવા સામાન્યરૂપથી નિવાસી નથી, તે વાસ્તવમાં અન્ય બાબતો ઉપરાંત આ એ તથ્ય પર નિર્ભર કરે છે કે, તે વ્યક્તિ એક આખા વર્ષ દરમિયાન કેટલા સમય સુધી ભારતમાં રહે છે. આ સંબંધે વિવિધ રજૂઆતો કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, એવી અનેક વ્યક્તિ છે, જે કોઇપ વિશેષ સમયગાળા માટે ગત વર્ષ 2019-20 દરમિયાન ભારતના પ્રવાસે આવ્યા હતા અને ‘ભારતમાં બિનનિવાસી છે અથવા સામાન્યરૂપે નિવાસી નથી’ના રૂપમાં પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે ગત વર્ષની સમાપ્તિ પહેલાં જ ભારત છોડી દેવા અથવા અહીંથી પ્રસ્થાન કરવાનો ઇરાદો રાખતા હતા. જોકે, નોવલ કોરોના વાયરસ (કોવિડ-19)ના પ્રકોપના કારણે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે ભારતમાં પ્રવાસ અથવા નિવાસી સમયગાળો વધારવાની જરૂર પડી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આ વાત પર એવી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે કે, અનાયાસે જ કોઇ ઇરાદા વગર ભારતીય નિવાસી બની શકે છે. આવી સ્થિતિમાં આ મુશ્કેલનો ઉકેલ લાવવા માટે CBDT હવે આ સંદર્ભે સ્પષ્ટતા બહાર પાડી છે.
લઘુમતી સમુદાય કોવિડ-19 સામેની લડાઇમાં સમાજના તમામ લોકોની સાથે સમાન પ્રમાણમાં યોગદાન આપી રહ્યો છે – મુખ્તાર અબ્બાસ નકવી
લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું હતું કે, લઘુમતી બાબતોના મંત્રાલયના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત તાલીમ પામેલા 1500થી વધુ આરોગ્ય સંભાળ સહાયકો કોરોના દર્દીઓની સારવાર અને સુખાકારીમાં મદદ કરી રહ્યા છે. શ્રી નકવીએ જણાવ્યું હતું કે, આ આરોગ્ય સંભાળ સહાયમાં 50 ટકા છોકરીઓ છે જેઓ સમગ્ર દેશમાં વિવિધ હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મદદ કરી રહી છે. શ્રી નકવીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વિવિધ વક્ફ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં કોરોના મહામારી માટે રૂપિયા 51 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો સહકાર મળ્યો છે.
લાઇફલાઇન ઉડાન અંતર્ગત એરઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા 490 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 490 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 289 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. 8 મે 2020ના રોજ 6.32 ટન સામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં કુલ 848.42 ટન સામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. અલાયન્સ એર દ્વારા 8 મે 2020નો રોજ 2 ફ્લાઇટ્સ જ્યારે ભારતીય વાયુ સેના દ્વારા 8 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સે અત્યાર સુધીમાં કુલ 4,73,609 કિલોમીટર હવાઇ અંતર કાપ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 8 મે 2020 સુધીમાં 8,001 કિમી અંતર કાપીને 2.32 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે.
કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા સંખ્યાબંધ પડકારો વચ્ચે પણ RCFએ NPK ખાતરો સુફાલાના વેચાણમાં 35થી વધુ વૃદ્ધિ નોંધાવી
ફિલ્ડ ઇનપુટ્સ
· અરૂણાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે લક્ષણો ન ધરાવતાં વ્યક્તિઓ સહિત રાજ્યમાં પ્રવેશતાં દરેક વ્યક્તિનું ફરજિયાત કોરોના પરીક્ષણ કરવાની જાહેરાત કરી છે.
· મણીપૂરઃ કોલકાતાની પાંચ ખાનગી હોસ્પિટલમાં કામગીરી કરી રહેલી મણીપૂરની 22 નર્સો રાજ્યમાં પરત ફરી હતી અને તે તમામ નર્સોને ક્વૉરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવી છે.
