નવી દિલ્હી, 16 મે 2020
આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો
આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને ઓડિયા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા લેવામાં આવેલા પગલાંઓની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 30,150 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 2233 દર્દીઓ સાજા થયા છે. આ આંકડો 35.09% સાજા થવાનો દર બતાવે છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 85,940 નોંધાઇ છે. ભારતમાં ગઇકાલથી અત્યાર સુધીમાં, 3970 નવા કેસો નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કોવિડ-19 વિરુદ્ધ લડતમાં ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ‘ આત્મનિર્ભર ભારત અભિયાન’ની ચોથી કડી અંગે વિસ્તૃત જાણકારી આપી
નાણાં મંત્રીએ કૃષિ ક્ષેત્રે માળખાકિય સુવિધાઓ, લોજીસ્ટીક્સ, ક્ષમતા નિર્માણ, શાસકિય અને વહિવટી સુધારા તથા કૃષિ, માછીમારી અને ફૂડ પ્રોસેસીંગ સેક્ટરને મજબૂત કરવાનાં પગલાંઓની જાહેરાત કરી
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ત્રીજી કડીની જાહેરાતોમાં ખેતી, માછીમારી અને ફૂડ પ્રોસેસીંગ સેક્ટરને મજબૂત બનાવવા માટે દેશમાં માળખાગત સુવિધાઓ, લોજીસ્ટીક્સ, ક્ષમતા નિર્માણ, શાસકીય અને વહિવટી સુધારા કરવા માટેની જાહેરાત કરી છે. આમાં ખેડૂતો માટે રૂ.1000 કરોડના ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત; માઈક્રો ફૂડ એકમોના ઔપચારિકરણ માટે રૂ.10,000 કરોડની યોજના; પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) મારફતે માછીમારોને રૂ.20,000 કરોડની સહાય; રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ; રૂ.15,000 કરોડનું પશુ પાલન માળખાગત વિકાસ ફંડ સ્થપાશે; રૂ.4,000 કરોડના ખર્ચે હર્બલ વાવેતરને પ્રોત્સાહન; રૂ.500 કરોડ મધમાખી ઉછેર માટે ખર્ચાશે; ફ્રોમ ટોપ ટુ ટોટલ માટે રૂ.500 કરોડ સામેલ છે. આ ઉપરાંત, કૃષિ ક્ષેત્રમાં શાસકિય અને વહિવટી સુધારાના પગલાં લેવાશે; ખેડૂતોને બહેતર ભાવ મળી રહે તે માટે આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારા કરવામાં આવશે; ખેડૂતોને માર્કેટીંગની પસંદગી મળી રહે તે માટે ખેત બજાર સુધારા કરવામાં આવશે; ખેત પેદાશોની કિંમત અને ગુણવત્તાની ખાત્રી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ભારતના સૌથી ગરીબ લોકોને કોવિડ-19 સામે સુરક્ષા પ્રદાન કરવા માટે વિશ્વ બેંકમાંથી 1 અબજ ડૉલરની સહાય મળશે
ભારત સરકાર અને વિશ્વ બેંકે ભારતના કોવિડ-19 સામાજિક સુરક્ષા પ્રતિક્રિયા કાર્યક્રમ અંતર્ગત ગરીબ લોકો, નિઃસહાય પરિવારો અને કોવિડ-19 મહામારીના કારણે અત્યંત વધુ અસરગ્રસ્ત થયેલા લોકોને સામાજિક અંતર જાળવવાના ભારતના પ્રયાસોમાં મદદ કરવા માટે 1 અબજ ડૉલરની આર્થિક સહાયના ભાગરૂપે 750 મિલિયન ડૉલરની મંજૂરી માટે હસ્તાક્ષર કર્યા છે. ભારતમાં કોવિડ-19 સામે ઇમરજન્સી પ્રતિક્રિયા માટે વિશ્વ બેંકે ભારતને 2 અબજ ડૉલરની સહાયનું વચન આપ્યું છે. 1 અબજ ડૉલરની સહાય કરવાની જાહેરાત ગયા મહિને ભારતના આરોગ્ય ક્ષેત્રને તાત્કાલિક સહાયના આશયથી કરવામાં આવી હતી.
