દિલ્હી 19 મે 2020
પરપ્રાંતીય શ્રમિકો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે વધુ ટ્રેનો દોડાવવા માટે રાજ્યો અને રેલવે વચ્ચે સક્રિયતાપૂર્વક સંકલન થવું જરૂરી છે; જિલ્લા સત્તામંડળો અવશ્યપણે તેમની જરૂરિયાતો અંગે રેલવેને જાણ કરે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો સાથે થયેલા સંદેશાવ્યવહારમાં ટાંક્યું હતું કે, કોવિડ-19નો ચેપ લાગવાનો ડર અને આજીવિકા જતી રહેવાની આશંકા આ બે મુખ્ય પરિબળોના કારણે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન રાજ્યમાં જવા માટે પ્રેરાઇ રહ્યા છે. પરપ્રાંતીય શ્રમિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે, આ સંદેશાવ્યવહારમાં રાજ્ય સરકારો લઇ શકે તેવા સંખ્યાબંધ પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો અને કેન્દ્ર સાથે સક્રિયતાપૂર્વક સંકલન કરવાનું જણાવવામાં આવ્યું હતું. આમાં સામેલ છે – વધુ બસો દોડવવી જેથી સમગ્ર રાજ્યોમાં અને એકબીજા રાજ્યોમાં સરળતાથી પરિવહન સુનિશ્ચિત થઇ શકે; ચાલતા જતા લોકોને બસ/ રેલવે સ્ટેશને પહોંચવા માટે માર્ગદર્શિત કરવામાં આવે અને ત્યાં સુધીના રસ્તામાં મૂળભૂત સુવિધાઓ સાથે વિશ્રામની જગ્યાઓ બનાવવી; ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું: અફવાઓ દૂર કરો, ટ્રેન/ બસોના પ્રસ્થાન અંગે સ્પષ્ટતા કરો.
ફસાયેલા કામદારોને ટ્રેન દ્વારા આવનજાવન સંબંધિત પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તા. 17.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલી લૉકડાઉનના માપદંડો અંગેની સુધારેલી માર્ગદર્શિકાના અનુસંધાનમાં ફસાયેલા કામદારોને ટ્રેનો દ્વારા મુસાફરી સંબંધે સુધારેલા પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા છે.
ડૉ હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 73મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં ભાગ લીધો
કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ભારત દ્વારા લેવામાં આવેલા સમયસર, તબક્કાવાર અને સક્રિય પગલાં પર પ્રકાશ પાડતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત તમામ જરૂરી પગલાં સમયસર લીધા છે જેમાં પ્રવેશ સ્થળોઓ દેખરેખ, વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની કામગીરી, મજબૂત બીમારી દેખરેખ નેટવર્ક દ્વારા વ્યાપક સામુદાયિક દેખરેખ, અગ્ર હરોળમાં સેવા આપી રહેલા 20 લાખથી વધુ કર્મચારીઓનું ક્ષમતા નિર્માણ, જોખમ અંગે કમ્યુનિકેશન અને સામુદાયિક સહભાગીતા વગેરે પણ સામેલ છે. મને લાગે છે કે, અમે ઘણું સારું કામ કર્યું છે. અમે સતત શીખી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે આગામી મહિનાઓમાં અમે વધુ બહેતર કામ કરી શકીશું.
કેન્દ્રીય HRD મંત્રીની સલાહ અનુસાર, NTA દ્વારા JEE (મેઇન) 2020નું ફોર્મ ઑનલાઇન જમા કરાવવા માટે છેલ્લી તક આપવામાં આવી.
