નવી દિલ્હી, 7 મે 2021 : ભારતીય ઉદ્યોગ જગતનું માર્ચમાં વિદેશોથી લેવામાં આવતું કોમર્શિયલ દેવું 24 ટકાથી વધુ વધીને 9.23 અબજ ડોલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના આંકડામાં આ દર્શાવવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશની કંપનીઓએ ફોરેન માર્કેટમાંથી 7.44 અબજ ડોલર એકઠા કર્યા હતા.
માર્ચ 2021માં લેવામાં આવેલા કુલ ઉધારમાંથી 5.35 અબજ ડોલર ફોરેન કોમર્શિયલ બોરોઈંગ (ઇસીબી) માટે મંજૂરી માર્ગ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 3.88 અબજને આંતરરાષ્ટ્રીય બજારમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન બોન્ડ અથવા મસાલા બોન્ડ દ્વારા રૂપિયામાં કોઈ રકમ ઉઘરાવવામાં આવી ન હતી.
સરકારની મંજૂરી દ્વારા વિદેશમાંથી જે કંપનીઓએ ધિરાણ લીધું છે તેમાં આ ત્રણ કંપનીઓ ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (આઈઆરએફસી), ઓએનજીસી વિદેશ રોવુમા અને આરઈસી લિમિટેડ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આઈઆરએફસીએ ત્રણ હપ્તામાં 3.33 અબજ ડોલર એકત્ર કર્યા છે, જ્યારે ઓએનજીસી વિદેશ રોવુમા લિમિટેડે 1.6 અબજ ઉભા કર્યા છે.
આરઈસી – રૂરલ ઈલેક્ટ્રિફીકેશન કોર્પોરેશન લિમિટેડે આગળ લોન આપવા માટે 42.50 કરોડ ડોલરની રકમ એકઠી કરી છે. આરઈસી લિમિટેડ વિજ ક્ષેત્રમાં માળખાગત નાણાકીય સુવિધા આપતી કંપની છે.
આ સિવાય ઓટોમેટિક રૂટથી વિદેશોથી મૂડી એકઠી કરતી અદાણી હાઈબ્રિડ એનર્જી જેસલમેર, ભારતી એરટેલ, પીજીપી ગ્લાસ અને એનટીપીસી ટોચની કંપની રહી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને એમએમઆર સાહા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પણ કરોડો રૂપિયા મેળવ્યા છે.