ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ

7000 રુપિયે લિટર: ગધેડાનાસંવર્ધક માલધારીઓના દૂઝતાં સપનાં?
હાલારી ગધેડીનું દૂધ ગુજરાતમાં 7000 રુપિયે લિટર વેચાયું ત્યારે આ લુપ્ત થતી જતી વિશેષ નસલની વ્યાપારી સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ. પારી આ નસલો અને તેના સંવર્ધકોની નક્કર વાસ્તવિકતાઓ બાબતે વધુ તપાસ કરે છે.
2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારને સુપ્રત કરેલા) એક અભ્યાસમાં પાંચ વર્ષ દરમિયાન તમામ પ્રકારના ગધેડાંની વસ્તીમાં 40.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના 11 તાલુકાઓમાં જ્યાં આ પશુઓ અને તેમના સંવર્ધકો રહે છે ત્યાં હાલારીઓની સંખ્યા 2015 માં 1112 થી ઘટીને 2020 માં 662 થઈ ગઈ છે. અને તે જ સમયગાળામાં હાલારીના સંવર્ધકોની સંખ્યા 254 થી ઘટીને 189 થઈ છે.
2019ની 20 મી પશુધન ગણતરી ભારતની ગધેડાની વસ્તીમાં ભયજનક ઘટાડો નોંધે છે – તેમની સંખ્યા 2012 માં 330,000 થી ઘટીને 2019 માં 120,000 થઈ ગઈ છે – આ લગભગ 62 ટકા જેટલો ઘટાડો છે.

લેખક – રીત્યન મુખરજી
અનુવાદ – મૈત્રેયી યાજ્ઞિક

ગધેડીના એક લિટર દૂધના સાત હજાર રૂપિયા? અરે, કોઈપણ વસ્તુના એક લિટરના આટલા તે હોતા હશે કંઈ? વાત તો બુદ્ધિની બહારની લાગે છે , પરંતુ સપ્ટેમ્બર 2020 માં અખબારના મથાળામાં ગુજરાતના સૌરાષ્ટ્રની હાલારી ગધેડીઓના દૂધ વિશે આ જ કહેવામાં આવ્યું હતું. તે સાચું પણ નીકળ્યું – જો કે ફક્ત એક માત્ર ચકાસી શકાય તેવા દાખલામાં. અને જો તમે ભૂલેચૂકે ય ગુજરાતના હાલારી-ઉછેરનારા સમુદાયોને એવું સૂચવવાની હિંમત કરી કે ગધેડીના દૂધના કાયમ આવા જ ભાવ મળે છે તો તેઓ તમારી ઠેકડી ઉડાવી તમને ત્યાંથીહાંકી કાઢશે.

દુર્લભ ઔષધીય ગુણો ધરાવતા હોવાનું કહેવાતા આ દૂધના ભાવ ગુજરાતમાં મહત્તમ 125 રુપિયે લિટર સુધી પહોંચ્યા છે. અને તે પણ સંશોધન માટે મર્યાદિત માત્રામાં આ દૂધ ખરીદતી સંસ્થાએ આપ્યા છે.

અને અખબારના મથાળા નો પીછોકરતો હું આવી પહોંચ્યો સૌરાષ્ટ્રમાં. રાજકોટ જિલ્લાના કપાસના ઉજ્જડ ખેતરોમાં હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ બ્લોકના જામપર ગામના 60 વર્ષના પશુપાલક ખોલાભાઇ જુજુભાઇ ભરવાડને મળ્યો. તેઓ તેમના પરિવાર તેમજ બકરીઓ અને ઘેટાંનાં ટોળાં અને પાંચ હાલારી ગધેડાં સાથે વાર્ષિક સ્થળાંતરના રસ્તે હતા. .

ખોલાભાઈએ કહ્યું, “ફક્ત રબારી અને ભરવાડ સમુદાય જ હાલારી ગધેડાં રાખે છે.” અને તેમાંના ઘણા ઓછા પરિવારો “પરંપરાને જીવંત રાખે છે. આ પ્રાણીઓ સુંદર છે પરંતુ આમાંથી અમને ખાસ આવક ના થાય. એક પૈસો ના આવે.”” ખોલાભાઈ અને તેમના પાંચ ભાઈઓ પાસે કુલ મળીને 45 ગધેડા છે .