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત રૂ. 90,000 કરોડનું પેકેજ આપવા સંબંધે પત્ર લખ્યો
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોનો મોકલવામાં આવેલા પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે, REC અને PFC તાત્કાલિક એવી DISCOMને લોન આપશે જેને UDAY અંતર્ગત સૂચવવામાં આવેલી કાર્યકારી મૂડીની મર્યાદામાં વધુ ધિરાણ લેવાનો અવકાશ હોય. વધુમાં, જે DISCOMની પાસે UDAY અંતર્ગત કાર્યકારી મૂડી મર્યાદામાં વધુ ધિરાણ લેવાનો અવકાશ ન હોય પરંતુ રાજ્ય સરકારો પાસેથી વીજળની બાકી રકમ અને સબસિડી રૂપે નાણાં લેવાના બાકી હોય અને તે અત્યાર સુધી ન ચુકવાયા હોય તો તેઓ પણ રાજ્ય સરકાર પાસેથી લેવા પાત્ર નાણાંને ધ્યાનમાં રાખીને આ લોન લેવા માટે યોગ્યતા ધરાવશે.
મોદી સરકારનો વિશ્વાસ – ખેડૂત કલ્યાણથી જ ભારત કલ્યાણ; ખેડૂત સશક્ત હશે તો દેશ આત્મનિર્ભર બનશે: શ્રી અમિત શાહ
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “મોદી સરકારને વિશ્વાસ છે કે ખેડૂતોનું કલ્યાણ થશે તો તેમાં ભારતનું કલ્યાણ સમાયેલું છે. આજે ખેડૂતોને આપવામાં આવેલી અભૂતપૂર્વ સહાય મોદીજીની ખેડૂતોને સશક્ત બનાવીને દેશને આત્મનિર્ભર કરવાની દૂરંદેશી બતાવે છે.” તદઅનુસાર, વિપરિત પરિસ્થિતિઓમાં પણ ખેડૂતો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ દાખવેલી આ સંવેદનશીલતા સમગ્ર દુનિયા માટે અનુકરણીય છે.
કોવિડ-19 સામેની લડતમાં ભારતીય અર્થવ્યવસ્થાને ટેકારૂપ બનવા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેર કરાયેલાં અનેક પગલાંઓને શ્રી મનસુખ માંડવિયાનો આવકાર
શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે નાણાંમંત્રીએ અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં જાહેર કરેલી વિગતો ભારતીય અર્થવ્યવસ્થા અને કોવિડ-19 મહામારી સામે બહાદુરીપૂર્વક લડત આપી રહેલા દેશના નાગરિકોને ઘણા ઉન્નત બનાવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પરપ્રાંતીય શ્રમિકો ચાલતા વતન ન જાય અને સરકાર દ્વારા દોડાવવામાં આવતી બસો તેમજ વિશેષ શ્રમિક ટ્રેનોના માધ્યમથી જ તેમને વતન મોકલવાનું સુનિશ્ચિત કરવા કહ્યું
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવ્યું હતું કે, પરપ્રાંતીય શ્રમિકો માર્ગો અને રેલવેના પાટા પર ચાલતા વતન ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવે. આ પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે, રેલવે મંત્રાલય દરરોજ 100થી વધુ ‘શ્રમિક વિશેષ’ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે અને જરૂરિયાત અનુસાર વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવા માટે પણ તૈયાર છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ આ વ્યવસ્થાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઇએ અને શ્રમિકો સાથે એવો પણ પરામર્શ કરવો જોઇએ કે, તેઓ ચાલતા મુસાફરી કરવાનું સદંતર ટાળે, તેમની મુસાફરી સુવિધાજનક બનાવવા માટે સરકાર દ્વારા વિશેષરૂપે બસો/ રેલવે દોડાવવામાં આવે છે તેના માધ્યમથી જ તેઓ મુસાફરી કરે.
