12.5.2020
ડૉ. હર્ષવર્ધન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ- કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાઇને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે નિવારણ અને નિયંત્રણ સંબંધિત પગલાંઓની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના લેફ્ટેનન્ટ ગવર્નર અને ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં પરત ફરત ફરી રહ્યા હોવાથી તેને ધ્યાનમાં રાખતા આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ પાછા ફરી રહેલા લોકો માટે વધુ અસરકારક દેખરેખ, સંપર્ક ટ્રેસિંગ, પૂરતા પ્રમાણમાં પરીક્ષણ સુવિધા અને સમયસર સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વિદેશથી આવી રહેલા લોકો માટે પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.
12 મે 2020 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ 70,756 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 22,455 દર્દી અત્યાર સુધીમાં સાજા થયા છે અને 2293 દર્દી મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,604 દર્દના કોવિડ-19ના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોવાની પુષ્ટી થઇ છે અને 1538 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. કેસોની સંખ્યા બમણી થવાનો દર છેલ્લા 14 દિવસમાં 10.9 હતો, જે છેલ્લા ત્રણ દિવસમાં સુધરીને 12.2 થયો હોવાનું પણ તેમણે ટાંક્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મૃત્યુદર 3.2% છે જ્યારે સાજા થવાનો દર 31.74% છે. તેમણે રાજ્યોને ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 સામેની ભારતની લડાઇમાં આગામી માર્ગ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણી સમક્ષ અત્યારે બેવડો પડકાર છે – આ બીમારીના સંક્રમણનો દર ઓછો કરવાનો અને તમામ પ્રકારની માર્ગદર્શિકાઓનું પાલન કરીને જાહેર પ્રવૃત્તિઓ તબક્કાવાર વધારવાનો અને આપણે સૌએ આ બંને હેતુઓ સિદ્ધ કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19નો ફેલાવો રોકવા માટે પ્રયાસો કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કોવિડ પછીના યુગમાં નવી તકો આપણી સમક્ષ આવશે માટે ભારતે અચૂક તેનો લાભ ઉઠાવવો જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અચૂક પણે સમજી લેવું જોઇએ કે કોવિડ-19 પછી મૂળભૂત રીતે દુનિયા બદલાઇ ગઇ છે. હવે પછીની દુનિયા વિશ્વ યુદ્ધો પછીના સમયની જેમ પ્રિ-કોરોના, પોસ્ટ-કોરોના જેવી હશે. તેના કારણે આપણે કેવી રીતે કામ કરીએ તેમાં નોંધપાત્ર પરિવર્તનો આવશે. તેમણે કહ્યું હતું કે, જીવનની નવી રીતભાત “જન સે લેકર જગ તક” એટલે કે એક વ્યક્તિથી માંડીને સમગ્ર માનવજાત સુધી સિદ્ધાંત પર હશે. તેમણે કહ્યું, આપણે આ નવી વાસ્તવિકતા માટે અવશ્યપણે આયોજન કરવું જોઇએ.
ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (09:30 કલાક) સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું
દેશના વિવિધ રાજ્યોમાં 12 મે 2020 સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 448 ટ્રેનો તેના ગંતવ્ય સ્થળે પહોંચી ગઇ છે જ્યારે 94 ટ્રેનો રસ્તામાં છે. આ 448 ટ્રેનો આંધ્રપ્રદેશ (1 ટ્રેન), બિહાર (117 ટ્રેન), છત્તીસગઢ (1 ટ્રેન), હિમાચલ પ્રદેશ (1 ટ્રેન), ઝારખંડ (27 ટ્રેન), કર્ણાટક (1 ટ્રેન), મધ્યપ્રદેશ (38 ટ્રેન), મહારાષ્ટ્ર (3 ટ્રેન), ઓડિશા (29 ટ્રેન), રાજસ્થાન (4 ટ્રેન), તામિલનાડુ (1 ટ્રેન), તેલંગાણા (2 ટ્રેન), ઉત્તરપ્રદેશ (221 ટ્રેન), પશ્ચિમ બંગાળ (2 ટ્રેન) જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે. આ શ્રમિક વિશેષ ટ્રેનોમા મુસાફરો બેસે તે પહેલાં સુનિશ્ચિપણે તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને મુસાફરી દરમિયાન તમામ મુસાફરો માટે વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