· મેઘાલયઃ મેઘાલયના શિલોંગ ખાતે વધુ એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. અગાઉ પોઝિટીવ આવેલા દર્દીની સાથે રહેતા વ્યક્તિનું સાવધાનીના ભાગરૂપે ફરી ટેસ્ટિંગ હાથ ધરતાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. મેઘાલયના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે પોઝિટીવ આવેલો દર્દી સ્વસ્થ છે અને તેનામાં કોરોનાના કોઇ લક્ષણો જણાતાં નથી.
· મિઝોરમઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને રાજ્યને કોવિડ-19થી મુક્ત બનાવવા બદલ અને નવજાત મૃત્યુ દર (IMR)માં 10 પોઇન્ટનો ઘટાડો કરવા બદલ મિઝોરમના સ્વાસ્થ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યાં હતા.
· નાગાલેન્ડઃ સરકારે જણાવ્યું હતું કે દર્દીની અરજીમાં બહારની હોસ્પિટલે આપેલા સ્વીકૃતિ પ્રમાણપત્ર બાદ જ રાજ્ય બહારના બિન-કોવિડ દર્દીને રાજ્યની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. નાગાલેન્ડના આયોજન મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની બહાર ફસાઇ ગયેલા 33 લોકોએ ઇ-પાસ માટે અરજી કરી છે, જ્યારે 7,015 લોકોએ પોતાને પરત લાવવા વ્યવસ્થા ગોઠવવા સરકારને વિનંતી કરી છે.
· સિક્કીમઃ કોરોના વાયરસ મહામારીના કારણે રાજ્યના અર્થતંત્રને પુનર્જીવિત કરવા અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રીએ રાજ્યપાલ શ્રી ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરી હતી અને તેમને સરકાર દ્વારા બિનજરૂરી ખર્ચાઓ ઉપર કાપ મુકવા લેવાયેલાં પગલાંઓ અંગે જાણકારી આપી હતી.
· ત્રિપૂરાઃ અન્ય 11 રાજ્યોમાં ફસાયેલા ત્રિપુરાના 17,000 લોકોએ રાજ્યમાં પાછા ફરવા ઓનલાઇન પોર્ટલ દ્વારા નોંધણી કરાવી છે. વધુમાં 33,000 સ્થળાંતરિત કામદારોને ત્રિપુરામાંથી તેમના સંબંધિત રાજ્યોમાં પરત મોકલવામાં આવશે.
· મહારાષ્ટ્રઃ 1,089 વધુ લોકોનુ ટેસ્ટિંગ પોઝિટીવ આવતાં રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 19,063 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 37 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે, જેના કારણે રાજ્યનો કુલ મૃત્યુઆંક 731 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઇમાં કોરોના વાયરસના નવા 748 કેસો નોંધાતાં શહેરમાં કુલ કેસોની સંખ્યા વધીને 11,967 થઇ ગઇ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 714 જેટલા પોલીસ અધિકારીઓ ટેસ્ટ પોઝિટીવ આવ્યાં હતા.
· ગુજરાતઃ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ડૉક્ટરોને કોવિડ-19ની સારવાર માટે પાલન કરવાના પ્રોટોકોલ અંગે જરૂરી સલાહ આપી હતી. આ દરમિયાન ગુજરાતમાં વધુ 24 મૃત્યુ નોંધાતાં કુલ મૃત્યુઆંક 449 પર પહોંચ્યો છે, જ્યારે કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 7,403 થઇ ગઇ છે, જે મહારાષ્ટ્ર પછી સમગ્ર દેશમાં સૌથી વધારે છે.
· રાજસ્થાનઃ રાજસ્થાનમાં 57 નવા કોરોના વાયરસના કેસો નોંધાતા કુલ નોંધાયેલા કેસોની સંખ્યા વધીને 3,636 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી પોઝિટીવ નોંધાયેલા કુલ ચેપગ્રસ્ત લોકોમાંથી 1,916 લોકો સાજા થયા છે અને 101 લોકોના મરણ નીપજ્યાં છે.
· મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં આજે સવારે 8 વાગ્યા સુધી 89 નવા કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 3,341 થઇ ગઇ છે. અત્યાર સુધી ચેપગ્રસ્ત થયેલા લોકોમાંથી 1,349 લોકો સાજા થયા છે અને 200 લોકોના મરણ નીપજ્યાં છે. સળંગ ત્રણ દિવસ સુધી મધ્યપ્રદેશમાં નવા નોંધાયેલા પોઝિટીવ કેસોની સરખામણીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધુ નોંધાઇ છે.