PMGKY અંતર્ગત PMUY લાભાર્થીઓને અત્યાર સુધીમાં રાંધણગેસ 6.28 કરોડ સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા; રૂપિયા 8432 કરોડ PMUY લાભાર્થીઓના બેંક ખાતાંઓમાં ટ્રાન્સફર કરાયા
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે PMUY લાભાર્થીઓ, ગેસ વિતરકો અને OMCના અધિકારીઓ સાથે વેબિનારના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, PMUYએ ચાર વર્ષની સફર ઘણી સફળતાપૂર્વક પૂરી કરી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શરૂઆતના કટોકટીના દિવસોમાં મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જાહેર કરી હતી જેમાં PMUY લાભાર્થીઓને ત્રણ મહિના સુધી વિનામૂલ્યે રાંધણગેસના સિલિન્ડર આપવાની જોગવાઇ પણ સામેલ છે. રૂ. 8432 કરોડથી વધુ રકમ આ યોજનાના લાભાર્થીઓના ખાતાંમાં એડવાન્સ જમા કરાવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 6.28 કરોડ PMUY લાભાર્થીઓએ વિનામૂલ્યે ગેસ સિલિન્ડર મેળવ્યા છે. PMUY લાભાર્થીઓએ અભૂતપૂર્વ કટોકટીના સમયમાં સરકારે તેમની જે પ્રકારે સંભાળ લીધી તે બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
15મીની મધ્યરાત્રી સુધીમાં એટલે કે 15 દિવસમાં 14 લાખથી વધુ ફસાયેલા લોકોને પાછા તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા
15 મે 2020ની મધ્યરાત્રી સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં રેલવે દ્વારા કુલ 1074 “શ્રમિક વિશેષ” ટ્રેનોનું પરિચાલન કરવામાં આવ્યું છે. આ ટ્રેનોમાં છેલ્લા 15 દિવસમાં કુલ 14 લાખથી વધુ ફસાયેલા લોકોને તેમના વતન રાજ્યમાં પરત મોકલવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દરરોજ 2 લાખથી વધુ મુસાફરોનું પરિવહન કરવામાં આવે છે. આવનારા દિવસોમાં, મુસાફરોના દૈનિક પરિવહનનો આંકડો વધીને 3 લાખ પહોંચવાની અપેક્ષા છે. આ 1074 શ્રમિક વિશેષ ટ્રેનો દેશના વિવિધ રાજ્યોમાંથી રવાના કરવામાં આવી રહી છે.
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 8 કરોડ વિસ્થાપિત શ્રમિકો અને તેમના પરિવારોને વિનામૂલ્યે ખાદ્યાન્ન આપવામાં આવશે
ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે ઉભી થયેલી આ મુશ્કેલીના સમયમાં વિસ્થાપિત શ્રમિકોની પીડા ઓછી કરવા અને તેમના પરિવારોને ખાદ્યાન્નનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, 8 LMT ખાદ્યાન્નનો જથ્થો રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાળવી દેવામાં આવ્યો છે અને આવા વિતરણ માટે રાજ્યો સુધી પરિવહન, ડીલરોનો નફો વગેરે સહિત તમામ ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. તેમણે જણાવ્યું હતું કે, ઑગસ્ટ 2020 સુધીમાં 23 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજના અંતર્ગત આવી જશે.