વિચરતા પશુપાલકોની આવકની ગણતરી ખૂબ ગૂંચવણભરી છે. તેમની આવક ન તો સ્થિર છે અને ન તો નિશ્ચિત. અને બીજા કેટલાકની માફક ઇંધણ અને વીજળી પર તેમનો માસિક ખર્ચો એકસરખો હોતો નથી. કોઈ સામાન્ય અનુમાન ન કાઢવા અંગે અમને તાકીદ કરતા ભુજના સહજીવન પશુપાલન કેન્દ્રના (એનજીઓ) સંશોધનકારો કહે છે કે પાંચ વ્યક્તિના પરિવારની કુલ આવક (પશુઓના ટોળાના કદના આધારે) વર્ષે 3-5 લાખ રુપિયા અને ચોખ્ખી આવક (બધા ખર્ચ પછી) વર્ષે 1-3 લાખ રુપિયા જેવી હોઈ શકે. આ બકરા અને ઘેટાંનું ઊન ને દૂધ વેચવાથી થતી આવક છે.

ગધેડાં તેમના માટે નહિવત આવક પેદા કરતા હોય અથવા કોઈ જ આવક પેદા ન કરતા હોય એવું લાગે છે. હવે છેલ્લા કેટલાક વર્ષોથી પશુપાલકોની આવકમાં ઘટાડો થતા તેઓને હાલારી ગધેડાંના ટોળાં સંભાળવાનું મુશ્કેલ લાગે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામપર ગામે તેમના હાલારી ગધેડાંના ટોળા છે.

પશુપાલન કેન્દ્રના રમેશ ભટ્ટી કહે છે કે ટોળાનું સરેરાશ કદ તેના માલિકના પરિવારના કદ પર આધારિત છે. ચાર ભાઈઓનો પરિવાર સંવર્ધન કરતો હોય, તો તેમની પાસે 30 થી 45 ગધેડાં હોઈ શકે છે. અમદાવાદ નજીક દિવાળી પછી યોજાતા વાર્ષિક મેળામાં તેઓ આ પ્રાણીઓનું વેચાણ કરે છે. તો સ્થળાંતર કરતા સમુદાયો, જે ગધેડાંનો બોજવાહક પ્રાણીઓ તરીકે ઉપયોગ કરે છે, તેઓ ચાર કે પાંચ ગધેડીઓ રાખતા હોય છે.

સંવર્ધકો અને પશુપાલકોને હમણાં સુધી ગધેડીના દૂધ માટેનું બજાર મળ્યું ન હતું. ભટ્ટી કહે છે, “ગધેડીનું દૂધ મોટા બજારોમાં પ્રચલિત નથી. 2012-13 માં દિલ્હીના ઓર્ગેનિકો નામના સામાજિક સાહસે ગધેડીના દૂધમાંથી સૌંદર્યવર્ધક ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું હતું, છતાં ભારતમાં હજી આ માટે કોઈ ઔપચારિક બજાર નથી. ”
હાલારી ગધેડાં એ સૌરાષ્ટ્રની એક સ્થાનિક નસલ છે, જેનું નામ હાલાર પરથી પડ્યું છે. હાલાર એ હાલના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લાઓને અનુરૂપ પશ્ચિમ ભારતનો ઐતિહાસિક પ્રદેશ છે. મને સૌથી પહેલા રમેશ ભટ્ટી પાસેથી આ નસલ વિષેની જાણકારી મળી. આ રંગે સફેદ, મજબૂત અને હૃષ્ટપુષ્ટ ગધેડાં એક દિવસમાં 30-40 કિલોમીટર ચાલી શકે છે. તેઓ પશુપાલકોના સ્થળાંતર દરમ્યાન બોજવાહક પ્રાણીઓ તરીકે અને ગાડાં ખેંચવા માટે ઉપયોગમાં લેવાય છે.

હાલારી એ નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ દ્વારા સ્થાનિક ગધેડાની નસલ તરીકે ગુજરાતમાંથી નોંધાનાર અને માન્યતા પ્રાપ્ત કરનારી આ પ્રથમ નસલ છે. રાષ્ટ્રીય સ્તરે, હાલારી એ હિમાચલ પ્રદેશના સ્પીતી ગધેડા પછીની બીજી નસલ છે. હાલારી પછી તરત જ ગુજરાતના કચ્છી ગધેડા આવે છે.

