રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને

ધમણની ધમાલ – 6

ગાંધીનગર, 21 મે 2020

મુખ્ય પ્રધાનના હરિફ એવા નાયબ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી ત્યાર બાદ રહસ્યમય રીતે વિજય રૂપાણીના મિત્રનું કૌભાંડ જાહેર થયું હતું. જે એક રહસ્ય બની રહ્યું છે. ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ પ્રથમ વખત બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું. ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીએ 18 એપ્રિલે પ્રથમ દસ વૅન્ટિલેટર સપ્લાય કર્યાં હતાં.

ધમણ-1 અંગેના ટેકનિકલ આક્ષેપો અંગે નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે વેન્ટિલેટર્સની મોટાપાયે જરૂર હતી ત્યારે, ગુજરાતના નાગરિક તરીકે કંપનીએ સેવા કરી છે.  તમામ ટેકનિકલ બાબતો તથા ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ ઉપયોગમાં લેવાયા છે. કોના પર અને કેટલાં લોકો ઉપર ટેસ્ટીંગ કરાયું અને તેની મંજૂરી કોણે આપી હતી તે અંગે સરકાર મૌન છે.

ભાજપ સરકારના નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, વેન્ટિલેટર્સના અભાવે દર્દીને કોઇ નુકસાન ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે. તેથી ધમણ – 1 વેન્ટિલેટર્સ મૂક્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે.  હાલ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 49 દર્દીઓ વેન્ટીલેટર પર છે. પણ ધમણ 1 પર કેટલાં દર્દીઓ છે અને આજ સુધી ધમણથી કેટલા દર્દીઓ સાજા થયા અને કેટલાંના મોત ધમણ પર સારવાર લીધા બાદ થયા તે અંગે સરકાર મૌન છે.