ગાંધીનગર, 19 માર્ચ 2020
ગુજરાત રાજયમાં અદાલતોમાં તા. ૩૧.૧૨.૧૮ની સ્થિતિએ કુલ ૧૬,૫૩,૯૯૬ પડતર કેસો હતા. તેમ જ ૨૦૧૯ના વર્ષ દરમિયાન કુલ ૧૦,૮૪,૨૦૦ કેસો દાખલ થયા હતા. મતલબ કે કુલ નવા અને જુના મળીને 27.30 લાખ ખટલા ચાલી રહ્યાં છે. 100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિ ન્યાય માટે અદાલતના ધક્કા કાઈ રહ્યાં છે. તેમને ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપની સરકારે એક વર્ષથી એક પણ ખટલો પડતર ન રહે એવા વચનો નરેન્દ્ર મોદીએ આપ્યા હતા. જે સાકાર થયા નથી. ભાજપની સરકારો ગુજરાતના લોકોને ઝડપી ન્યાય આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદા વિભાગનો હવાલો સંભાળતા પ્રદીપ જાડેજા લોકોને ઝડપી ન્યાય આપવામાં સફળ થયા નથી. નિયામાં વિલંબ તે અન્યાય છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત હેઠળ નોંધાયેલ આશરે ૭૦ હજારથી ૭૫ હજાર વકીલો છે.
હાલમાં સમગ્ર રાજ્યમાં જોટાણા તાલુકા સિવાય તમામ ૨૪૯ તાલુકાઓમાં સિવિલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. વડી અદાલત અને તાબાની કોર્ટો મળીને કુલ ૧૨,૨૨૧ જેટલો મેનપાવર ૧,૦૪૬ જેટલી વિવિધ કોર્ટોમાં કાર્યરત હોવાનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ૩૭૪ જેટલા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર્સની નિમણૂંક કરવામાં આવી છે.
ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ તથા રાજ્યની તમામ જિલ્લા કોર્ટ અને તાબાની કોર્ટોની કાર્યવાહીનું રેકોર્ડીંગ સીસીટીવી કેમેરા દ્વારા હાથ ધરવામાં આવે તે માટે ૩૪૩ કોર્ટ બિલ્ડીંગ અને ૧,૩૪૫ કોર્ટ રૂમમાં સીસીટીવી મૂકવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આ માટે આ કામગીરી વધુ અસરકારક બને તે માટે બજેટમાં રૂા. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
૧૦૮ જેટલા નવા કામો હાથ ધરવામાં આવશે. જેમાં ગાંધીનગર, ભૂજ, જામનગર, થરાદ, વઘઇ, માણાવદર, કલોલ, ચિખલી, ભાયાવદર અને જામજોધપુર ખાતે નવા કોર્ટ બિલ્ડીંગનું તેમજ પાટણ અને ભૂજ ખાતે ફેમીલી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે સમાજમાં ચેરિટીતંત્ર બહુ અગત્યનું તંત્ર છે જે સમાજની લાગણી સાથે જોડાયેલું તંત્ર છે અને ટ્રસ્ટનો વહીવટ સરળતાથી ચાલે તે માટે તેની કાર્યવાહીમાં ચેક એન્ડ બેલેન્સ જળવાઇ રહે તે માટેની કાર્યવાહી કરે છે. હાલમાં ગુજરાત રાજયમાં ચેરીટીતંત્રમાં ફકત ૧૨,૦૦૦ થી ૧૩,૦૦૦ જેટલા કેસો જ પેન્ડીંગ છે. મોટા ભાગના કેસો બે ત્રણ વર્ષથી પેન્ડીંગ હોય તેવા છે. આમ જુના કેસોનો મોટા પાયે નિકાલ કરવામાં આવેલ છે. વધુમાં આખા ગુજરાત રાજયના જુદી જુદી ઓફીસોના ટ્રસ્ટના રેકોર્ડ, ડોકયુમેન્ટસ વિગેરે અંદાજે ૪ કરોડ ડોકયુમેન્ટસનું ડીજીટીલાઇઝેશન કરવામાં આવેલ છે. ૨૦૧૯માં ૧૧ આસીસ્ટન્ટ ચેરિટી કમિશનરની નિમણુંકની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે.
પોક્સો એક્ટ હેઠળના તથા દુષ્કર્મના કેસો ઝડપથી ચલાવવા માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ માટે ૨૦૧૯ માં ઘડવામાં આવેલ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કૂલ ૩૫ ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના આવા કેસો ચલાવવા માટે કરવામાં આવેલ છે જેમાં ૨૪ કોર્ટો પોક્સોના કેસો માટે તથા ૧૧ કોર્ટો પોક્સો તથા દુષ્કર્મના કેસો ઝડપથી ચલાવવા માટે કાર્યરત કરવામાં આવેલ છે.
બે નાણાકીય વર્ષમાં જ રાજયમાં કુલ ૧૪ જેટલા જિલ્લાઓમાં ફેમીલી કોર્ટોંની સ્થાપના કરવામાં આવેલ છે. આજે એ સ્થિતિ છે કે રાજયના કુલ ૨૯ જિલ્લાઓમાં કુલ ૪૬ જેટલી ફેમિલી કોર્ટો મંજુર કરવામાં આવેલ છે, એટલું જ નહિ, ઉપર જણાવી તે ૧૪ ફેમિલી કોર્ટો સહિત કુલ ૩૮ જેટલી ફેમિલી કોર્ટો અત્યાર સુધીમાં કાર્યરત છે,
૨૦૧૮ માં રાજ્યમાં કૂલ ૧૪ ઔદ્યોગિક અદાલત અને ૪૨ મજુર અદાલતો મંજુર કરેલ હતી. ત્યાર બાદ ૨૦૧૯-૨૦ માં વધુ બે (ર) મજુર અદાલતો (વલસાડ જિલ્લામાં વાપી અને ઉમરગામ) મંજુર કરેલ છે.
સને ૨૦૧૫ સુધીમાં જુદા જુદા સંવર્ગની જુદા જુદા સ્પેશયલ એક્ટ હેઠળની કુલ-૧૪૪ સ્પેશ્યલ કૉર્ટ્સ રાજ્યમાં કાર્યરત હતી જેમાં રાજ્ય સરકારની ઘર આંગણે ઝડપી અને બિનખર્ચાળ ન્યાયના સૂત્રને સાર્થક કરવાના પ્રયાસ રૂપે છેલ્લા ૫ વર્ષમાં ૨૯૪ નવી કૉર્ટ કાર્યરત થયેલ છે. ૩ તાલુકાઓમાં (ઉપલેટા, માંગરોલ અને વાગરા) ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં સીનીયર સીવીલ જજની કૉર્ટ્સ મંજુર કરવામાં આવેલ છે. જેના કારણે સને ૨૦૧૮ માં ૭૩ તાલુકાઓમાં સિનિ. સિવિલ જજ કોર્ટો હતી તેમાં ૨૦૧૯-૨૦ માં ત્રણ કોર્ટોનો ઉમેરો થતાં કૂલ ૭૬ તાલુકાઓમાં સિનિ. સિવિલ જજની કોર્ટ થયેલ છે.