ગુજરાતમાં હાલારી ગધેડાંની તેમ જ તેના સંવર્ધકોની સંખ્યામાં આ ઘટાડો સ્પષ્ટ જોઈ શકાય છે.

મંગળભાઇ જાદાભાઇ ભરવાડ જામપરમાં તેમના હાલારીના ટોળાની સંભાળ રાખે છે; તેમને વિચરતી જીવનનીશૈલીમાં આવી રહેલા ફેરફારોની ઊંડી સમજ છે.

ઘટાડા પાછળના કારણો? જામપર ગામના 57-58 વર્ષના પશુપાલક મંગાભાઇ જાદાભાઇ ભરવાડ હતાશાથી પૂછે છે, “ગધેડા ચરાવવા માટે જમીન ક્યાં છે? મોટાભાગની ચરાઉ જમીન હવે વાવેતર હેઠળ છે. બધી જગ્યાએ ખેતી છે. જંગલની ભૂમિમાં પણ ગધેડા ચરાવી ન શકીએ. તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે.” અને, તે ઉમેરે છે, “હાલારી ગધેડાને સંભળવા અઘરું કામ છે. તેમની પ્રકૃતિ ખરાબ હોય છે. તેમની સંખ્યા ઝડપથી વધતી નથી. ”

બદલાતી આબોહવાની પરિસ્થિતિ અને વધતો જતો અનિયમિત વરસાદ પશુપાલકોને પણ પરેશાન કરે છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડ્યો હતો, પરિણામે ઘણા ઘેટાં-બકરાં માર્યા ગયા હતા. જામપર ગામના 40 વર્ષના હમીર હાજા ભુડિયા કહે છે, “આ વર્ષે મારા 50 ટકા પશુઓ વરસાદના કારણે માર્યા ગયા છે. જુલાઈમાં દિવસો સુધી સતત વરસાદ પડ્યો. શરૂઆતમાં તો મને લાગ્યું કે મારા બધા જ પશુઓ મરી જશે, પરંતુ થોડાઘણા જીવી ગયા, દયા ભગવાન શ્રીકૃષ્ણની.”

ભાવનગર જીલ્લાના ગઢડા બ્લોકના ભંડારિયા ગામના 40-45 વર્ષના પશુપાલક રુરાભાઈ કાન્હાભાઈ છઢકા કહે છે, “અગાઉ બધું સંતુલિત હતું. ક્યાંય વધારે પડતો વરસાદ નહિ કે વધારે પડતો તડકો નહિ. ત્યારે ચરાવવાનું સરળ હતું. હવે અચાનક એક સમયે એટલો બધો વરસાદ પડે છે, મારા ઘેટાં-બકરાં મરી જાય છે. અને બીજા પશુઓ દ્વારા થતી આવક ઘટતી હોવાથી, હાલરીનું મોટું ટોળું રાખવું અમારે માટે મુશ્કેલ છે.” જ્યારે પશુ બીમાર હોય અને તબીબી સહાયની જરૂર પડે ત્યારે સ્થળાંતરના માર્ગો પર પશુચિકિત્સા અધિકારીઓની ગેરહાજરી એ પશુપાલકો માટે વધારાની મુશ્કેલી ઊભી કરે છે.

કેટલાક પરિવારોએ તેમના ગધેડાં વેચી દીધા છે. પોરબંદર બ્લોક અને જિલ્લાના પરવાડા ગામના સમુદાયના નેતા અને હાલારી સંવર્ધક 64 વર્ષના રાણાભાઈ ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, “યુવા પેઢીઓને ગધેડાના પશુપાલનમાં રસ નથી. સ્થળાંતર દરમિયાન ગાડાં ખેંચવા સિવાય હવે આ પ્રાણીઓ બીજા શું કામના છે? આ કામ આજકાલ અમે નાના ટેમ્પોની મદદથી કરી લઈએ છીએ.” (પશુપાલકો તેમના માર્ગ પર આગળના મુકામે કેટલીક જરૂરી ભારે ચીજો ઉતારવા માટે નાના નાના ટેમ્પો ભાડે રાખે છે જેથી તેઓ પશુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે).

