વિદેશીઓને ઠગીને ડોલર પડાવતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ

અમદાવાદ,

રાતોરાત કરોડપતિ થવાના સપનાઓ જોઇને યુવાઓ હવે બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા થોડા જ સમયમાં બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો છે, પોલીસ પણ એક પછી એક આવા કોલ સેન્ટર પકડી રહી છે.

શહેરના ચાંદખેડાના સર્કલ પાસે ચાલી રહેલા બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે દરોડા કરીને 5 આરોપીઓને ઝડપી લીધા છે. ચાંદખેડા એમ્પોરીયા કુંજ કોમ્પ્લેક્સની 607 નંબરની ઓફિસમાં આ ગોરખધંધો ચાલતો હતો, આ લોકો અમેરિકન નાગરિકોને ઠગીને ડોલર પડાવતા હતા.

તેઓ અહીંથી ફોન કરીને કહેતા કે તમારૂ સોશિયલ સિક્યુરિટી નંબર કાર્ડ ખોવાઇ ગયું છે, જો તમે નવું કાર્ડ નહીં કઢાવો તો તે બ્લોક થઇ જશે, જે માટે તમારે તેની ફી આપવાની રહેશે, બાદમાં નક્કિ કરેલા બેંક એકાઉન્ટમાં ડોલર જમા કરાવવા કહેવામાં આવતુ.

પોલીસે મુંબઇ ઓસ્ટીન માઈકલ, અમદાવાદના અક્ષય ભાવસાર, અમિત ચચલાણી, આદિત્ય વિરાણી અને પ્રિન્સ ગુપ્તાની ધરપકડ કરી છે, તેમને કેટલા રૂપિયાનું કૌભાંડ કર્યું છે તે પણ ટૂંક સમયમાં સામે આવશે. મુખ્ય માસ્ટર માઇન્ડ અક્ષય ભાવસાર છે જે આ સમગ્ર બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. પોલીસે 8 લેપટોપ, 6 મોબાઇલ અને મેજીક જેક સોફ્ટવેર જપ્ત કર્યું છે, જેનાથી તેઓ આંતરરાષ્ટ્રીય કોલ કરતા હતા.