કોવિડ-19ના કારણે હાલમાં ઉભા થઇ રહેલા સંજોગોને ધ્યાનમાં રાખીને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ વિદેશમાં કોલેજમાં જોડાઇને અભ્યાસ કરવા માંગતા હતા તેમણે હવે ભારતમાં જ આગળ અભ્યાસ ચાલુ રાખવાનું નક્કી કર્યું હોવાની વિવિધ ભારતીય વિદ્યાર્થીઓની રજૂઆતો પ્રાપ્ત થઇ છે અને તેઓ JEE (મેઇન) 2020 પરીક્ષા આપવા માંગે છે તેથી કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ NTAને સલાહ આપી હતી કે, તેઓ આવા વિદ્યાર્થીઓને JEE (મેઇન) 2020માં બેસવા માટે ઑનલાઇન ફોર્મ જમા કરાવવાની એક તક આપે. જે વિદ્યાર્થીઓ એક યા બીજા કારણોસર JEE (મેઇન) 2020 માટે ઑનલાઇન ફોર્મ જમા નથી કરાવી શક્યા અથવા તેમની અરજી પૂર્ણ નથી કરી શક્યા તેવા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ લાગુ થવા પાત્ર રહેશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે પૂર્વોત્તરના રાજ્યો અને જમ્મુ- કાશ્મીરમાં સૈન્ય દ્વારા તબીબી કોવિડ સંબંધિત સહાયની પ્રશંસા કરી
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે પૂર્વોત્તરના રાજ્યો તેમજ જમ્મુ અને કાશ્મીરમાં સૈન્ય દ્વારા તબીબી કોવિડ સંબંધિત સહાયની પ્રશંસા કરી હતી અને આ મહામારીના શરૂઆતના તબક્કામાં જ તૈયારીઓના શરૂઆતના તબક્કામાં નિદાન અને સારવારની સુવિધાઓ વધારવા માટે સશસ્ત્રદળ તબીબી સેવાઓ (AFMS) દ્વારા સક્રિયતાપૂર્વક કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.
MoHUA દ્વારા કચરા મુક્ત શહેરોના સ્ટાર રેટિંગના પરિણામો બહાર પાડવામાં આવ્યા
આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ એસ. પુરીએ માહિતી આપી હતી કે, 2019-2020 આકારણી વર્ષ માટે કુલ છ શહેરો (અંબિકાપુર, રાજકોટ, સુરત, મૈસુર, ઇન્દોર અને નવી મુંબઇ)ને 5-સ્ટાર તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે, 65 શહેરોને 3-સ્ટાર તરીકે અને 70 શહેરોને 1-સ્ટાર તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે. કોવિડ કટોકટીને ધ્યાનમાં રાખીને MoHUA દ્વારા તમામ રાજ્યો અને શહેરો માટે સાર્વજનિક સ્થળોએ વિશેષ સફાઇ માટે તેમજ ક્વૉરેન્ટાઇન વિસ્તારોમાં ઘરોમાંથી કચરાના એકત્રીકરણ અને બાયો-મેડિકલ કચરાના નિકાલ માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. MoHUA દ્વારા એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ તેના અત્યંત લોકપ્રિય લોક ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સ્વચ્છતા એપમાં સુધારો કરવામાં આવ્યો હતો જેથી લોકો કોવિડ-19 સબંધિત પ્રશ્નોનું તેમના સંબંધિત ULB દ્વારા પણ નિરાકરણ લાવી મેળવી શકે.
મધર ડેરી લૉકડાઉન વચ્ચે પણ વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારમાં ડેરી પૂરવઠા સાંકળમાં સ્થિરતા જાળવવા માટે યોગદાન આપી રહી છે
અત્યારે સમગ્ર દેશ કોવિડ-19 મહામારી અને લૉકડાઉનનો સામનો કરી રહ્યો છે ત્યારે, ખાદ્યચીજો અને આરોગ્ય સેવાઓ જેવી આવશ્યક ચીજોની ઉપલબ્ધતા એકધારી જળવાઇ રહે તે મહત્વપૂર્ણ છે. ગ્રાહકો માટે આ વસ્તુઓનો પૂરવઠો જળવાઇ રહે તે મહત્વનું છે ત્યારે; ખેડૂતો માટે પણ, તેમનાથી શરૂ થતી મૂલ્ય સાંકળ જળવાઇ રહે અને પ્રતિબંધો વચ્ચે પણ તેમના ઉત્પાદનોના બજાર ચાલતા રહે તે આવશ્યક છે. આ સંદર્ભમાં આગળની પહેલ કરતા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની મધર ડેરીએ લૉકડાઉન વચ્ચે પણ વિદર્ભ અને મરાઠાવાડામાં પૂરવઠાની સાંકળ સ્થિરતાપૂર્વક જાળવી રાખવામાં યોગદાન આપ્યું છે. નાગપુર શહેરમાં સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલી મધર ડેરી ખેડૂતોને શક્ય હોય તે તમામ પ્રકારે મદદ કરે છે અને વિદર્ભ તેમજ મરાઠાવાડામાં દરરોજ સરેરાશ 2.55 લાખ લીટર દુધની ખરીદી કરે છે.