રાણાભાઈ કહે છે, ગધેડાં ઉછેરવાની સાથે એક સામાજિક લાંછન જોડાયેલું છે. “કોને સાંભળવું ગમે – ‘દેખો ગધેડા જા રહો હૈ’ [‘જુઓ ગધેડા જાય છે’] – કોઈ બીજા પાસેથી એવું સાંભળવા માગતું નથી.” છેલ્લા બે વર્ષમાં રાણાભાઈના પશુઓની સંખ્યા 28 થી ઘટીને 5 થઈ ગઈ છે. તેમણે સંભાળી શકે એમ ના લગતા ઘણા હાલરીઓ વેચી દીધા કારણ કે તેમને રોકડની જરૂર હતી.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ખાતે ભરાયેલા મેળામાં એક હાલારી 15000-20000 માં વેચાય. ખરીદદારો રાજ્યના જ અથવા બીજા રાજ્યોના હોય , બીજા વિચરતા સમુદાયોમાંથી કે ખડતલ બોજવાહક પ્રાણીઓ ની શોધમાં હોય એવા હોય – દાખલા તરીકે, ખાણના વિસ્તારોમાં – અથવા ગાડાં ખેંચવા માટે ઉપયોગમાં લેવા. .

તો પછી ગધેડીના એક લિટર દૂધના 7000 રુપિયા એ સનસનાટીભેર ખબર શું હતી? તેની શરૂઆત સ્થાનિક અખબારોએ જામનગરના ધ્રોલ બ્લોકના મોટા ગરેડિયા ગામમાં એક લિટર – ફક્ત એક લિટર – દૂધ 7000 રુપિયે વેચાયું તેવા અહેવાલથી કરી હતી. આ ભાવ મેળવનાર ભાગ્યશાળી પશુપાલક વશરામભાઈ તેધાભાઈ હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ક્યારેય કોઈને આટલો ભાવ મળ્યો હોવાની વાત સાંભળી નથી.

‘જો કોઈ પ્રાણી બીમાર હોય તો અહીં જવાબદારી લેવાવાળું કોઈ નથી. અમારે જ ઈન્જેક્શન આપવું પડશે. અહીં કોઈ પશુચિકિત્સક નથી. ‘

વશરામભાઈએ જણાવ્યું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશથી કોઈ વ્યક્તિ તેમની પાસેથી હાલારી ગધેડીનું દૂધ ખરીદવા આવ્યો હતો. જામનગરના માલધારીઓ મોટેભાગે ગધેડીના દૂધનો પોતાને માટે ઉપયોગ કરતા નથી. (માલધારી શબ્દ ગુજરાતી શબ્દો માલ – પશુધન – અને ધારી – પશુના પાલક પરથી આવ્યો છે). કેટલીકવાર જ્યારે તબીબી કારણોસર, બીમાર બાળકોની સારવાર કરવા માટે ગધેડીનું દૂધ મેળવવા તેમનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેઓ તેમને મફત આપે છે. પરંતુ મધ્યપ્રદેશના એ વ્યક્તિએ દૂધ ખરીદવાનું તેનું કારણ જાહેર કર્યું નહોતું. વશરામભાઈએ તેમની ગધેડીને તો દોહી તે દોહી – પણ સાથોસાથ એક લિટરના 7000 રુપિયા માગીને દેખીતી રીતે જ ખરીદનારને ય….. તે વ્યક્તિએ રોકડમાં ચુકવણી કરી. પશુપાલકે પત્રકારોને કહ્યું કે તેઓ (પશુપાલક) પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તે સાથે હજી વધુ પત્રકારો ગરેડિયા ઊતરી આવ્યા. પરંતુ કોઈ એ જાણી શક્યું નથી કે ખરીદનારને એ એક લિટર શેને માટે જોઈતું હતું.

ગાયોથી વિપરીત, ગધેડીઓને ભાગ્યે જ દુધાળા પ્રાણીઓ તરીકે ઉછેરવામાં આવે છે. પશુપાલન કેન્દ્રના રમેશભાઈ કહે છે, “એક ગધેડી દિવસમાં એક લિટર – વધુમાં વધુ એક લિટર – જેટલું દૂધ આપી શકે છે. તેઓ અહીં ગાય પાસેથી જે મેળવી શકે તેના કરતા આ 10 ગણું ઓછું છે. અને તે પણ તેના ખોલકાંને જન્મ આપ્યા પછી 5-6 મહિના સુધી જ. ” તેથી પશુપાલકોએ ગધેડીના દૂધને નાણાકીય વળતર મેળવી આપે એવું ક્યારેય જાણ્યું જ નથી.

