[:gj]કોરોનાનાં જીવતા બૉમ્બ પર બેઠેલું અમદાવાદ[:]

[:gj]અમદાવાદ,

પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેનો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પૂર્વ પટ્ટાના ઈસનપુર, બાપુનગર, નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવા છતાં તેનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેની સામે સ્થાનિક નાગરીકોમાં ઉગ્ર રોષ જાવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં પ્રથમ લોકડાઉનની શરૂઆત થઈ તે સમયે જમાલપુર અને દરિયાપુર એમ બે જ વિસ્તાર કોરોના હોટ સ્પોટ હતા. ત્યારબાદ તેમાં બહેરામપુરા, દાણીલીમડા, અસારવા, શાહિબાગ, અને ખાડીયાનો પણ સમાવેશ થયો હતો. લોકડાઉનના ત્રીજા તબક્કા દરમ્યાન મણીનગર, ગોમતીપુર અને સરસપુરને પણ રેડઝોન જાહેર કરવાની તંત્રને ફરજ પડી હતી.

આમ, લોકડાઉનના ત્રણ તબક્કા દરમ્યાન શહેરના 10 વોર્ડમાંથી 6 રેડઝોન બની ગયા હતા. તંત્રની નિષ્ફળતાના કારણે કેસ વધ્યા હોવાના પણ સમયાંત્તરે આક્ષેપ થઈ રહ્યા છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દસ વોર્ડ અને ગુલબાઈ ટેકરા વિસ્તારને મળી કુલ 11 કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે તેમ છતાં વેપાર-ધંધા માટે પૂર્વ-પશ્ચિમને જ મહત્વ આપવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર 21મીએ સવારે 12 વાગ્યા સુધીના રીપોર્ટ મુજબ ઈસનપુર વોર્ડમાં કુલ 313 કેસ નોંધાયા હતા. જ્યારે 21મી સાંજે વધુ 6 કેસ કન્ફર્મ થતા કુલ કેસની સંખ્યા 319 થઈ ગઈ છે.

ગત સપ્તાહ દરમ્યાન ઈસનપુરમાં એેક જ દિવસમાં 48 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે પૈકી 21 કેસ વિશાલનગરમાં કન્ફર્મ થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને ગામ તરફના રસ્તા બંધ કર્યા હતા. પરંતુ મુખ્ય રોડ ખુલ્લા રાખ્યા હોવાથી છેલ્લા 3 દિવસથી આ વિસ્તારની દુકાનો ખુલવા લાગી છે.

રાજ્ય સરકારે જે દુકાનો શરૂ કરવા જાહેરાત કરી નથી એવા ધધાની દુકાનો પણ શરૂ થઈ હોવાનું સ્થાનિક નાગરીકો જણાવી રહ્યા છે. જેના કારણે ર૧મી મે એ ઈસનપુરમાં 26 કેસ નોંધાયા હતા.

મણીનગરમાં 415 કેસ નોંધાયા બાદ તંત્ર આજે હરકતમાં આવી ગયુ છે તેમજ મણીનગર, ઈસનપુર અને ખોખરા તરફના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ઈસનપુરને વહેલી તકે રેડઝોન જાહેર કરી નિયમ મુજબ કાર્યવાહી થાય એ જરૂરી છે.

બાપુનગરમાં કોરોનાના 289 કેસ નોંધાયા છે. તેમ છતાં તેને રેડઝોન જાહેર કરવામાં આવ્યો નથી .તેની બાજુમાં આવેલા ઈન્ડીયા કોલોની વોર્ડમાં માત્ર 88 વોર્ડ જ નોંધાયા છે. જ્યારે ઉત્તર ઝોનના કુબેરનગર અને નરોડા વોર્ડ પણ હોટસ્પોટ બની રહ્યા છે. ઝોનના કુબેરનગર વોર્ડમાં 234 અને નરોડામાં 163 પોઝીટીવ કેસ જાહેર થયા છે. જ્યારે આ વોર્ડની સાથે સંકળાયેલા સરદારનગર વોર્ડમાં કોરોનાના 58 કેસ કન્ફર્મ થયા છે.

રાજય સરકારે પૂર્વ-પશ્ચિમ એમ બે ભાગ પાડ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને કેસ વધવાની સાથે રેડઝોન વિસ્તાર જાહેર કરવાની તસ્દી લીધી નથી. જેના પરિણામે ઈસનપુર, બાપુનગર, નરોડા, કુબેરનગર સહિતના વોર્ડની અસર અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.[:]