સાંસ્કૃતિક મંત્રાલયના સંગ્રહાલય અને સાંસ્કૃતિક જગ્યાઓના વિકાસ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે ‘સંગ્રહાલયો અને સાંસ્કૃતિક જગ્યાઓનું પુનરોત્થાન’ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
કોવિડ-19 મહામારીના કારણે સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો પર નોંધપાત્ર પ્રમાણમાં આર્થિક અને સામાજિક અસરો પડશે. અગ્રણી ભારતીય અને વૈશ્વિક સાંસ્કૃતિક સંસ્થાઓ, સર્જનાત્મક વ્યવસાયો, સ્ટાર્ટઅપ અને નીતિ ઘડનારાઓ તેમજ મીડિયા માટે યોજવામાં આવેલા વેબિનારમાં નિષ્ણાતોએ સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગ માટે ભાવિ માર્ગ અંગે ચર્ચા કરી હતી.
દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ મૃત્યુદર 4.1ની સરખામણીએ ભારતમાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ આ દર 0.2 છે; અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 2,350 કોવિડ-19ના દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 39,174 દર્દીઓ કોરોનાને હરાવીને કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આંકડો દેશમાં 38.73% કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. દર્દીઓના સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે. ભારતમાં અત્યારે 58,802 સક્રિય કેસો છે. આ તમામ સક્રિય કેસો અત્યારે તબીબી દેખરેખ હેઠળ છે. સક્રિય કેસોમાંથી માત્ર અંદાજે 2.9% દર્દીઓ ICUમાં સારવાર લઇ રહ્યા છે. ભારતમાં પ્રત્યેક એક લાખ વ્યક્તિ મૃત્યુદર 0.2 નોંધાયો છે જેની તુલનાએ સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ 4.1 વ્યક્તિનાં મૃત્યુ થવાનો દર નોંધાયો છે.
દેશમાં ગઇકાલે 1,08,233 જેટલી વિક્રમી સંખ્યામાં એક જ દિવસમાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 24,25,742 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં ભારતમાં કોવિડ-19ના પરીક્ષણ માટે માત્ર એક જ લેબોરેટરી હતી અને ત્યારબાદ પરીક્ષણની ક્ષમતામાં ઝડપથી વધારો કરવામાં આવ્યો અને અત્યારે દેશમાં કુલ 385 સરકારી લેબોરેટરી તેમજ 158 ખાનગી લેબોરેટરીમાં કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19 માટે સુધારેલી પરીક્ષણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. અગાઉના માપદંડો ઉપરાંત, પરીક્ષણની વ્યૂહરચના વધુ વ્યાપક કરવામાં આવી છે જેમાં કોવિડ-19નો ચેપ ઓછો કરવા માટે અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સામેલ હોય તેવા અગ્ર હરોળના કામદારો, જેમનામાં lLl લક્ષણો જોવા મળ્યા હોય, ઉપરાંત જેઓ પરત આવ્યા હોય તેવા તેમજ વિસ્થાપિતો હોય તેમનામાં બીમારીના 7 દિવસની અંદર lLl લક્ષણો જોવા મળ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને સમાવવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા કાર્યસ્થળે કોવિડ-19નો ફેલાવો નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક માપદંડોની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેથી જો આવી જગ્યાએ કોવિડ-19ની કોઇ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલી વ્યક્તિ મળી આવે તો તેની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારીની સ્થિતિમાં ડેન્ટલ પ્રોફેશનલો માટે પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કારણ કે, ડેન્ટિસ્ટ્સ, આનુષંગિક સ્ટાફ અને દર્દીઓને એકબીજાને ચેપ લાગવાનું ખૂબ જ જોખમ હોય છે.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