નેશનલ સેન્ટર ઓન ઈકવાઈન્સ (એનઆરસીઈ – ઘોડા પરનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર) ઓગસ્ટ મહિનામાં ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી થોડા હાલારી ગધેડાને સંશોધન માટે તેના બિકાનેર ફાર્મમાં લાવ્યું હતું. સહજીવનના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે એનઆરસીઈએ જાહેર કર્યું છે કે “હાલારી ગધેડીના દૂધમાં અન્ય તમામ પશુધન પ્રજાતિઓ / નસલોના દૂધની તુલનામાં એન્ટી-એજીંગ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો સૌથી વધુ હોય છે.”

રમેશ ભટ્ટી કહે છે કે આ અહેવાલથી દૂધની લોકપ્રિયતામાં વધારો થયો છે અને હાલારી ગધેડાના સંવર્ધકોમાં નવો ઉત્સાહ આવ્યો છે. રમેશભાઈને પોતાને જ દેશના જુદા જુદા ભાગોમાંથી આ નસલ વિશે ઘણા સવાલો મળ્યા છે. દરમિયાન આદ્વિક ફૂડ જેવી કંપનીઓ ગધેડીના દૂધ માટે 100-લિટરની ડેરી શરુ કરવાનો વિચાર કરી રહી હોવાનું કહેવાય છે. આ કંપનીએ 2016માં કચ્છમાં ઊંટડીના દૂધની 1000-લિટરની ડેરી શરૂ કરી હતી. ભટ્ટી કહે છે કે, ‘ગધેડાનું દૂધ સૌંદર્ય પ્રસાધનોમાં ખૂબ પ્રચલિત છે અને ગ્રીક, આરબ [અને ઈજિપ્ત] ની રાજકુમારીઓ ગધેડીના દૂધથી નહાતી હોવાની દંતકથાઓ છે.” તેઓ ઉમેરે છે. “ભારત અને પશ્ચિમમાં સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં આ માટેનું બજાર ઉભરી રહ્યું છે.”

જો કે ડેરી શરુ થશે તો પણ ભાવ ફરી એક લિટરના 7,000 રુપિયા સુધી પહોંચશે કે કેમ એ અંગે તેમને શંકા છે. તેઓ મને જણાવે છે, “તાજેતરમાં જ આદ્વિકે કોઈક સંશોધન માટે પશુપાલકો પાસેથી 12 થી 15 લિટર દૂધ ખરીદ્યું, અને તેઓએ માલિકોને લિટરદીઠ 125 રૂપિયા ચૂકવ્યા.”

આ રકમ કંઈ ગધેડીના સંવર્ધકોના દિવાસ્વપ્નો ચાલુ રહે એવી તો નથી જ.

સૌરાષ્ટ્રના સફેદ રંગના હાલારી ગધેડાં મજબૂત, સ્નાયુબદ્ધ બાંધાના હોય છે અને પશુપાલકોના સ્થળાંતર દરમિયાન બોજ વહન કરતા દિવસના 30-40 કિલોમીટર ચાલે છે.

ખોલાભાઈ જુજુભાઈ અને હમીર હાજા ભુડિયા ભાઈઓ છે, બંનેની પાસે કુલ મળીને 25 હાલારી ગધેડાં છે, જે સંખ્યા હાલ કોઈ પણ કુટુંબ પાસે હશે એના કરતા સૌથી વધુ છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી ગામના ચનાભાઇ રૂડાભાઇ ભરવાડ. સ્થળાંતર કરતો ભરવાડ સમુદાય હાલરી ગધેડાની સાથે ઘેટાં અને બકરાંની સ્થાનિક નસલો સંભાળે છે.

ચનાભાઇ રૂડાભાઇ ભરવાડ હાલારીને દોહવાની પ્રક્રિયા બતાવે છે. આ દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારનારું અને ઘણાં સકારાત્મક ઔષધીય ગુણો ધરાવનારું છે એમ મનાય છે .