મુસાફર ટ્રેનોની સેવાઓ તબક્કાવાર ફરી શરૂ કરવાની પ્રક્રિયાનો આરંભ થયો
ભારતીય રેલવેએ આજે 8 ટ્રેનો સાથે મુસાફર ટ્રેનોની કામગીરી ફરી શરૂ કરવાની પ્રક્રિયાનો આરંભ કર્યો છે. હવે તબક્કાવાર આ ટ્રેનો દિલ્હી, મુંબઇ, હાવરા, અમદાવાદ, પટણા અને બેંગલોરથી ચાલશે. ટ્રેન નં. 02442 નવી દિલ્હીથી બિલાસપુર વિશેષ ટ્રેને ફરી શરૂ કરાયેલી પ્રથમ મુસાફર ટ્રેન તરીકે દિલ્હીથી મુસાફરી શરૂ કરી હતી. કોવિડ-19ના કારણે મુસાફર ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવ્યા પછી આજે પહેલી વખત મુસાફર ટ્રેનની સફર ફરી શરૂ થઇ છે. કુલ 03 વિશેષ ટ્રેનો આજે 3400થી વધુ મુસાફરો સાથે દિલ્હીથી રવાના થઇ હતી જ્યારે કુલ પાંચ ટ્રેનો અન્ય શહેરોથી દિલ્હી માટે માટે રવાના થશે. આ વિશેષ ટ્રેન સેવા ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી શ્રમિક વિશેષ ટ્રેનો સિવાયની છે.
વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 6037 ભારતીયો 31 વિમાનોમાં વિદેશથી વતન પરત આવ્યા
ભારત સરકારે 7 મે 2020ના રોજ વંદે મિશનની શરૂઆત કરી છે જેનો ઉદ્દેશ્ય કોવિડ-19 મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનો છે જે સરકારની સૌથી મોટી પહેલોમાંથી એક છે. આ મિશન અંતર્ગત, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારતીયોને તેમની માતૃભૂમિમાં પરત લાવવા માટે વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકારો સાથે સંકલન સાધીને કામ કરી રહ્યું છે. એર ઇન્ડિયા પોતાની સહાયક એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મળીને 12 દેશ એટલે કે અમેરિકા, બ્રિટન, બાંગ્લાદેશ, સિંગાપોર, સાઉદી અરબ, કુવૈત, ફિલિપાન્સ, યુનાઇટેડ આરબ અમિરાત અને મલેશિયા માટે કુલ 64 ઉડાન (એર ઇન્ડિયાની 42 અને એર ઇન્ડિયા એક્સપ્રેસની 24)નું સંચાલન કરી રહી છે જેથી પહેલા તબક્કામાં 14,800 ભારતીયોને પરત લાવી શકાય.
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ આપણી પૃથ્વી પર લોકો આરોગ્યપ્રદ રહે તે માટે ચોવીસ કલાક કાર્યરત રહેતી અસાધારણ નર્સોની કામગીરી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો વિશેષ દિવસ છે. વર્તમાન સમયમાં, કોવિડ-19ને હરાવવા માટે તેઓ ખૂબ જ ઉત્તમ કરે છે. આપણે આ નર્સો અને તેમના પરિવારના ખૂબ જ આભારી છીએ.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ‘યર ઓફ ધ નર્સ એન્ડ ધ મિડવાઇફ’ની જાહેરાત કરવામાં આવી છે. નર્સિંગ પ્રોફેશનલોના નિઃસ્વાર્થ સમર્પણ અને અને સખત પરિશ્રમની પ્રશંસા કરતા તેમજ આરોગ્ય સંભાળ સિસ્ટમમાં તેમને મજબૂત અને મહત્વનો સ્તંભ ગણાવતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “તમારા કામ અને નિષ્ઠાના ઊંડાણને પૂરતા પ્રમાણમાં પરિભાષિત કરી શકાય તેમ નથી કારણ કે, તમારું સમર્પણ અનોખું છે. તમારી કરુણા, સમર્પણ અને પ્રેમાળ સ્પર્શ તેમજ ગમે તેવા કપરા સંજોગોમાં પણ હંમેશા દર્દીઓને પ્રાથમિકતા આપીને ફરજ નિભાવવા બદલ આપનો ખૂબ જ આભાર.” તેમણે વર્તમાન સમયમાં ચાલી રહેલી મહામારીના તબક્કામાં નર્સોએ આપેલા અભૂતપૂર્વ અને અવિરત યોગદાન બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ડૉ. જિતેન્દ્રસિંહે ASSOCHAM દ્વારા આયોજિત ઇન્ડો- બાંગ્લાદેશ “વર્ચ્યુઅલ કોન્ફરન્સ”ને સંબોધન કર્યું
કેન્દ્રીય પૂર્વોત્તર પ્રદેશ વિકાસ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્રસિંહે આજે અહીં જણાવ્યું હતુ કે, કોવિડ બીમારી જતી રહ્યા પછી નવા દૃષ્ટાંતો સામે આવશે, જેમાં અર્થતંત્ર, વેપાર, વૈજ્ઞાનિક સંશોધન અને કેટલાક અન્ય વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં નવા આયામો સુધી પહોંચવા માટે સંભાવનાઓ સમાયેલી હશે.
