કોવિડ-19 લોકડાઉન ગાળા દરમિયાન કોલસા મંત્રાલયે કોલસાના મહત્ત્વપૂર્ણ પુરવઠાની જાળવણી સુનિશ્ચિત કરીઃ પ્રહલાદ જોશી
નવી દિલ્હી, 28-03-2020
કેન્દ્રીય કોલસા, ખાણ અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ખાતરી આપી છે કે, આવશ્યક સેવા તરીકે કોલસાનો પુરવઠો જળવાઈ રહેશે અને તેમણે કોલસા મંત્રાલયના તમામ અધિકારીઓને કોવિડ-19 રોગચાળાને કારણે લોકડાઉનનાં સમયગાળા દરમિયાન કોલસાનો પુરવઠો જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે, જેથી વર્તમાન સ્થિતિસંજોગોમાં વીજળી અને અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને અસર ન થાય.
મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓની રોજિંદા બેઠકો કોલસાના ઉત્પાદન, પુરવઠા અને નિકાલ પર નજર રાખવા માટે યોજાય છે. આ પ્રકારની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક 26 માર્ચ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી. આ બેઠકનું નેતૃત્વ કોલસા સચિવ શ્રી અનિલ કુમાર જૈને કર્યું હતું. કોલસા મંત્રાલય સંપૂર્ણપણે પેપરલેસ ઓફિસ છે, જેનો સંપૂર્ણ સ્ટાફ મંત્રાલય કે ઘરેથી ડ્યુટી રોસ્ટર મુજબ ઇ-ઓફિસ પ્લેટફોર્મ પર કાર્યરત છે.
26 માર્ચ, 2020નાં રોજ વીજ પ્લાન્ટોમાં કોલસાનો પુરવઠો 41.8 એમટી છે, જે 24 દિવસના વપરાશ માટે જરૂરી પુરવઠાને સમકક્ષ છે. મંત્રીએ જાણકારી આપી હતી કે, કોલસા પર નિર્ભર દરેક ઉદ્યોગ/વીજ ક્ષેત્રને કોલસાનો પર્યાપ્ત પુરવઠો સરળતાપૂર્વક ઉપલબ્ધ થાય એ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે.
કેન્દ્રીય મંત્રીએ કોલ ઇન્ડિયા લિમિટેડની કામગીરીની પ્રશંસા કરી હતી, જેના તમામ અધિકારીઓ અને કામદારોએ કોલસાનું ઉત્પાદન સુનિશ્ચિત કર્યું છે અને આ કટોકટીના સમયમાં એના પુરવઠાને અસર થઈ નથી.
ઉપરાંત શ્રી પ્રહલાદ જોશીએ ખાતરી આપી હતી કે, લોકડાઉનનાં હાલના ગાળા દરમિયાન કોલસા મંત્રાલયને કોઈ મંજૂરીની જરૂર નથી.