પશુપાલક (અથવા માલધારી; આ શબ્દ ગુજરાતી શબ્દો માલ, પશુધન માટે અને ધારી, પશુના પાલક, પરથી આવ્યો છે) વડના પાનથી બનેલા કપમાંથ ચા પીએ છે. વિચારતી જાતિઓ પ્લાસ્ટિક મુક્ત, પર્યાવરણને નુકસાનકાર ન હોય એવી જીવનશૈલીને અનુસરે છે.

પોરબંદર જિલ્લાના પરવાડા ગામના રાણાભાઈ ગોવિંદભાઈ ભરવાડ સૌથી જાણીતા હાલરી સંવર્ધકોમાંના એક છે. પરંતુ તેણે તેમના 20 થી વધુ ગધેડાં વેચી દીધાં છે અને તેમની પાસે હવે માત્ર પાંચ જ ગધેડાં રહ્યાં છે.

રાણાભાઈ ગોવિંદભાઈ એક સમયના તેમના હાલારીના વિશાળ ટોળા સાથે. તેઓ કહે છે કે તેમને સંભાળવા મુશ્કેલ છે, અને માને છે કે ટોળું નાનું રાખવું વધુ સારું છે.

જામનગરની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવા છતાં ભરવાડ સમાજના કિશોરો જીગ્નેશ અને ભાવેશ ભરવાડને તો પશુપાલકોની પરંપરાગત જીવનશૈલીને ગમે છે.

ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામે રફ લાકડાનું માળખું ગધેડાની પીઠ પર ચડાવતા સમાભાઈ ભરવાડ, આ માળખા પર ગધેડું ભાર ઉઠાવશે. સંતુલન જળવાઈ રહે તે માટે વળાંકવાળી ફ્રેમ ગધેડાના પેટના સ્તરે રહેશે.

રાજકોટ જિલ્લાના સિંચિત ગામે રહેતા સમુદાયના વડીલ સવાભાઈ ભરવાડ પાસે એક સમયે બકરીઓ, ગધેડાં અને ભેંસોનું મોટું ટોળું હતું. ઘટતા જતા ચરાઉ મેદાનોને કારણે તેમણે ભેંસો સિવાયના બધાં પશુઓ વેચી દેવા પડ્યા છે.

પશુપાલક હમીર હાજા ભુડિયા તેમના બાળકો અને તેમના ભત્રીજાઓ અને ભત્રીજીઓ સાથે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામપર ગામે ખુલ્લાં ખેતરોમાં.

રાતના સમયના સુરક્ષાના નિયમો અને પ્રક્રિયાઓ લાગુ કરતા હમીર હાજા. તેમનું કહેવું છે કે જો ગધેડાંને બરોબર સારી રીતે બાંધવામાં ન આવે તો એ ભાગી જાય છે.

આ પશુપાલક સમુદાયના સભ્યો સામાન્ય રીતે ખુલ્લા આકાશની નીચે સૂએ છે. સૂવા માટે તેઓ સ્થળાંતર કરતી વખતે પોતાની સાથ રાખેલા ધાબળાનો ઉપયોગ કરે છે. ખેતરમાં અથવા રસ્તા પર તેમણે બનાવેલા કામચલાઉ આશ્રયસ્થાનોને ‘નાસ’ કહે છે.

હાલારી એ એક સુંદર દેખાતી, શાંત આંખો ધરાવતી, સારા સ્વભાવવાળી નસલ છે. જામપર ગામના ખોલાભાઈ જુજુભાઈ ભરવાડ કહે છે, ‘ આ પ્રાણીઓ સુંદર છે પરંતુ અમારી આજીવિકાનું સાધન બની શકે એમ નથી./અમારું જીવન ટકાવવા કામ ન લાગે.’
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

000000000000000

બીજો અહેવાલ

‘જો તેમને જ ખાવા નહીં મળે તો અમે અમારું પેટ શી રીતે ભરીશું?’
સાંગલી જિલ્લામાં ઈંટોના ભઠ્ઠાઓમાં મજૂરી કરવા સ્થળાંતર કરતા કૈકાડી સમુદાયના ગધેડા પાલકો તેમના પશુધનની સંભાળ રાખવા માટે સંઘર્ષ કરે છે. મહારાષ્ટ્રમાં પ્રાણીઓની ચોરીઓની વધતી જતી ઘટનાઓએ તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે

