હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્યઘટના છે. એક ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતા તેના શેઠે પોતાના એક સબંધીના આ ફ્લેટમાં રસોઈયાઓને રહેવા માટે વ્યવસ્થા કરી આપેલ. આ રેસ્ટોરન્ટની ફ્રેંચાઇઝી અન્ય શહેરમાં આપેલ હોય ત્યાં મોકલવા માટે બે નવા રસોઈયાઓ છેલ્લા દશ દિવસથી તાલીમમાં આવેલ હોય તેમને પણ આ ફ્લેટમાં સુવાની વ્યવસ્થા કરી આપેલ.
આ પૈકીનાં જૂના રસોઈયાઓએ સવારે વહેલા ઊઠીને પોતાની દૈનિક રોજનીશી મુજબ બટેટા બાફવા માટે ચૂલે ચડાવ્યા. ગેસની બોટલ ખાલી થઈ ગઈ હોવાથી નવી બોટલમાં રેગ્યુલેટર ફિટ કરીને ગેસ શરૂ કર્યો અને બાકસથી ચૂલો પેટાવ્યો. અહી રેસ્ટોરન્ટનો વધારાનો પેકેજિંગ સામાન, વધારાનું કરિયાણું, ગેસની વધારાની બોટલ વગેરે સામાન પણ રાખેલો હતો. હવે બન્યું એવું કે, એકાએક જ ચૂલા પાસે નાનકડો ભડકો થયો અને ગેસની નળી વાટે આગ બોટલ સુધી આગળ વધવા લાગી.
આ સમયે નવા આવેલા બંને રસોઈયાઓ હજુ સૂતા હતા અને તાલીમ મેળવેલ જૂના રસોઈયાઓ પૈકી એક રસોઇયો બાથરૂમમા ફ્રેશ થવા ગયો હતો પરંતુ બાકીના બે રસોઈયાઓ તરત જ રસોડા તરફ ગેસ બંધ કરવા દોડ્યા પરંતુ તેઓ ત્યાં પહોંચે એ પહેલા જ આગ નળી મારફતે ગેસની બોટલ સુધી પહોંચી ગઈ હતી અને એકાએક જ નળી ફાટતા આગ રસોડામાં ફેલાઈ ગઈ.
તાલીમ મેળવેલ બંને રસોઈયાઓએ સૌથી પહેલા તાત્કાલિક ફ્લેટનો મુખ્ય દરવાજો ખોલીને ત્યાં રહેલી વધારાની ગેસની તમામ બોટલને ખેંચીને બહાર મૂકી દીધી અને પછી તરત જ ફ્લેટ પર રહેલા પીવાના પાણીના કેરબાઓની મદદથી રસોડામાં લાગેલી આગને ઠારવાનો પ્રયત્ન કરવામાં લાગી ગયા. આટલામાં બાથરૂમમાં ગયેલો રસોઇયો પણ બહાર આવીને ડોલમાં પાણી ભરીને આગ ઠારવામાં લાગી ગયો.
અન્ય એક નવો આવેલો રસોઈયો પણ ઊંઘમાથી ઊઠીને ફ્લેટમાં રહેલો વધારાનો સામાન બહાર કાઢવા લાગ્યો. તાલીમ પામેલા રસોઈયાઓને ખ્યાલ હતો કે ભલે રસોડામાં આગ લાગી હોય પરંતુ ગેસનો બાટલો જલ્દીથી ફાટતો નથી. આથી તેઓએ અડોશી-પડોશીઓની મદદથી આગ બુઝાવવાના શક્ય પ્રયત્નો કર્યા અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવીને તેને ભયંકર સ્વરૂપ ધારણ કરતાં અટકાવી લેવામાં આવ્યો.