· છત્તિસગઢઃ મુખ્યમંત્રી શ્રી ભુપેશ ભાગેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કોવિડ-19 મહામારીના કારણે નિર્માણ થયેલી આર્થિક કટોકટીનો સામનો કરવા માટે રૂ.30,000 કરોડના પેકેજની માગણી કરી છે. કુલ 60 પોઝિટીવ કેસ સાથે અને એક પણ મૃત્યુ વગર, છત્તિસગઢ ભારતના મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછા પ્રભાવિત થયેલા રાજ્યો પૈકીનું એક છે.
· કેરળઃ કેરળ સરકારે અન્ય રાજ્યોમાં રેડ ઝોન સિવાયના વિસ્તારોમાંથી પરત ફરી રહેલા લોકોને પાસ ઇસ્યુ કરવાની કામગીરી ફરી શરૂ કરી છે. પાસ વગરના અનેક કેરળવાસીઓ રાજ્યના સરહદી જિલ્લાઓની ચેકપોસ્ટ પર ફસાઇ ગયા છે. કોટ્ટાયમ જિલ્લા પ્રશાસને તમિલનાડુમાં થિરુવલ્લુરના રેડ ઝોન જિલ્લામાંથી પરત ફરેલા અને ક્વૉરેન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરનારા 34 વિદ્યાર્થીઓની ઓળખી કાઢવા પગલાં લીધા છે. વંદે ભારત મિશન અંતર્ગત મસ્કત, કુવૈત અને દોહામાંથી વધુ ત્રણ ઉડાનો આજે રાત્રે કોચી ખાતે આવી પહોંચશે. ગઇ કાલે માત્ર એક કોવિડ-19નો પોઝિટીવ કેસ નોંધાયો હતો, જ્યારે 10 લોકો સાજા થયા હતા. માત્ર 16 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
· તામિલનાડુ: રાજ્ય સરકાર દારુના વેચાણ પર હાઇકોર્ટે મનાઇ ફરમાવી તે ચૂકાદાને પડકારવા માટે સર્વોચ્ચ અદાલતમાં પહોંચી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી મોદીને અપીલ કરી છે કે, મોકૂફીમાં વીજ અધિનિયમમાં સુધારો કરવા માટે યોગ્ય પગલાં લે. વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયાની બે ફ્લાઇટ દુબઇથી 359 મુસાફરોને લઇને ચેન્નઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકે આજે વહેલી સવારે પહોંચી હતી. મલેશિયાથી અન્ય એક ફ્લાઇટ 168 મુસાફરો સાથે આજે તિરુચી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે આવશે. રાજ્યમાં ગઇકાલ સુધીમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 6009 થઇ છે, કુલ સક્રિય કેસ -4361, મૃત્યુ- 40, સાજા થયા – 1605. અત્યાર સુધીમાં 1589 કેસ કોયેમ્બદુ બજાર સાથે જોડાયેલા છે.
· કર્ણાટક: રાજ્યમાં આજના દિવસમાં અત્યાર સુધીમાં કોવિડના નવા 36 કેસ નોંધાયા છે; બેંગલોરમાં 12, ઉત્તર કન્નડામાં 7, દેવનાગરેમાં 6, ચિત્રદુર્ગા, બિદર અને દક્ષિણ કન્નડ દરેકમાં ત્રણ અને તુમકુર તેમજ વિજયપુર બંનેમાં એક-એક. અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસ- 789, અત્યાર સુધીમા કુલ 30 વ્યક્તિનાં મરણ નીપજ્યાં છે જ્યારે 379 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
· આંધ્રપ્રદેશ: ગેરકાયદે દારુ અને રેતીના પરિવહનને રોકવા માટે રાજ્યએ વિશેષ એન્ફોર્સમેન્ટ બ્યૂરોની રચના કરી છે. દારુના આઉટલેટ્સની સંખ્યા 3500થી ઘટાડીને 2934 કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 43 પોઝિટીવ કેસ નોંધાયયા છે, 45 દર્દીને સાજા થતા રજા આપવામાં આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 વ્યક્તિ મૃત્યુ પામી છે. કુલ 8388 નૂમનાનું પરીક્ષણ કરવામાં આવ્ છે. રાજ્યમાં કુલ કેસ વધીને 1930 થયા છે. સક્રિય કેસ- 999, સાજા થયા -887, મૃત્યુ- 44. સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતા જિલ્લા: કુર્નૂલ (553), ગુંતૂર (376), ક્રિશ્ના (338), અનંતપુર (102).