ટેકનોલોજી કેન્દ્રો હવે વાસ્તવિક સમયની ક્વોન્ટિટેટિવ માઇક્રો PCR સિસ્ટમના મહત્વપૂર્ણ ભાગો બનાવી રહ્યા છે
ભૂવનેશ્વર, જમશેદપુર અને કોલકાતા ખાતે MSME મંત્રાલયના ટેકનોલોજી કેન્દ્રો હવે વિશાખાપટ્ટનમ ખાતે આવેલા AMTZ માટે વાસ્તવિક સમયના ક્વોન્ટિટેટિવ માઇક્રો સિસ્ટમ માટે મહત્વપૂર્ણ ભાગો બનાવી રહ્યા છે. આ મશીન એક કલાક કરતા ઓછા સમયમાં કોવિડ-19ના પરીક્ષણનું પરિણામ આપી શકે છે (સામાન્યપણે પરિણામ માટે 24 કલાક લાગે છે) અને તેને એક ખાનગી MSME દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
બેંગલુરુ સ્થિત CSIR- નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NAL) દ્વારા કોવિડ-19 માટે માત્ર 36 દિવસમાં BiPAP નોન- ઇન્વેસિવ વેન્ટિલેટર “સ્વસ્થ વાયુ” તૈયાર કરવામાં આવ્યું
આ સિસ્ટમને સલામતી અને કામગીરી માટે NABL સ્વીકૃત એજન્સીઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે અને સઘન બાયોમેડિકલ પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવી છે. BiPAP નોન- ઇન્વેસિવ વેન્ટિલેટર એક માઇક્રો કંટ્રોલર આધારિત સચોટ ક્લોઝ્ડ- લૂપ સ્વીકારાત્મક સિસ્ટમ છે જે વાયરસનો ફેલાવો થવાનો ડર પણ દૂર કરે છે.
MSME મંત્રાલયે ચેમ્પિયન્સ પોર્ટલની શરૂઆત કરી
MSME મંત્રાલય દ્વારા ચેમ્પિયન્સ પોર્ટલ www.Champions.gov.in ની શરૂઆત કરવામાં આવી છે, જે ટેકનોલોજીથી સંચાલિત એક કંટ્રોલ રૂમ- કમ-મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. આ સિસ્ટમમાં અદ્યતન ICT ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. MSME રાષ્ટ્રીય અને વૈશ્વિક ચેમ્પિયન તરીકે ભૂમિકા નિભાવીને આ દિશામાં મોટું પગલું ભરી શકે તેમાં મદદરૂપ થવાના આશયથી આની શરૂઆત કરવામાં આવી છે.
ફિલ્ડ ઇનપુટ્સ
● ચંદીગઢ: પરપ્રાંતીય શ્રમિકોના આવનજાવન માટે વહીવટીતંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેનો”ની વ્યવસ્થા કરવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગે ચંદીગઢના વહીવટી અધિકારીએ સંતોષ વ્યક્ત કર્યો. તેમણે ખુશી વ્યક્ત કરી કે, મુસાફરોને પૂરતા પ્રમાણમાં ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને રેલવેની ટિકિટ સહિત તેમની સંપૂર્ણ મુસાફરીનો ખર્ચ વહીવટીતંત્ર દ્વારા ઉપાડવામાં આવે છે.