લેખક દ્વારા: સમરથ કો નહીં દોષ ગુંસાઈ
આ ગણતરીની મિનિટો દરમિયાન કોઈએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર સ્ટાફ પણ તાત્કાલિક હાજર થઈ ગયો. આમ આગને કારણે રસોડાને થોડું નુકસાન થયા સિવાય કોઈને ખાસ ઇજા પણ થઈ નહીં. પરંતુ એકાએક જ આ રસોઈયાઓને ખ્યાલ આવ્યો કે, થોડા દિવસ પહેલા જ તાલીમ લેવા આવેલો એક ઓગણીસ વર્ષીય રસોઈયો જે અંદરના રૂમમાં સૂતો હતો એ દેખાતો નથી. એકાએક જ ખ્યાલ આવ્યો કે, આગ ઓલવવાની ભાગદૌડ શરૂ હતી તે દરમિયાન જ ઊંઘમાથી ઊઠીને એક ગર્ભિત ડરને કારણે સીધો જ એ નવયુવાન રસોઇયો પોતાના રૂમની બાલ્કનીમાથી નીચે કૂદી ગયો હતો. નીચે અથડાવાને કારણે મોઢા અને માથામાં ઇજા થતાં હેમરેજને કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું.
આ ઘટનાની જાણ થતાં મે બાબરા ખાતે ગેસ એજન્સી ધરાવતા નરૂદાદા ત્રિવેદી સહિત ડીઝાસ્ટર મેનેજમેંટની તાલીમ મેળવેલ મારા ફરજકાળ દરમિયાનના દાહોદ ડી.પી.ઓ. વિરલભાઇ સાથે વાત કરી. મને કેટલીક વધારાની અને તદ્દન નવી ટેકનિકલ પ્રકારની બાબતો જાણવા મળી. આ બાબતો જાણવાથી મને સૌથી પહેલા મારા જ મમ્મી અને મારી ધર્મપત્નીની ચિંતા થઈ અને દરેક ઘરની જવાબદારી સંભાળતી તમામ ગૃહિણીઓની પણ ચિંતા થઈ. એટ્લે રાંધણગેસથી અકસ્માત ન સર્જાય તે માટે શું તકેદારી રાખવી અને જો આ પ્રકારની કોઈ દુર્ઘટના સર્જાય તો શું કરવું એ બાબતે આપ સૌને જાગૃત કરવા આ લેખ લખવાનો વિચાર આવ્યો. નરૂદાદાનું એક વાક્ય મને ચિંતામાં નાંખી ગયું કે, “સાહેબ, આ ગેસના બાટલાઓ દરેક ઘરમાં રહેલા જીવતા એટમબોમ્બ છે…”
આ પ્રકારની ઘટનાઓ કોઈપણ જગ્યાએ ઘટી શકે છે. કેટલાક નિશ્ચિત કારણો આવા અકસ્માત માટે જવાબદાર હોય છે. જેમકે કેટલાક ઘરોમાં જ્યાં રસોડુ નાનું હોય છે અથવા તો ગૃહિણીઓ ઊભીને રસોઇ કરવાના બદલે નીચે બેસીને રસોઈ કરવા ટેવાયેલ હોય ત્યાં ગેસની બોટલની બાજુમાં નીચે ચૂલો રાખવામા આવતો હોવાનું જોવા મળે છે. દરેક ગૃહિણીએ ખાસ ખ્યાલ રાખવો કે ગેસનો ચૂલો ગેસની બોટલથી નીચેના ભાગે રાખવો જોઈએ નહીં.
પ્લેટફોર્મ સિસ્ટમ બહુ જરૂરી છે. પ્લેટફોર્મ ઉપર ચૂલો રહે અને નીચેના ભાગે ગેસની બોટલ રહે એ જ પધ્ધતિ દરેક ઘરમાં અપનાવવી જોઈએ. મોટાભાગે ગેસ લીકેજને કારણે થતાં અકસ્માતોમાં ક્ષતિયુકત સાધનો જવાબદાર હોય છે. સિલિન્ડર, નળી, રેગ્યુલેટર જેવા સાધનોની બનાવટમાં રહેલી ખામીઓ મુખ્યત્વે જવાબદાર હોય છે.
જ્યારે પણ ગેસની નવી બોટલ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલા તો સિલિન્ડરના ઉપરના ભાગે મોટી ગોળ રીંગની નીચે આવેલી ત્રણ પટ્ટીઓ પૈકીની એક પટ્ટીની અંદરની તરફ કાળા કલરમાં કોડમાં સિલિન્ડરની એક્સપાયરી ડેટ લખેલી હોય છે, તે ચકાસવી. જેમાં લખેલ આલ્ફાબેટ ‘A’ થી ‘D’ જે વર્ષના ત્રણ ત્રણ મહિનાના ક્વાર્ટર બતાવે છે અને પછીના બે આંકડા વર્ષ બતાવે છે.