· તેલંગાણા: ICMRએ કોવિડ-19ના દર્દીઓમાં પ્લાઝ્મા થેરાપીના પરીક્ષણો કરવા માટે ESI હોસ્પિટલ અને ગાંધી હોસ્પિટલની છ મહિના માટે મંજૂરી લીધી. જાહેર સ્થળોએ માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પર રાજ્ય સરકારે રૂપિયા 1000નો દંડ કરવાનું શરૂ કર્યું. ગાચીબોવલીમાં બાંધકામની જગ્યાએ વિસ્થાપિત શ્રમિકોના એક સમૂહે વિરોધ પ્રદર્શન કરીને તેમને વતનમાં પાછા મોકલવાની માંગણી કરી. અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસ- 1132, સક્રીય કેસ- 376, મૃત્યુ- 29, સાજા થયા- 727
• ચંદીગઢઃ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઠના વહીવટી અધિકારીએ કેન્દ્ર શાસિત પ્રદેશના નાયબ આયુક્તને નિર્દેશો આપ્યા કે, તેઓ જ્યાં લોકો જઇ રહ્યા છે તેવા રાજ્યો સાથે સંકલનમાં રહે જેથી બહાર ફસાયેલા શ્રમિકો અને અન્ય લોકો કે જેઓ પોતાના વતન રાજ્યમાં જવા માંગે છે તેમને જરૂરી તબીબી સ્ક્રિનિંગ કર્યા પછી મોકલી શકાય. અંદાજે 5000 લોકો, જેમાં મોટાભાગના NRI છે અને ચંદીગઢના રહેવાસીઓ છે, તેઓ વિદેશમાંથી હવાઇમાર્ગે પરત આવવા માંગે છે.
· પંજાબ: પંજાબ સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન અન્ન અને અન્ય આવશ્યક પારિવારિક ચીજોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અને તેનો પૂરવઠો જાળવવા માટે એડવાઇઝરી બહાર પાડી છે. સામાન્ય એડવાઇઝરીમાં પંજાબ સરકારે નિર્દેશો આપ્યા છે કે, દુકાન માલિકો, ડિલિવરી સ્ટાફ અને ગ્રાહકોએ હંમેશા માસ્ક પહેરેલું રાખવું જોઇએ. જો કરિણાયાની ખરીદીમાં અથવા આપેલો ઓર્ડર એકત્ર કરવામાં ખૂબ ઓછો સમય લાગે તેમ હોય તેવી સ્થિતિમાં પણ સતત માસ્ક પહેરેલું રાખવું જોઇએ. વપરાશકર્તાઓ/ગ્રાહકો માટે બહાર પાડવામાં આવેલી વિશેષ એડવાઇઝરીમાં પંજાબ સરકારે જણાવ્યું છે કે, તેઓ આવશ્યક ચીજોની ખરીદી કરવા બહાર જાય ત્યારે સાથે થેલી લઇને જાય. કાપડની થેલી ઉપયોગમાં લીધા પછી તુરંત સાબુ અને પાણીથી બરાબર ધોઇ નાખવી જોઇએ.
• હરિયાણા: હરિયાણા સરકારે આપેલા વચન અનુસાર, જે વિસ્થાપિત શ્રમિકો પોતાના ઘરે પરત ફરવા માંગે છે તેમને રાજ્ય સરકાર આગામી 7 દિવસમાં 5,000 બસ અને 100 ટ્રેન દ્વારા વિનામૂલ્યે મોકલશે. આ પરિવહનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. વર્તમાન સ્થિતિમાં, મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર સહિત સમગ્ર સરકારી તંત્રને નિર્દેશ આપ્યા છે કે, લૉકડાઉન દરમિયાન દરેક વિસ્થાપિત શ્રમિક માટે યોગ્ય ભોજન અને આશ્રયની વ્યવસ્થા થવી જોઇએ અને કોઇપણ વિસ્થાપિત શ્રમિકને એવું ન લાગવું જોઇએ કે તેઓ પોતાના ઘરથી દૂર છે.