RERAના અસરકારક અમલીકરણથી ખરીદદારો અને વેચનારાઓ વચ્ચે ફરી વિશ્વાસ સ્થાપિત થશે: હરદીપ એસ પુરી
આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ એસ સુરીએ જણાવ્યું હતું કે, RERAનો એક મુખ્ય ઉદ્દેશ્ય ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાનો છે અને આ વિશ્વાસ માત્રને માત્ર RERAના અસરકારક અમલીકરણ દ્વારા ફરી સ્થાપિત થઇ શકે છે. કોવિડ-19 મહામારીના કારણે વર્તમાન સમયમાં આવેલા પડકારો અને રીઅલ એસ્ટેટ ક્ષેત્ર પર તેની અસરો અંગે બોલતા મંત્રીશ્રીએ અવલોકન કર્યું હતું કે, કોવિડ-19ના કારણે રીઅલ એસ્ટેટ ક્ષેત્ર પર ઘણી ઊંડી અસર પડી છે અને તેના કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ થઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, લૉકડાઉનના પ્રારંભિક સમયગાળા દરમિયાન, બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, સરકારે કેટલાક ચોક્કસ માપદંડોનો અમલ કરીને 20 એપ્રિલ 2020થી બાંધકામની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી છે.
ઓપરેશન સમુદ્ર સેતુ તબક્કો- 2: INS જલશ્વ ભારતીય નાગરિકોને લઇને માલેથી રવાના થયું
ભારતીય નૌસેનાનું જલશ્વ જહાજ 15 મે 2020ના રોજ 588 ભારતીય નાગરિકો સાથે માલદીવ્સના માલે બંદરથી ભારત આવવા માટે રવાના થયું છે. વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશન સમુદ્ર સેતુમાં ભારતીય નૌસેના યોગદાનરૂપે આ કામગીરી કરવામાં આવી છે. આ જહાજમાં સવાર 588 ભારતીય નાગરિકોમાં છ ગર્ભવતી મહિલા અને 21 બાળકો પણ છે. આ જહાજ આજે સવારે માલદીવ્સના માલેથી કોચી આવવા માટે રવાના થયું છે.
HRD મંત્રીએ “મહામારી અને લૉકડાઉનની સાઇકો-સોશિયલ અસરો અને તેનો સામનો કરવાની રીતો” શીર્ષક પર સાત પુસ્તકોનું ઇ-લોન્ચિગ કર્યું
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ “મહામારી અને લૉકડાઉનની સાઇકો-સોશિયલ અસરો અને તેનો સામનો કરવાની રીતો” શીર્ષકથી સાત પુસ્તકોની પ્રિન્ટ અને ઇ-આવૃત્તિનું ઇ-લોન્ચિગ કર્યું છે. કોરોના પર કરવામાં આવેલા અભ્યાસની શ્રેણી અંતર્ગત NBT ઇન્ડિયા દ્વારા આ પ્રકાશન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં દુનિયા જે ભીષણ સંજોગોનો સામનો કરી રહી છે તેનો પ્રતિકાર કરવા માટે NBT આ નોંધપાત્ર અને અજોડ પુસ્તકોનો સેટ લાવ્યું છે અને મને આશા છે કે આ પુસ્તકો મોટી સંખ્યામાં લોકોને માનસિક સુખાકારીમાં વૃદ્ધિ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.”
કોવિડ-19નો સામનો કરવા માટે વૈજ્ઞાનિકોએ મોબાઇલ ઇન્ડોર ડિસઇન્ફેક્શન સ્પ્રેયર તૈયાર કર્યું
આ સ્પ્રેયર મોપિંગની સુવિધાથી પણ સજ્જ છે અને તેનો હાથો લંબાવી શકાય છે જેથી હાથ ન પહોંચે તેવા અંદરના ભાગોમાં પણ વ્યાપક સફાઇ થઇ શકે. વર્તમાન કોવિડ-19 કટોકટી પછી પણ આ ટેકનોલોજી ઉપયોગમાં આવે તેવી છે.