● પંજાબ: દિલ્હીમાં ફસાયેલા 336 પંજાબીઓને પરત લાવવા માટે પંજાબ સરકારે એક મહિનામાં પંજાબ રોડવેઝની 13 બસો રવાના કરી છે જેમાં હાલમાં મંજુ કા ટિલા ગુરુદ્વારામાં રોકાયેલા પંજાબીઓ સહિત તમામ ફસાયેલા પંજાબીઓને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. પંજાબ પરત આવી રહેલા તમામ લોકોને કોવિડ-19 માટે આરોગ્ય પ્રોટોકોલ અનુસાર ફરજિયાતપણે ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવે છે. સરકારી એજન્સીઓ અને ખાનગી વેપારીઓએ પંજાબમાં ખરીદીના 26મા દિવસે 1,50,918 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી હતી. સરકારી એજન્સીઓએ ખરીદેલા 1,50,771 MT ઘઉંની ખરીદી કરી હતી, 147 MT ઘઉં ખાનગી વેપારીઓ (આડતિયા) દ્વારા ખરીદવામાં આવ્યા હતા.
● હરિયાણા: વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે ઉભી થયેલી વિચિત્ર પરિસ્થિતિના કારણે રાજ્યમાં ફસાયેલા વિસ્થાપિત શ્રમિકો અને કામદારોની મુશ્કેલીઓ પર વિશેષ ભાર મૂકતા હરિયાણા સરકારે વિસ્થાપિત શ્રમિકોને તેમના વતન પરત મોકલવાની કામગીરી સતત ચાલુ રાખી છે. ગઇકાલે, 1,208 કૃષિ વિસ્થાપિત શ્રમિકોને રેવારીથી, 1,188 વિસ્થાપિત શ્રમિકોને અંબાલા કેન્ટોન્મેન્ટમાંથી વિશેષ શ્રમિક ટ્રેન મારફતે તેમના પરિવાર સાથે વતન મોકલવામાં આવ્યા હતા.
● હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મૂડી ખર્ચમાં કોઇ કાપ નહીં મૂકે પરંતુ આ સમયમાં સરકાર બિનઉત્પાદક અને નકામા ખર્ચાઓ પર કાપ મૂકીને સાદાઇના પગલાં અપનાવી વધારાના ખર્ચને અંકુશમાં લાવશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યમાં મુખ્યમંત્રી શહેરી આજીવિકા યોજનાનો અમલ શરૂ કરી દીધો છે જે અંતર્ગત દરેક શહેરી વિસ્તારોમાં બિનકૌશલ્યપૂર્ણ લોકોને 120 દિવસની રોજગારી બાંયધરી આપવામાં આવે છે.
● કેરળ: રાજ્યમાં માર્ગ અને રેલવે દ્વારા કોઇપણ ઝંઝટ વગર પ્રવેશ મળી શકે તે માટે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. જેઓ પાસ વગર રાજ્યમાં આવી રહ્યા છે તેમણે ફરજિયાતપણે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. કેરળની ઉચ્ચ અદાલતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિરોધાભાસી માર્ગદર્શિકાનું પાલન કરીને બહારથી રાજ્યમાં આવનારા લોકોને ક્વૉરેન્ટાઇન કરવા અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. અખાતી દેશોમાં આજે કોવિડ-19ના કારણે પાંચ કેરળવાસીઓનાં મોત નીપજ્યાં છે. આજે રાત્રે ચાર રેસ્ક્યૂ વિમાનો અખાતી દેશોમાંથી રાજ્યમાં આવશે. માલદીવ્સથી આવી રહેલું બીજુ ભારતીય જહાજ વિદેશમાં ફસાયેલા 202 ભારતીયોને લઇને આજે સાંજે કોચી પહોંચશે. અત્યારે રાજ્યમાં કોવિડ-19ના 27 સક્રિય કેસો છે જેઓ હાલમાં સારવાર હેઠળ છે અને રાજ્યમાં 34 હોટસ્પોટ ઓળખવામાં આવ્યા છે.