ખંડુ માને અઠ્ઠ્યાની પીઠ પરના છાલકામાં ગણી ગણીને કાચી ઈંટો મૂકે છે “ચૌદ, સોળ, અઢાર… .” અને (અઢાર ઈંટો થઈ ગયા) પછી ગધેડાને સૂચના આપે છે: “ચલા…ફર્રર્રર્રર્ર…ફર્રર્રર્રર્ર…” અઠ્ઠ્યા અને બોજ લાદેલા બે ગધેડા ત્યાંથી લગભગ 50-મીટર દૂર આવેલી ભઠ્ઠી તરફ ચાલવાનું શરૂ કરે છે. એ ઈંટોને આગમાં પકાવવા માટે ત્યાં ઉતારવામાં આવશે.

ખંડુ કહે છે, “બસ હવે બીજો એક કલાક અને પછી આરામ.” પણ હજી તો સવારના નવ જ વાગ્યા છે! અમારા મૂંઝવણભર્યા ચહેરાઓ જોઈને તેઓ સમજાવે છે: “અમે મધરાતે એક વાગ્યે અંધારામાં કામ શરૂ કર્યું હતું. અમારી પાળી સવારે 10 વાગ્યે પૂરી થાય છે. રાતભર હે અસંચ ચાલુ આહે [અમે આખી રાત આ જ રીતે કામ કર્યું છે].”

ખંડુના ગધેડાની ટોળીમાંના ચાર ગધેડા તેમના ખાલી છાલકા સાથે ભઠ્ઠીમાંથી પાછા ફર્યા છે. તેઓ ફરીથી નવેસરથી (ગણતરી) શરૂ કરે છે: “ચૌદ, સોળ, અઢાર …”

ત્યાં જ અચાનક તેઓ તેમના એક ગધેડાને મોટેથી બૂમ પાડીને હિન્દીમાં કહે છે, “રુકો…” તેઓ ખુલ્લા દિલથી હસીને કહે છે, “આપણા સ્થાનિક ગધેડા મરાઠી સમજે છે, પરંતુ આ નથી સમજતું. આ ગધેડું રાજસ્થાનનું છે. અમારે તેને હિન્દીમાં સૂચના આપવી પડે છે.” અને અમને સાબિત કરી બતાવવા કહે છે: રુકો. એ ગધેડું અટકી જાય છે. ચલો. (કહેતા) એ ચાલવા લાગે છે.

ખંડુનું તેમના ચોપગા મિત્રો વિશેનું ગૌરવ સ્પષ્ટ જણાઈ આવે છે. “લીંબુ અને પાંઢર્યા બહાર ચરી રહ્યા છે, અને એ જ રીતે મારી સૌથી પ્રિય બુલેટ પણ. તે ઊંચી અને રૂપાળી અને ખૂબ ચપળ છે!”

ડાબે: કર્ણાટકના બેલગામ જિલ્લાના અથની તાલુકાના સ્થળાંતરિત કામદારો વિલાસ કુડાચી અને રવિ કુડાચી જોતિબા મંદિર પાસેના ભઠ્ઠામાં શેરડીના સૂકા કૂચાનો ભાર ઉપાડે છે, જેનો ઉપયોગ ઈંટો બનાવવા માટે કરવામાં આવશે. જમણે: ભાર ઉતાર્યા પછી વધુ ઈંટો લેવા પાછા ફરતા ગધેડા
અમે તેમને મહારાષ્ટ્રના સાંગલી શહેરની બહારના વિસ્તાર સાંગલીવાડી નજીક ઈંટના ભઠ્ઠામાં મળ્યા હતા. ત્યાં જોતિબા મંદિરની આસપાસનો વિસ્તાર ઈંટના ભઠ્ઠાઓથી ભરેલો છે – લગભગ 25 તો અમે પોતે ગણ્યા.