CSIR એ કોવિડ-19નો સામનો કરવા માટે નિદાનાત્મક ઉકેલો વિકસાવવા અને જોખમ સ્તરીકરણ વ્યૂહનીતિઓ ઘડવા માટે ઇન્ટેલ ઇન્ડિયા અને IIIT- હૈદરાબાદ સાથે જોડાણ કર્યું
ફિલ્ડ ઇનપુટ્સ
● આસામ: ગુવાહાટીમાં આલુ ગોદામ કેસ સાથે સંકળાયેલી વધુ બે વ્યક્તિને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાનું આસામના આરોગ્ય મંત્રીએ ટ્વીટ કરી હતી.
● મણીપૂર: મણીપૂરમાં RIMS અને JNIMS હોસ્પિટલોમાં કોવિડ-19ના પરીક્ષણોની ક્ષમતા વધારવા માટે TRUENAT મશીનો લગાવવામાં આવ્યા છે. રાજ્યમાં બે સક્રિય કેસોની સ્થિતિ અત્યારે સ્થિર છે. આ બંનેના નજીકના સંપર્કમાં આવેલા લોકો અવલોકન હેઠળ છે.
● મિઝોરમ: મિઝોરમમાં ચર્ચોના હૉલને ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં રૂપાંતરિત કરવાની રાજ્ય સરકારની વિનંતી ચર્ચોએ સ્વીકારી છે અને તેઓ પોતાના ભંડોળનો ઉપયોગ કરીને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન દરમિયાન લોકોને ભોજન સહિત તમામ સુવિધા આપશે.
● નાગાલેન્ડ: બેંગલુરુથી આવેલી નાગા છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને પરિણામની રાહ જોવાઇ રહી છે. દીમાપુરના DCએ કોવિડ-19ના ઉપદ્રવ વચ્ચે ગુટખા અને તમાકુના ઉત્પાદનોના વેચાણ પર તેમજ જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધના આદેશ આપ્યા છે
● સિક્કિમ: અન્ન અને જાહેર પૂરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોના આધારે દુકાનોમાં ખાદ્યચીજોના વેચાણ પર વધુ પડતા ભાવોની વસુલાત પર દેખરેખ રાખે છે.
● કેરળ: આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ સંક્રમણનો ત્રીજો તબક્કો જોખમી છે અને નાની એવી બેદરકારી અથવા ભૂલથી પણ કોવિડ-19ના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. રાજ્યમાં કોવિડના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોવાથી નિષ્ણાતોએ મંતવ્ય આપ્યું છે કે, કોરોના વાયરસની નવી પ્રજાતિનો હુમલો હોવાની શક્યતા છે કારણ કે તેનું આનુવંશિક પરિવર્તન થયું હોઇ શકે છે; ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હોવાથી પણ સંક્રમણના દરમાં વૃદ્ધિ થઇ છે. આ સંક્રમણ ચેન્નઇથી આવેલા એક જ દર્દીમાંથી ફેલાયું છે અને 15 વ્યક્તિમાં આ બીમારી ફેલાઇ ગઇ છે. રાજ્યમાં ગઇકાલે વધુ 16 કેસો નોંધાયા છે. વાયનાડમાં સૌથી વધુ 19 કેસો સાથે હજુ પણ ત્યાં ચિંતાની સ્થિતિ યથાવત છે. જિલ્લામાં એક પંચાયત સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન, વંદે ભારત 2.0 અભિયાન અંતર્ગત અખાતી દેશોમાંથી વધુ ત્રણ ફ્લાઇટ આજે રાત્રે ભારતીયોને લઇને આવી રહી છે. કેરળે દિલ્હીમાં ફસાયેલા કેરળવાસીઓને પરત મોકલવા માટે ટ્રેન આવવા દેવા દિલ્હી સરકારને NOC આપ્યું છે.
