રાષ્ટ્રીય કામધેનું આયોગ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ગાય સરકીટ બનાવી રહ્યું છે જે માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને ગોવા રાજ્યોને પસંદ કર્યા છે. જેમાં વિદેશી પ્રવાસીઓ, વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી સંશોધનકર્તાઓ ગાયના ગુણગાન બતાવવા લાવવામાં આવશે.
ભારતમાં ગાયની 37 પ્રકારની શુદ્ધ જાતિ જોવા મળે છે. ગીર ગાય, સાહિવાલ ગાય, લાલ સિંધી , રાઠી, થરપાર્કર , કોન્ક્રેજ, દેશમાં વિવિધ પ્રકારની ગાયો છે તેનું મહત્વ વધારવાનો મુખ્ય ઉદ્દેશ છે.
સરકીટમાં ગુજરાત મોડલ સ્ટેટ બનશે. ગાયના દૂધ, છાણ અને મૂત્રના ઉત્પાદનોનો બહોળી માત્રામાં પ્રચાર કરવામાં આવશે. ગૌ આધારિત અર્થવ્યવસ્થાને તેનાથી બળ મળશે. રાજ્યના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો પર ગાય પ્રોડક્ટ્સ વેચવામાં આવશે. દેશની મોટી જેલો અને કેરલ તેમજ ગોવા જેવા રાજ્યોના આયુર્વેદિક ઉપચાર કેન્દ્રોમાં ગાય આધારિત ઉત્પાદનોને વેચવામાં આવશે.
આયોગ દ્વારા દેશભરમાં 400થી પણ વધારે ગૌ પ્રવાસન કેન્દ્રો બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રતિ કેન્દ્ર બે કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ધાર્મિક સંગઠનો, ખાનગી ફાર્મ, બિન સરકારી સંગઠનો અને પશુપાલકોને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. વિવિધ સંપ્રદાયની ગૌશાળાઓને પણ આ પ્રોજેક્ટમાં સામેલ કરાશે.