ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

– પ્રો. હેમન્તકુમાર શાહ

અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના 2019નાં લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં આ અંગે શું લખેલું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે:

ભાજપ

ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં “ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથે ચાર પાનાં લખેલાં છે અને તેમાં 29 મુદ્દા લખેલા છે; પણ તેમાં કરારી ખેતી માટે કે APMCનાં અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય તેવા પ્રકારના કાનૂની સુધારા કરવામાં આવશે કે નવા કાયદા લાવવામાં આવશે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો પછી આ કાયદા લાવવાની એવી કઈ જરૂરિયાત અચાનક ઊભી થઈ તે સમજાતું નથી. જ્યારે લોકડાઉન ચાલુ હતું ત્યારે કોઈ પણ ચર્ચા વિના જ આ કાયદા લાવવામાં આવ્યા તે પણ મોદી સરકારનું સરમુખત્યારી માનસ છતું કરે છે એમાં કોઈ શંકા નથી.

કોંગ્રેસ

કોંગ્રેસ અત્યારે આ ત્રણ વટહુકમોનો વિરોધ કરી રહી છે. ત્યારે એમ લાગે છે કે તે તેણે પોતે તેના ઢંઢેરામાં જણાવેલી નીતિથી વિરુદ્ધ વર્તન કરી રહી છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં ખેતી વિષે જે મુદ્દા લખેલા છે તેમાં જે જણાવ્યું છે તે આ મુજબ છે:

(1) ઢંઢેરાનો 11મો મુદ્દો આ મુજબ છે: “કોંગ્રેસ ખેત ઉત્પન્ન બજાર સમિતિ(APMC) ધારો પાછો ખેંચશે અને નિકાસ તથા આંતર-રાજ્ય વેપાર સહિત ખેત પેદાશોનો વેપાર તમામ નિયંત્રણોથી મુક્ત કરશે.”

(2) ઢંઢેરાનો મુદ્દો નં. 21 આ મુજબ છે: “1955નો આવશ્યક ચીજવસ્તુ ધારો નિયંત્રણોના જમાનાનો છે. કોંગ્રેસ વચન આપે છે કે તે આ કાયદાને બદલશે અને તેને સ્થાને એવો કાયદો લાવશે કે જેનો ઉપયોગ માત્ર આપત્તિના સંજોગોમાં જ કરી શકાય.”

સ્પષ્ટ છે કે અત્યારે જે વિરોધ કોંગ્રેસ કરી રહી છે તે તો શુદ્ધ રીતે રાજકીય મુદ્દો બની જાય છે. કોંગ્રેસે એ યાદ રાખવાની જરૂર છે કે દેશમાં તેણે પોતે જવાહરલાલ નેહરુનો સમાજવાદ છોડીને 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ દાખલ કરી તેના ભાગ રૂપે જ આ ત્રણ કાયદા થયા છે. શું કોંગ્રેસનું મન ખેતી ક્ષેત્રે આવા સુધારા ના કરવાનું થયું છે? શું તે અત્યારે સરકારમાં હોત તો તેણે ઢંઢેરામાં જે બે વચનો આપ્યાં છે તેમનું પાલન કર્યું હોત કે ના કર્યું હોત?

ભાજપ વચન આપ્યા વિના વર્તી રહ્યો છે અને કોંગ્રેસ પોતે જે વચન આપ્યું હતું તે ભાજપ કેમ પાળે છે એવો સવાલ ઉઠાવે છે. કોંગ્રેસ પાસે આ કાયદાનો વિરોધ કરવા માટેની કોઈ નૈતિક ભૂમિકા તેના ઢંઢેરાને જોતાં રહેતી નથી.