● તામિલનાડુ: ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે 12,000થી વધુ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેથી પરીક્ષાખંડોમાં સામાજિક અંતરના માપદંડોનું પાલન થાય અને માત્ર 10 વિદ્યાર્થીઓને જ દરેક હોલમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે તેમ રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. લૉકડાઉન દરમિયાન દારુના વેચાણના તમામ આઉટલેટ બંધ કરવાના મદ્રાસ ઉચ્ચ અદાલતના આદેશ પર સર્વોચ્ચ અદાલતે મનાઇહુકમ આપ્યા પછી ચેન્નઇ, તિરુલ્લુર અને ચેપગ્રસ્ત ઝોન સિવાય સમગ્ર તામિલનાડુમાં દારુની દુકાનો ફરી શરૂ કરવામાં આવી. રાજ્યમાં 434 નવા પોઝિટીવ કેસો નોંધાયા હોવાથી શુક્રવારે કુલ કોવિડ દર્દીઓની સંખ્યા 10,000થી વધી ગઇ છે. અત્યારે સક્રિય કેસોની સંખ્યા 7434, મૃત્યુ -71, સાજા થયેલાની સંખ્યા 2240 છે જ્યારે માત્ર ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 5637 છે.
● કર્ણાટક: રાજ્યના મુખ્યમંત્રીએ આજે અનુદાન વગરની શિક્ષણ સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી અને તેમને કહ્યું હતું કે, લૉકડાઉનના સમયગાળા માટે તમામ શિક્ષકોને પૂરો પગાર ચુકવવામાં આવે. દરમિયાન, ઉદ્યોગ મંત્રીએ ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, તેઓ નવા માપદંડો સાથે અનુકૂલન કરીને સંપૂર્ણપણે ઉદ્યોગો ફરી શરૂ કરે. રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોવિડ-19ના નવા 23 કેસ નોંધાયા છે; બેંગલોરમાં 14, હસ્સનમાં 3 અને માંડ્યા, બાગલકોટ, ઉપુડી, દેવનાગેરે, ધારવાડ તેમજ બેલ્લારીમાં એક-એક કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1079 થઇ છે. સક્રિય કેસની સંખ્યા 548 છે જ્યારે 494 દર્દી સાજા થાય છે. કુલ 36 દર્દી અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે.
● આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકારે દારૂના ગેરકાયદેસર પરિવહન અને ઉત્પાદન તથા રેતીના ગેરકાયદેસર પરિવહનને રોકવા માટે વિશેષ પ્રવર્તન બ્યૂરો (દારૂ અને રેતી)ની રચના કરી છે. સરકાર તરફથી કોઇ પરવાનગી ન મળતાં APSRTCએ હૈદરાબાદથી આંધ્રપ્રદેશના જુદા-જુદા સ્થાનો પર બસ સેવાઓ મુલતવી રાખી છે. રાજ્ય સરકારે રેડ ઝોન વિસ્તારમાં રહેતા પરિવારોને આવશ્યક ચીજ-વસ્તુઓ અને અન્ય સામગ્રીનું વિતરણ કર્યુ હતું. ગત 24 કલાકમાં 9,628 સેમ્પલના ટેસ્ટિંગ બાદ 48 નવા કેસ નોંધાયાં હતાં અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે 101 લોકોને રજા આપવામાં આવી હતી. અન્ય રાજ્યોમાંથી પાછા ફરેલા લોકોમાંથી 150 પોઝિટીવ કેસ નોંધાયાં હતાં. કુલ કેસોની સંખ્યા 2,205 પર પહોંચી છે, જેમાંથી 803 કેસો સક્રિય છે અને 1,353 લોકો સાજા થયા છે, જ્યારે 49 મૃત્યુ નીપજ્યાં છે. (ઓડિશાઃ 10, મહારાષ્ટ્રઃ 101, ગુજરાતઃ 26, કર્ણાટકઃ 1, પશ્ચિમ બંગાળઃ 1, રાજસ્થાનઃ 11). પોઝિટીવ કેસોની સૌથી વધારે સંખ્યા ધરાવતાં જિલ્લાઓમાં કુર્નૂલ (608), ગુંતૂર (413) અને ક્રિશ્ના (367)નો સમાવેશ થાય છે.