ચંદીગઢ: લૉકડાઉનના કારણે ચંદીગઢમાં, કેટલાક પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય ફસાયેલા છે. આવા લોકોને સરળતાથી આવનજાવન માટે ચંદીગઢના વહીવટીતંત્રએ તેમની આરામદાયક અને સલામત મુસાફરી માટે વ્યવસ્થાઓ વધારી છે. 18.05.2020ના રોજ નીચે દર્શાવ્યા અનુસાર ફસાયેલા નાગરિકોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી: a) જે 5.00 વાગે 1296 મુસાફરો સાથે એક શ્રમિક વિશેષ ટ્રેન ઉત્તર પ્રદેશના અમેઠી માટે રવાના; b) પંજાબના શ્રીહિન્દથી શ્રમિક વિશેષ ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળના 10 મુસાફરોને મુરશીદાબાદ રવાના કરવામાં આવ્યા. ચંદીગઢથી પંજાબના શ્રીહિન્દ સુધી તેમની મુસાફરી માટે વિશેષ CTU બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પંજાબ: મુખ્યમંત્રીએ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ લુધિયાણા અને IMAS હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે પાયના સ્તરની ભાગીદારીના ભાગરૂપે ટેલિમેડિસિન કાર્યક્રમની શરૂઆત કરી છે જે ભારતમાં કોવિડ-19 સહિત વિવિધ તબીબી સમસ્યાઓ માટે ક્લેવલેન્ડ ક્લિનિક (યુએસએ) માટે ફિઝિશિયન-થી-ફિઝિશિયન વીડિયો કન્સલ્ટેશનની સુવિધા પૂરી પાડે છે. પંજાબ સરકારે રાજ્યમાં જાહેર પરિવહન તંત્રમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીધો છે. બુધવારથી, રાજ્ય પરિવહન અંતર્ગત ચાલતી બસોને મુખ્ય શહેરો અને જિલ્લા હેડક્વાર્ટર વચ્ચે એક સ્થળેથી સીધા જ બીજા સ્થળ સુધી પરિવહન માટે 50% ક્ષમતા સાથે પરિચાલનની મંજૂરી આપવામાં આવી છે. આ બસો એક સ્ટેશનથી રવાના થશે ત્યાં તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કર્યા પછી જ બસમાં બેસાડવામાં આવશે. તમામ મુસાફરો જાહેર પરિવહનમાં સામાજિક અંતરના માપદંડોનું પાલન કરે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે, તમામે માસ્ક પહેરવાનો રહેશે અને ડ્રાઇવર દ્વારા આપવામાં આવતા સેનિટાઇઝરથી હાથ સેનિટાઇઝ કરવાના રહેશે.
હરિયાણા: રાજ્ય સરકારે ખાનગી ડૉક્ટરોને તેમની જરૂરિયાત અનુસાર બહેતર ગુણવત્તાના PPE, N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર સરકારી ભાવથી પૂરા પાડવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, જો કોઇ ખાનગી ડૉક્ટરને કોવિડ-19નો ચેપ લાગે તો તેમની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. કોરોના પછી, રાજ્યમાં આરોગ્ય સેવાઓ, જાહેર આરોગ્ય, બીમારી સંશોધન વગેરેમાં રોકાણ વધારવામાં આવશે. હરિયાણા સરકારે સરકારી શાળાઓને તેમના વહીવટી કામકાજની કચેરી શરૂ કરવા માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ કોવિડ-19ના નિયંત્રણ માટે MoHFW દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોનું ચુસ્ત પાલન કરીને તેમની તાત્કાલિક જરૂરિયાતની અને અનિવાર્ય વહીવટી કામગીરીઓ પૂરી કરી શકે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી કે, રાજ્ય સરકારે પહેલાંથી જ હરિયાણામાં ખાનગી શાળાઓને તેમની વહીવટી કચેરીઓ શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે.
હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાને વિનંતી કરી હતી કે, રાજ્યમાં એક જથ્થાબંધ ડ્રગ પાર્ક ફાળવવામાં આવે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશમાં મહત્વપૂર્ણ મુખ્ય પ્રારંભિક સામગ્રી/દવાના મધ્યસ્થી ઘટકો અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API)ના ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે લાભાદાયી યોજનાઓ જાહેર કરી છે.
