દર્દીઓ સાજા થવાનો દર નવી ઊંચાઇએ પહોંચ્યો, આજે 64%ની નજીક નોંધાયો

દેશમાં ગઇકાલે કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓનો સર્વાધિક એક દિવસીય આંકડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 36,145 દર્દીઓ સાજા થઇ ગયા હતા અને તેમને રજા આપવામાં આવી હતી. આથી દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 8,85,576 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો સરેરાશ દર પણ નવી ઊંચાઇએ પહોંચીને 64% તરફ ઝડપી આગળ વધી રહ્યો છે. આજે સાજા થવાનો દર વધીને 63.92% સુધી પહોંચી ગયો છે. મતલબ કે, કોવિડના દર્દીઓ વધુને વધુ સંખ્યામાં સાજા થઇ રહ્યા છે અને આ પ્રકારે કોવિડ-19ના સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 લાખ કરતાં પણ વધારે એટલે કે, 4,17,694 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા (4,67,882) કરતાં 1.89 ગણી વધારે છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સલાહ આપી છે કે, “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ”ની વ્યૂહનીતિનું તેઓ ચુસ્ત અને અસરકારક અમલીકરણ ચાલુ જ રાખે. દેશમાં પહેલી જ વખત એક જ દિવસમાં 4,40,000 કરતાં વધારે જેટલી વિક્રમી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,42,263 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,805 થઇ ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,62,91,331 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. પહેલી વખત, સરકારી લેબોરેટરીઓએ એક જ દિવસમાં 3,62,153 જેટલી વિક્રમી સંખ્યામાં સેમ્પલનું પરીક્ષણ કર્યું છે. ખાનગી લેબોરેટરીઓમાં પણ 79,878 સેમ્પલ સાથે પરીક્ષણનો એક દિવસીય સર્વાધિક આંકડો નોંધાયો છે.

સઘન પરીક્ષણની કામગીરી તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોના સંયુક્ત પ્રયાસો દ્વારા હોસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલી વૃદ્ધિના કારણે કોવિડ-19ના દર્દીઓનું વહેલું નિદાન અને ત્વરિત સારવાર શક્ય બન્યા છે તેના કારણે કોવિડથી ચેપગ્રસ્ત દર્દીઓનો મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં 2.31% સુધી પહોંચી ગયો છે. ભારતની ગણના સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થાય છે.