● તેલંગણાઃ વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની બચાવ કામગીરીના ભાગરૂપે અમેરિકાના નેવાર્કમાંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી મારફતે હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે 121 મુસાફરો સાથે આવી પહોંચી હતી. 15મી મેના રોજ તેલંગણામાં કુલ 1,454 કેસો નોંધાયાં હતાં. અત્યાર સુધી કુલ 959 કેસો નોંધાયાં હતાં, જ્યારે 461 કેસો સક્રિય છે અને 34 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં.
● મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 1,576 કેસો નોંધાયાં હતા, જેના કારણે કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 29,100 પર પહોંચી ગઇ છે. હાલમાં તાજેતરમાં પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર રાજ્યમાં 21,467 કેસો સક્રિય છે. મહારાષ્ટ્ર સરકારે કોરાના ચેપ અને સારવાર સંબંધે સરકારની સાથે સાથે ખાનગી હોસ્પિટલ સાથે સંકલન કરવા માટે મુખ્ય સચિવ અને કલેક્ટરના નેતૃત્વ હેઠળ અનુક્રમે રાજ્ય સ્તરીય અને જિલ્લા સ્તરીય સમિતિઓનું ગઠન કર્યુ છે. તેઓ આરોગ્ય કર્મચારીઓની સામાજિક સલામતી ઉપર પણ દેખરેખ રાખશે.
● ગુજરાતઃ કોવિડ-19ના નવા 340 કેસો નોંધાતાં રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 9,931 પર પહોંચી ગઇ છે. આજે અમદાવાદમાંથી 261 પોઝિટીવ કેસ નોંધાયાં હતાં. સુરતમાં 2000થી વધારે પાવર લૂમ્સ એકમોએ કામગીરી શરૂ કરી છે. વેપારીઓ લોકડાઉન 4 દરમિયાન બજાર ફરી ખોલવાની આશા રાખી રહ્યાં છે.
● રાજસ્થાનઃ આજે બપોરે 2 વાગ્યાં સુધી રાજ્યમાં કોવિડ-19ના નવા 177 કેસો નોંધાયાં હતાં. આ પોઝિટીવ નોંધાયેલા કેસોમાંથી 122 કેસો જયપુરમાંથી, જ્યારે 21 કેસો દુર્ગાપુરમાંથી નોંધાયાં હતાં. આ સાથે જ રાજ્યમાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 4,924 પર પહોંચી ગઇ છે ત્યારે 2,785 લોકો સાજા થયા છે અને 2,480 દર્દીઓને આજદિન સુધી રજા આપવામાં આવી છે.
● મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં કોવિડ-19 નવા 169 કેસો નોંધાતાં પોઝિટીવ કેસોની સંખ્યા 4,595 ઉપર પહોંચી ગઇ છે. આ પોઝિટીવ નોંધાયેલા કેસોમાંથી 69 કેસો હોટસ્પોટ ઇન્દોરમાંથી નોંધાયાં છે. ગઇકાલે 112 દર્દીઓ સાજા થયા હતા. તાજેતરમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યમાં હજુ પણ 2,073 કેસો સક્રિય છે. અત્યાર સુધી જુદા-જુદા રાજ્યોમાંથી 3.12 લાખ વિસ્થાપિત શ્રમિકો પરત ફર્યા છે. આમાંથી 86 હજાર શ્રમિકો 72 ટ્રેનો મારફતે પરત ફર્યા છે, જ્યારે બાકીના બે લાખ 26 હજાર શ્રમિકો બસ અને પરિવહનના અન્ય માધ્યમો થકી પાછા ફર્યા છે.
● ગોવાઃ રાજ્યમાં પાછા ફરેલા 154 ગોવાના દરિયાઇ મુસાફરોને વાસ્કો-દ-ગામા ખાતે 4 હોટલમાં ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર માર્ગેઓમાં ESI હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ 8 કોવિડ-19 પોઝિટીવ દર્દીઓ સારવારના કારણે ઝડપથી સાજા થઇ રહ્યાં છે.