● તામિલનાડુ: 1,140 વિસ્થાપિતોને લઇને એક વિશેષ ટ્રેન આજે તિરુનેલવેલીથી બિહાર જવા રવાના થઇ હતી. કુમ્બકોનમ માર્કેટમાં એક ડ્રાઇવરનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી તેને સીલ કરવામાં આવ્યું છે. રાજ્ય હાલમાં કોવિડ-19ની સારવાર માટે વિશેષ હોસ્પિટલો તૈયાર કરવા માટે ખાનગી મિલકતો ઓળખવાની યોજના તૈયાર કરી રહ્યું છે. સરકારે જૂન મહિના માટે તમામ રેશનકાર્ડ ધારકોને રૂ. 219 કરોડ વિનામૂલ્યે રેશન માટે આપ્યા છે. મદ્રાસ મેડિકલ કોલેજ ખાતે પ્લાઝ્મા થેરાપીનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કેસો- 8002, સક્રિય કેસ- 5895, મૃત્યુ- 53, સાજા થયા- 2051, ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 4371 છે.
● કર્ણાટક: આજે રાજ્યમાં 42 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે. ગ્રીન ઝોનમાં રહેલા હસન જિલ્લામાં પહેલી વખત 5 કેસ નોંધાયા છે. આજના દિવસ સુધીમાં કુલ કેસ: બાગલકોટ- 15, ધારવાડ- 9, હસન- 5, બેંગલોર- 3, યદાગીરી, બિદર અને દક્ષિણ કન્નડમાં બે-બે અને ચિક્કાબલ્લાપુર, માંડ્યા, બેલ્લારી તેમજ કાલબુર્ગીમાં એક-એક કેસ છે. કુલ કેસ- 904, મૃત્યુ- 31 અને 426 વ્યક્તિને સાજા થતા રજા આપવામા આવી છે. આજે મુખ્યમંત્રીએ ફાઇનાન્સ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ-19 કટોકટી દરમિયાન રાજ્યની આર્થિક સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
● આંધ્રપ્રદેશ: રાજ્યનું પાટનગર વિશાખાપટ્ટનમમાં ખસેડવા અંગે રાજ્ય સરકારે આજે ઉચ્ચ અદાલતમાં સોગંદાનામું દાખલ કર્યું છે. SCERTએ આંધ્રપ્રદેશ સરકારને 58 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે જેમાં સાર્વજનિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવાની તરફેણ કરવામાં આવી છે. રાજ્યમાં 33 નવા કેસ નોંધાયા છે; છેલ્લા 24 કલાકમાં 58 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે જ્યારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. કુલ 10,730 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 2051 થઇ છે. સક્રિય કેસ: 949, સાજા થયા: 1056, મૃત્યુ: 46. સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતા જિલ્લા: કુર્નૂલ (584), ગુંતૂર (387), ક્રિશ્ના (346), ચિત્તૂર (131), અનંતપુર (115). નેલ્લોર (111)
● તેલંગાણા: “વંદે ભારત મિશન” અંતર્ગત યુકેથી હૈદરાબાદ માટે ચોથી ફ્લાઇટ મંગળવારે શહેરના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે આવી પહોંચી હતી. આ ફ્લાઇટમાં 331 મુસાફરો પરત આવ્યા છે. તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (TSRTC) બસોમાં મુસાફરોને બેસવાની ક્ષમતામાં ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે જેથી લૉકડાઉન ઉપાડી લીધા પછી પણ મુસાફરો વચ્ચે શારીરિક અંતર જાળવી રાખવાના પગલાંનું પાલન થઇ શકે. ગઇકાલ સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા- 1275, સક્રિય કેસ – 444, સાજા થયા- 801, મૃત્યુ થયા- 30.
● મહારાષ્ટ્ર: આજ દિન સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 23,401 થઇ છે. મુંબઇમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા પછી બરાબર બે મહિનામાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા 14,355 થઇ છે. રાજ્યમાં પોલીસ જવાનોમાં કોવિડનો ચેપ વધુ પ્રસરી રહ્યો છે – 106 અધિકારી અને 901 કોન્સ્ટેબલ અત્યાર સુધીમાં આ વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. નાગપુરમાં આજે વધુ બે કેસ નોંધાતા કોવિડના કેસોની સંખ્યા 300ના આંકડાએ પહોંચી ગઇ છે. આ ઓરેન્જ સિટીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
● ગુજરાત: રાજ્યમાં કોવિડ-19ના વધુ 347 કેસ નોંધાયા છે જ્યારે વધુ 20 દર્દીના મૃત્યુ થયા છે તેવું આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. હવે, રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 8,541 થઇ છે કોવિડ-19ના કારણે ગુજરાતમા કુલ 513 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. નવા નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી અમદાવાદમાં 268, વડોદરામાં 29, સુરતમાં 19 અને ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે.
