અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોજ એક હજાર કરતા વધારે રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. શહેરના તમામ વિસ્તારોની સોસાયટી- ચાલીઓમાં જઈને ટેસ્ટ થઈ રહયા છે તથા કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવી રહયા છે.
જેના કારણે જુલાઈ મહીનામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. અનલોક-1 માં નોકરી-ધંધા માટે છુટછાટ આપવામાં આવ્યા બાદ પણ મોટા માર્કેટ ખોલવામાં આવ્યા ન હતા. શહેરની મધ્યમાં આવેલ કાપડ અને સોના-ચાંદીના બજારો ધીમે ધીમે ખુલી રહયા છે પરંતુ વેપારીઓ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે તમામ મોટા માર્કેટમાં મનપાની ટીમ દ્વારા એન્ટીજન ટેસ્ટ થઈ રહયા છે. જેમાં ખૂબજ ઓછા પોઝીટીવ કેસ નોંધાયા છે એકમાત્ર ન્યુ કલોથ માર્કેટમાં ૬૦ પોઝીટીવ કેસ નોંધાયા છે.
શહેરમાં કોમ્યુનીટી ટ્રાન્સમીશનને રોકવા માટે મધ્યઝોનમાં આવેલા વિવિધ માર્કેટમાં વેપારીઓ તથા કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ થઈ રહયા છે. સુત્રોએ જણાવ્યા મુજબ મંગળવારે માણેકચોક સોના-ચાંદી માર્કેટમાં ર૦૦ ટેસ્ટ થયા હતા જે પૈકી ચાર પોઝીટીવ કેસ જાહેર થયા છે. જેમાં એક કેસ બજારના વેપારીનો છે જયારે અન્ય ત્રણ કેસ બીજા માર્કેટમાંથી ટેસ્ટ કરાવવા આવેલા વેપારીના છે.
મધ્યઝોનના ખાડીયા વોર્ડમાં આવેલ સુગ્નોમલ માર્કેટમાં ૧૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 08 પોઝીટીવ નોધાયા હતા. રાયપુર સોસાયટી અને સફલ-3 માં 175 ટેસ્ટ પૈકી 05 પોઝીટીવ કેસ મળી આવ્યા હતા જયારે ન્યુ કલોથ માર્કેટમાં 3500 ટેસ્ટ થયા છે જેમાં સૌથી વધુ 60 પોઝીટીવ કેસ નોધાયા છે. જયારે ઘંટાકર્ણ કલોથ માર્કેટમાં 220 ટેસ્ટ થયા હતા.
પરંતુ એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. સ્થાનિક કોર્પોરેટર મયુર દવેએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે મ્યુનિ. કોર્પોરેશનની ટીમ કોઈ એક માર્કેટમાં ટેસ્ટ માટે જાય છે ત્યારે આસપાસ બીજા માર્કેટના વેપારીઓ અને કર્મચારીઓ પણ ટેસ્ટ કરાવવા આવે છે તેથી પોઝીટીવ કેસ કોઈ એક માર્કેટમાંથી જ મળી આવ્યા છે તેમ માની કહી શકાય નહી.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે એએમટીએસ અને બીઆરટીએસના કર્મચારીઓના પણ ટેસ્ટ થઈ રહયા છે. એએમટીએસમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન 1850 કર્મચારીઓના ટેસ્ટ થયા છે. જે પૈકી સાત પોઝીટીવ કન્ફર્મ થયા છે જેમાં બે ડ્રાઈવર, એક કંડકટર, હેલ્પર તથા ફીટરનો સમાવેશ થાય છે. એએમટીએસમાં કુલ ૩૯૦૦ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં ખાનગી ઓપરેટરના ડ્રાયવરનો પણ સમાવેશ થાય છે. બીઆરટીએસમાં 800 કર્મચારીના ટેસ્ટ પુર્ણ થયા છે જે પૈકી માત્ર ત્રણ પોઝીટીવ કન્ફર્મ થયા છે.
મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ એએમટીએસ- બીઆરટીએસના કર્મચારીઓના ટેસ્ટ પુર્ણ થયા બાદ અન્ય વિભાગના કર્મચારીઓના પણ ટેસ્ટ કરવામાં આવશે. અનલોક-ર માં જનજીવન થાળે પડી રહયુ છે સાથે સાથે મનપાની કચેરીઓ પણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસ છે. આ સંજાેગોમાં કોરોનાના વ્યાપને રોકવા માટે તમામ કર્મચારીના રેપીડ ટેસ્ટ થઈ શકે છે. ખાસ કરીને જે વિભાગમાં નાગરીકોની વધુ અવર-જવર રહે છે છે તે વિભાગમાં રેપીડ ટેસ્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અમદાવાદ શહેરમાં મ્યુનિ. કમિશ્નર નેહરાની બદલી થયા બાદ કોરોના સામેની કામગીરીમાં સંપૂર્ણપણે ફેરફાર કરી દેવામાં આવ્યો હતો અને આશ્ચર્યજનક રીતે કોરોનાના ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો બતાવવામાં આવતો હતો પરંતુ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગતા તંત્ર સફાળુ જાગ્યુ છે અને ફરી એક વખત કેન્દ્રની ગાઈડલાઈન મુજબ અને કેન્દ્રીય મેડીકલ ટીમના આદેશ બાદ શહેરમાં ફરી એક વખત કોરોનાના ટેસ્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના સંખ્યાબંધ દર્દીઓ વગર ટેસ્ટ કરાયે ફરી રહયા છે જે ખરેખર ખૂબજ જાેખમી સાબીત થવાના છે આગામી દિવસોમાં અમદાવાદ શહેરની પરિસ્થિતિ ખૂબજ વિકટ બનવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે જેના પગલે મ્યુનિ. કોર્પો.ના તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવી સોસાયટીઓ, તથા જાહેર સ્થળો પર અને સુપર સ્પેડરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જાેકે આ કામગીરી પણ હવે ધીમી પડી હોય તેવો આક્ષેપ થઈ રહયો છે આ ઉપરાંત કોરોન્ટાઈન કરવામાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવતી નથી.
જેના પરિણામે અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોનાના કેસોનો રાફડો ફાટે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. ફરી એક વખત ટેસ્ટ શરૂ કરવામાં આવતા કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો છે અને આવા દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી રહયા છે જેના પરિણામે કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવામાં આવી રહયો છે પરંતુ આ કામગીરી વ્યાપક બનાવવામાં આવે તો જ અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ સુધરે તેવુ નિષ્ણાંતો માની રહયા છે.