કેરળ: KSRTC દ્વારા આવતીકાલથી તમામ જિલ્લામાં સેવાઓ શરૂ કરવામાં આવશે. કન્નુરમાં પોલીસે અંદાજે 100 વિસ્થાપિત શ્રમિકોને રોક્યા જેઓ રેલવે ટ્રેક પર ચાલતા ઉત્તર પ્રદેશ જવા માંગતા હતા. કોઝીકોડના પેરામ્બ્રામાં, દેખાવો કરી રહેલા વિસ્થાપિત શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ગઇકાલે રાત્રે અખાતી દેશોમાંથી આવેલા સાત વિદેશી ભારતીયોમાં કોવિડના લક્ષણો દેખાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વદુ ચાર ફ્લાઇટ અખાતી દેશોમાં ફસાયેલા 700થી વધુ લોકોને લઇને ભારત આવશે. ગઇકાલે નોંધાયેલા 29 નવા કેસોમાંથી મોટાભાગના વિદેશીઓ અને બિન નિવાસી કેરેલિયન છે.
તામિલનાડુ: પુડુચેરીમાં દારુની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે; દારુ ખરીદવા માટે આધારકાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે. મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ફસાયેલા વિસ્થાપિત શ્રમિકો રાજ્યમાં પાછા આવી રહ્યા હોવાથી તેમનામાં કોવિડ-19ના પોઝિટીવ પરીક્ષણો આવી રહ્યા છે. તામિલનાડુમાં ગ્રામીણ વિસ્તારોમાં હેર સલૂનો આજથી ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તામિલનાડુમાં ધોરણ 10 પરીક્ષાઓનું ફરી સમયપત્રક નક્કી કરાયું. હવે 15 જૂનથી 25 જૂન સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં ગઇકાલ સુધીમાં કુલ કેસની સંખ્યા 11,760 થઇ, સક્રિય કેસ: 7270, મૃત્યુ: 81, ચેન્નઇમાં સક્રિય કેસ: 5460.
કર્ણાટક: કર્ણાટકમાં એક જ દિવસમાં વિક્રમી સંખ્યામાં 127 કેસ નોંધાયા જ્યારે ત્રણ દર્દીના મોત નીપજ્યાં. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને હવે 1373 થઇ; સક્રિ કેસ: 802, સાજા થયા: 530, મૃત્યુ: 40. બિન નિવાસી કન્નડ લોકોને તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી રાજ્યમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા રાજ્ય સરકાર પ્રત્યે તેઓ રોષે ભરાયા; છેલ્લે નોંધાયેલા કેસોમાંથી 50% કેસો અન્ય રાજ્યોમાંથી પરત આવેલા લોકોમાં નોંધાયેલા છે. કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસેથી ઇન્ટરસિટી વિશેષ ટ્રેનો શરૂ કરવાની માંગણી કરી.
આંધ્રપ્રદેશ: મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યએ કોવિડ-19 સામેના સુરક્ષાત્મક પગલાંમાં જરાય પણ ચૂક કર્યા વગર અર્થતંત્ર ફરી શરૂ કરવા પર ધ્યાન આપવું જોઇએ. રાજ્યમાં વિક્રમી 53.44 ટકા સાજા થવાનો દર નોંધાયો જે દેશમાં સરેરાશ દર 32.9 ટકાની તુલનાએ ઘણો વધારે છે. છેલ્લા 24 કલાકમાં 9739 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં 57 નવા પોઝિટીવ કેસ નોંધાયા અને બે દર્દીના મૃત્યુ નીપજ્યા, 69 દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે; અન્ય રાજ્યોમાંથી પાછા આવેલામાંથી 150 દર્દીઓ પોઝિટીવ મળ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2339 થઇ જ્યારે સક્રિય કેસ 691 છે. સાજા થયેલાની સંખ્યા 1596 છે જ્યારે 52 દર્દીઓના મરણ નીપજ્યાં છે.
તેલંગાણા: તેલંગાણામાં લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હોવાથી, RTCની બસોએ આજથી સિકંદરાબાદથી વિવિધ જિલ્લાઓ પરિવહન કામગીરી ફરી શરૂ કરી છે. રાજ્યએ GHMC મર્યાદા સહિત તમામ ઝોનમાં ઘરેલુ સહાયની સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ગઇકાલ સુધીમાં કુલ કેસની સંખ્યા 1,592 થઇ છે. હૈદરાબાદમાં સત્તાધીશો માટે હજુ પણ ચિંતા વધી રહી છે કારણ કે ગઇકાલે વધુ 26 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે 5,000 બેડની હોસ્પિટલ તૈયાર છે.