● રાજસ્થાન: રાજ્યમાં આજે કુલ નવા પોઝિટીવ કેસની સંખ્યા (બપોરે 2 વાગ્યા સુધીમાં) 68 નોંધાઇ છે જેમાંથી 32 કેસ ઉદયપુરમાં નોંધાયા છે. મહત્તમ કેસ જયપુર અને જોધપુરમાં છે જ્યારે ઉદયપુર હવે ત્રીજા સ્થાને આવી ગયું છે. રાજસ્થાનમાં કેસ બમણા થવાનો દર હવે 18 દિવસ થઇ ગયો છે જ્યારે સાજા થવાનો દર પ્રોત્સાહજનક 60 ટકા નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,988 કોવિડ-19ના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 1551 સક્રિય કેસ છે જ્યારે 2059 દર્દી સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
● મધ્યપ્રદેશ: ગઇકાલે રાજ્યમા નવા 171 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસનો કુલ આંકડો વધીને 3785 સુધી પહોંચી ગયો છે. નવા નોંધાયેલામાંથી 30 કેસ ભોપાલમાં અને 81 કેસ ઇન્દોરમાં નોંધાયા છે.
● ગોવા: ગોવામાં લૉકડાઉનના પ્રતિબંધોમાં વધુ કેટલીક છુટછાટો આપવામાં આવે તેવી આશા છે જેમાં ખાસ કરીને, આંતરરાજ્ય જાહેર પરિવહન શરૂ થાય તેવી શક્યતા છે કારણ કે, મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 17 મે પછી લૉકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થયા પછી કરચલા ઉપાડવા પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું છે. ગોવામાં હાલમાં કોવિડના કોઇ સક્રિય કેસ નથી.
● અરુણાચલ પ્રદેશ: આરોગ્યમંત્રીએ આજે નહારલાગુન ખાતે બીજા કોવિડ-19 પરીક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું; અહીં TRUENAT દ્વારા પરીક્ષણો કરવામાં આવશે.
● આસામ: આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના સમયમાં નર્સોએ અગ્ર હરોળના યોદ્ધા તરીકે સંપૂર્ણ સમર્પણ સાથે અને અવિરત સેવા આપી છે તેના કારણે તેમણે કોરોના વાયરસ સામેની લડાઇમાં કરોડરજ્જૂ તરીકે ભૂમિકા નિભાવી છે.
● મણીપૂર: સરકારે બહારથી પરત ફરી રહેલા લોકો માટે દરેક જિલ્લામાં સેન્ટ્રલાઇઝ સ્ક્રિનિંગ સિસ્ટમ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જેમનામાં લક્ષણો નથી દેખાતા તેવા તમામ બહારથી આવનારા મુસાફરોને ફરજિયાતપણે સત્તાવાર કેન્દ્રોમાં 14 દિવસ સુધી ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે. તેમને તાવ જેવા લક્ષણો દેખાય તેવા લોકોને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવશે અને તેઓ સતત દેખરેખ હેઠળ રહેશે.
● મિઝોરમ: મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તમામ ફસાયેલા મિઝો નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરશે, સરકારના વિવિધ પગલાંમા સહકાર આપવાની વિનંતી કરી.
● નાગાલેન્ડ: દીમાપુરમાં એકી- બેકી નંબર પ્લેટ અનુસાર વાહન ચલાવવાનો નિયમ લાગુ થયાના પહેલા દિવસે 746 વાહનોને દંડ ફટકારીને તેમની પાસેથી 1.41 લાખ રૂપિયાની રકમ દંડ પેટે લેવામાં આવી.
● સિક્કીમ: બ્લેક કેટ ડિવિઝન GOC મેજર, આર. સી. તિવારીએ સિક્કીમના રાજ્યપાલને કૉલ કરીને તેમને સૈન્ય દ્વારા લેવામાં આવેલા સલામતી પ્રોટોકોલના સાવચેતીના પગલાંના પાલન વિશે જાણકારી આપી હતી. તેમના આ અનુપાલનના કારણે જ સિક્કીમમાં સશસ્ત્રદળોમાં અત્યાર સુધી કોઇપણ કર્મચારી કે જવાનમાં કોવિડ-19નો પોઝિટીવ કેસ નોંધાયો નથી.