અમદાવાદ, 23 જૂન 2020
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને કારણે દર્દીનાં ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટિલ બન્યા છે. એક ઓપરેશનમાં કોરોનાગ્રસ્ત માત્ર 8 વર્ષની બાળકી સિમરનના આંતરડાની સર્જરી સિવિલ હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. સિમરન શહેરના કોરોનાના હાઈ રિસ્ક શાહઆલમ વિસ્તારમાંથી આવતી હતી.
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતી 8વર્ષીય સિમરનને 3 જૂન, 2020ના રોજ સવારે શહેરની સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીને છેલ્લા 4 દિવસથી પેટમાં દુઃખાવાની ફરિયાદ હતી. તેના હૃદયના ધબકારાની ગતિ વધી ગઈ હતી અને પેટમાં પણ સોજો હતો.
સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા ફ્લુઇડ તેના શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. તેના નાકમાં એક ટ્યૂબ નાખવામાં આવી અને તેના દ્વારા તેના પેટમાંથી તમામ ફ્લુઈડ બહાર કાઢીને પેટ ખાલી કરવામાં આવ્યું. બાળકીના પેટમાંથી 500 મિ.લિ. લીલા રંગનું પ્રવાહી બહાર કાઢવામાં આવ્યું હતું. પેઇનકિલર્સ આપવા છતાં પણ દર્દીને પેટનો દુખાવો ખૂબ તીવ્ર થતાં બાળકીના પેટનો એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યા બાદ તેને આંતરડાનો ગંભીર રોગ હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું.
સિમરન શહેરના કોરોનાના હાઈ રિસ્ક શાહઆલમ વિસ્તારમાંથી આવતી હતી. તેને તાવ પણ આવતો હતો. પરિણામે તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકીના દાખલ થયાના 24 કલાક પછી પણ તેના હાર્ટ રેટમાં કોઈ સુધારો ન થતાં આખરે હોસ્પિટલના સર્જનો દ્રારા સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.
4 જૂન, 2020ના રોજ હોસ્પિટલના પિડિયાટ્રિક સર્જરી વિભાગના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. મહેશકુમાર વાઘેલા દ્વારા બાળકીની સર્જરી કરવામાં આવી. બાળકીનું નાનું આંતરડું આખું લાલ રંગનું થઈ ચૂકયું હતું. તેમાં પુષ્કળ પ્રમાણમાં પરુ ભરાઈ ગયું હતું. પેટના નીચલા હિસ્સામાં થોડી માત્રામાં પ્યુરુલેન્ટ ફ્લુઈડ પણ રહેલું હતું. સમયસર સર્જરી કરવાને કારણે એક પણ આંતરડું કાળું નહોતું પડ્યું. તેમાં કોઇ કાણા પણ નહોતા પડ્યા. જેના પરિણામે દર્દીનું નાનું આંતરડું કાપી નાખવાની જરૂર પડી નહીં. બાળકીના પેટમાં એક ટ્યુબ મૂકવામાં આવી. જેથી આગામી સમયમાં નવું પરું ઉભરાય તો તેને બહાર કાઢી શકાય.
ઓપરેશન પૂરું કર્યાના બીજા દિવસે બાળકીને કોરોના પોઝિટિવ હોવાના કારણે શ્વાસોચ્છવાસની સમસ્યા ઊભી થઈ. ડેડિકેટેડ 1200 બેડ કોવિડ હોસ્પિટલના PICU વિભાગની પિડિયાટ્રીશ્યન્સની ટીમે બાળકીને જરૂરી તમામ ગંભીર સારવાર પૂરી પાડી. આ ટીમનું નેતૃત્વ ડૉ. જોલી વૈષ્ણવે કર્યું, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચારૂલ મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અનસૂયા ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. આરિફ વોરા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોનુ અખાનીનો સમાવેશ થાય છે. બાળકીને તાત્કાલિક એરવો ડિવાઈસ પર મૂકવામાં આવી જેનાથી તેને શ્વાસ લેવામાં સરળતા થઈ. તેની શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં ધીમે-ધીમે સુધારો થયો અને ત્યારબાદ તેને માસ્ક દ્વારા ઓક્સિજન પર શિફ્ટ કરવામાં આવી.
નાનકડી બાળકી સાચા અર્થમાં એક હીરો છે તેને અનેક બીમારી હોવા છતાં પણ કોરોનાને મ્હાત આપી. એકબીજા સાથે શ્રેષ્ઠ સહયોગ સાધીને પિડિયાટ્રિક સર્જન્સ અને પિડિયાટ્રિશ્યન્સની મલ્ટી-ડિસિપ્લિનરી ટીમે સફળતાપૂર્વક બાળકીને સાજી કરી જેથી બાળકી અને તેના પરિવારના ચહેરા પર ખુશી પરત આવી.
બાળકોમાં આવી બિમારી ખૂબ ઓછી જોવા મળે છે. કોવિડ-19 ના ઇન્ફેક્શનને કારણે ઘણીવાર ગંભીર જીવલેણ મલ્ટિ-ઓર્ગન ઇનફ્લેમેશનની સ્થિતિ સર્જાય છે, જે આ બાળકીમાં જોવા મળી.
પિડિયાટ્રિક સર્જરીના હેડ ડૉ. રાકેશ જોશી જણાવે છે કે, આઠ વર્ષની સિમરન કોરોના સામેનો જંગ જીતી ગઈ છે. પિડિયાટ્રિક્સ સર્જરી અને પિડિયાટ્રિક્સ બંન્નેના સંયુક્ત પ્રયાસોને પરિણામે આજે બાળકી એકદમ સ્વસ્થ્ય થઈને ઘરે જઈ રહી છે. તમામ પ્રકારની સારવાર પૂરી પડાતાં બાળકીને નવજીવન પ્રાપ્ત થયું છે.
ડિપાર્ટમેન્ટ ઑફ પિડિયાટ્રિકના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. અનસૂયા ચૌહાણ જણાવે છે કે, સિમરનના પેટમાંથી પરું કાઢવા માટે ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ ત્યારબાદ પણ તેમની હાલત અત્યંત નાજુક હતી તેમજ તેમનો કોરોનાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બંન્ને ફેફસામાં પણ ન્યુમોનિયા હતો તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. સિમરનને પિડિયાટ્રિક્સ આઈસીયુમાં દાખલ કરી જ્યાં એરબોની મશીન પર રાખવામાં આવી અને તેને ભારે ઈન્જિક્શન આપવામાં આવ્યા. લોહીના રિપોર્ટ પણ ખરાબ આવતાં સફેદ લોહી ચડાવવામાં આવ્યું.
સિમરનના માતા લાગણીસભર શબ્દોમાં જણાવે છે કે, મારી દિકરીની સ્થિતિ ગંભીર હતી, પરંતુ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા ખૂબ જ યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી. સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી આજે રજા લઈને સ્વગૃહે જઈ રહેલી 8 વર્ષની સિમરનને જોઈને સિવિલના ડૉક્ટર્સ ખૂબ જ આનંદિત છે. ખિલખિલાટ એમ્બ્યુલન્સમાં માતા અને સિમરનને ઘરે મોકલવામાં આવ્યાં હતાં.