આસામ: આરોગ્યમંત્રીએ બારપેટા જિલ્લામાં નાયબ આયુક્તો અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાથે બેઠક યોજીને પ્રાદેશિક સ્ક્રિનિંગ કેન્દ્રની કામગીરી અને કોવિડ-19ના પરીક્ષણ તેમજ દર્દીઓની સંભાળમાં વધારો કરવા અંગે ચર્ચા કરી હતી.
મણીપૂર: મણીપૂરમાં 64 વર્ષની એક મહિલા અને નવી દિલ્હીથી આવેલી તેની 23 વર્ષીય પુત્રીને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. રાજ્યમાં કુલ 9 કેસમાંથી 2 સાજા થઇ ગયા છે જ્યારે બાકીના સારવાર હેઠળ છે.
મિઝોરમ: મિઝોરમમાં આવેલી સરકારી કોલાસિબ કોલેજ NSSના સ્વયંસેવકોએ કોલાસિબમાં શાકભાજીના વિક્રેતાઓ અને પોલીસ જવાનો માટે હાથે બનાવેલા 150 માસ્કનું વિતરણ કર્યું હતું. ઐઝવાલની પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી જે મિઝોરમમાં કોવિડ-19ના સક્રિય કેસો અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યો હતો.
નાગાલેન્ડ: નાગાલેન્ડમાં મુસ્લિમો રમઝાન મહિના દરમિયાન ઘરમાં જ રોઝા કરી રહ્યા છે અને લૉકડાઉનના કારણે ઘરે જ ઇદની ઉજવણી કરવાની યોજના બનાવી રહ્યા છે. દીમાપુર ગ્રામ પરિષદે તેમના વિસ્તારમાં સરકારે ઓળખી કાઢેલી જગ્યાઓનો ક્વૉરેન્ટાઇન કેન્દ્રો તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
સિક્કિમ: અંદાજે 1054 ફસાયેલા સિક્કિમવાસીઓને સિક્કિમની સરકાર દ્વારા કર્ણાટક સરકાર સાથે સંકલન કરીને બેંગલોરથી લાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના નવા 2033 કેસ નોંધાયા છે જેથી રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 35,058 થઇ છે. રાજ્યમાં અત્યારે સક્રિય કેસોની સંખ્યા 25,392 છે જ્યારે આજદિન સુધીમાં 8437 દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું તાજેતરના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે ગરીબી રેખાથી ઉપર ઓરેન્જ કાર્ડ ધરાવતા 3.08 કરોડ લોકોને સબસિડીના ભાવે ખાદ્યન્ન આપવાનો નિર્ણય લીધો છે જેમાં મે અને જૂન મહિના માટે વ્યક્તિદીઠ પાંચ કિલો ખાદ્યાન્ન આપવામાં આવશે. વર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિ વચ્ચે, રાજ્ય સરકારે રાજ્યમાં રેશનિંની 52,422 દુકાનોએ ખાદ્યાન્નના વિતરણની કામગીરી શરૂ કરી છે.
ગુજરાત: રાજ્યમાં કોવિડ-19ના નવા 366 પોઝિટીવ કેસની પુષ્ટિ થતા કુલ કેસનો આંકડો વધીને 11,746 સુધી પહોંચી ગયો છે. આમાંથી અત્યાર સુધીમાં કુલ 4,804 દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં હાલમાં 6248 સક્રિય કેસો છે જેમાંથી 38 દર્દીઓ વેન્ટિલેટર પર છે. દરમિયાન, લગભગ 50 દિવસ પછી રાજ્યમાં નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં એકી –બેકી નંબરના ધોરણે દુકાનો, ઓફિસો, પરિવહન અને બજારોને ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજસ્થાન: રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કોવિડ-19ના વધુ 250 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 5757 થઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3232 દર્દીઓ સાજા થયા છે.
મધ્યપ્રદેશ: કોવિડ-19ના નવા 259 કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો વધીને 5326 થઇ ગયો છે. છેલ્લા અહેવાલો અનુસાર અત્યારે રાજ્યમાં કુલ 2549 કેસ સક્રિય છે.
ગોવા: ગોવામાં કોવિડ-19ના વધુ 9 કેસો નોંધાયા છે જેથી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ દર્દીઓની સંખ્યા વધીને 31 થઇ છે.