લેખક દ્વારા: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !!
દાખલા તરીકે A22 લખેલું હોય તો માર્ચ 2022 પછી આ સિલિન્ડર વાપરવું મુસીબત સર્જી શકે છે એમ સમજવું. આવું સિલિન્ડર આકસ્મિક કારણોસર બોમ્બની જેમ ફાટવાની સંભાવના રહેલી હોય છે. જો એક્સપાયરી ડેટ વાળું સિલિન્ડર આપવામાં આવે તો સ્વીકારવું જોઈએ નહીં.
જ્યાં રેગ્યુલેટર ફિટ કરીએ છીએ ત્યાં સિલિન્ડરના ઉપરના ભાગે અંદરની તરફ એક રિંગ આવેલી હોય છે એ ખૂબ જ અગત્યની રિંગ ગણાય છે તે ડેમેજ હોવી જોઈએ નહી એ ખાસ ચકાસવું. જો આ રિંગ ડેમેજ હોય તો એજન્સીમાં ફોન કરીને ગેસની બીજી બોટલ મંગાવવાનો આગ્રહ રાખવો જોઈએ. કેટલીક વખત કેટલીક ગેસની બોટલોમાં તો આ રિંગ જ હોતી નથી, જેના કારણે અકસ્માત થવાનો ભય પૂરેપૂરો રહેલો છે. જ્યારે આપણે રેગ્યુલેટર ફિટ કરીએ છીએ ત્યારે પણ જો સતત ગેસની વાસ આવતી હોય તો પણ એજન્સીને તરત જ ચેક કરી જવા માટે જાણ કરવી હિતાવહ છે.
સોનેરી સલાહ એ છે કે, રસોડામાં ગેસની બોટલ રાખવાને બદલે રસોડામાથી પાઇપ કાઢીને બહાર ફળિયામાં ખુલ્લી જગ્યાએ ગેસની બોટલ રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. હાલ ઘણા જાગૃત વ્યકિઓ પોતાના ઘરમાં આ પ્રકારની વ્યવસ્થા કરાવતા જ હોય છે. ન કરે નારાયણ અને જો ગેસની બોટલમાં કોઈ ખામી હોય કે ગેસની નળીમાં લીકેજ હોય તો પણ આવી વ્યવસ્થા કરવાથી આપણાં પરિવારની કોઈ વ્યક્તિના જીવનું જોખમ રહેશે નહીં. નવા ગેસ કનેક્શન વખતે કે ગેસની નળી બદલતી વખતે નળીનું બિલ લેવાનું પણ યાદ રાખવું તથા નળી તેના નોબમાં પૂરેપુરી ફિટ થાય એ પણ ધ્યાન રાખવું, જેથી ગેસ લીકેજ થાય નહીં.
આપણે ઘરે આવતા કોઈપણ એજન્સીના રાંધણગેસના બાટલામા મિથેન નામનો વાયુ એકદમ પ્રેશરથી ઠસોઠસ ભરવામાં આવેલ હોય છે. મિથેન નામનો આ વાયુ વૈજ્ઞાનિક ભાષામાં હાઇડ્રોકાર્બન શ્રેણીનો પ્રથમ વાયુ છે. આ વાયુઓ જ્વલનશીલ હોય છે. એટ્લે કે તરત સળગી ઊઠે તેવા હોય છે. વધુમાં વાતાવરણમાં રહેલો ઑક્સીજન વાયુ સ્વભાવે દહનપોષક હોય છે. એટ્લે કે સળગતા પદાર્થને સળગતો રહેવામાં તેને મદદરુપ થવાની પ્રકૃત્તિ ધરાવે છે. વાતાવરણમાં એકવીસ ટકા ઑક્સીજન રહેલો છે. મનુષ્યને જીવતા રહેવા માટે પણ ઑક્સીજન જરૂરી છે પરંતુ આગજન્ય અકસ્માત સમયે મનુષ્યના મૃત્યુ માટે પણ પરોક્ષ રીતે ઑક્સીજન જવાબદાર ખરો.