ઈંટના ઉત્પાદનમાં વપરાતા સુકી શેરડીના કૂચાની મીઠી સુગંધ ભઠ્ઠાઓમાંથી નીકળતા ધુમાડા સાથે ભળે છે, (અને) સવારની હવાને ભરી દે છે. દરેક ભઠ્ઠામાં અમે પુરુષો, મહિલાઓ, બાળકો અને ગધેડાઓને ઘડિયાળના કાંટાની જેમ (સતત એકસરખું) કામ કરતા જોઈએ છીએ. કેટલાક માટી ભેળવી રહ્યા છે જ્યારે બીજા કેટલાક (બીબામાં માટી ભરીને) ઈંટો બનાવી રહ્યા છે; કેટલાક (ગધેડા પર) ઈંટો લાદી રહ્યા છે અને બીજા ઉતારીને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવી રહ્યા છે.

ગધેડા આવે છે અને ગધેડા જાય છે, બે…ચાર…છની જોડીમાં…

ખંડુ કહે છે, “અમે પેઢીઓથી ગધેડા ઉછેરીએ છીએ. મારા મા-બાપે એ કામ કર્યું, મારા દાદા-દાદીએ કર્યું, અને હવે હું પણ એ જ કામ કરું છું.” સાંગલી શહેરથી લગભગ 150 કિલોમીટર દૂર – મૂળ સોલાપુર જિલ્લાના પંઢરપુર બ્લોકના ખંડુ, તેમનો પરિવાર અને તેમના ગધેડા દર વર્ષે (નવેમ્બર-ડિસેમ્બરથી એપ્રિલ-મે વચ્ચે) ઈંટના ભઠ્ઠાની મોસમ દરમિયાન તેમના ગામ વેલાપુરથી સાંગલી સ્થળાંતર કરે છે.

અમે ખંડુની પત્ની માધુરીને ગધેડાઓ પર લાદીને લાવવામાં આવેલી કાચી ઈંટો ઉતારવામાં અને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવવાના કામમાં ભઠ્ઠીમાં વ્યસ્ત જોઈએ છીએ. દંપતીની 9 થી 13 વર્ષની દીકરીઓ કલ્યાણી, શ્રધ્ધા અને શ્રાવણી ગધેડાઓ સાથે ચાલીને તેમને તેમના ગંતવ્ય તરફ હાંકી જઈ રહી છે. છોકરીઓનો 4-5 વર્ષનો ભાઈ તેના પિતાની પાસે બિસ્કિટ અને ચા લઈને બેઠો છે.

ડાબે: માધુરી માને (ગધેડા પરથી) ઉતારેલી ઈંટોની જોડી એક કામદાર તરફ ફેંકે છે, જે પછી તેમને એક હરોળમાં એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવે છે. જમણે: માધુરી અને તેમના બાળકો ઈંટના ભઠ્ઠા ખાતેના તેમના સાંકડા ઘરમાં. કામચલાઉ માળખું એકની ઉપર એક ઢીલી-ઢીલી ગોઠવેલી ઈંટોનું બનેલું છે, છત માટે એસ્બેસ્ટોસની શીટ્સ છે. ત્યાં ઘરમાં શૌચાલયની કોઈ સુવિધા નથી, અને દિવસ દરમિયાન વીજળી પણ નથી
એકસાથે બે-બે ઈંટો ઉતારતા માધુરી કહે છે, “શ્રાવણી અને શ્રદ્ધા સાંગલીની એક આવાસી શાળામાં અભ્યાસ કરતા હતા, પરંતુ અમને મદદ કરવા માટે હવે અમારે તેમને (શાળામાંથી) ઉઠાડી લેવા પડ્યા છે.” “અમને મદદ કરવા અમે એક દંપતી [પતિ અને પત્ની] ને રાખ્યા હતા. 80000 રુપિયા અગાઉથી લઈને તેઓ ભાગી ગયા. હવે અમારે આવતા બે મહિનામાં આ બધું પૂરું કરવાનું છે,” કહીને તેઓ ઉતાવળે કામ પર પાછા ફરે છે.

માધુરી જે ઈંટ ઉતારી રહી છે તે દરેકનું વજન ઓછામાં ઓછું બે કિલો છે. તેઓ હરોળમાં ગોઠવેલી ઈંટોના ઊંચા ઢગલા પર ઊભેલા બીજા કામદાર તરફ એ ઈંટો ફેંકે છે.

ચપળતાથી એ ઈંટો પકડવા માટે નીચે ઝૂકતા ઝૂકતા તે (કામદાર) ગણતરી કરે છે, “દસ, બાર, ચૌદ…” અને ભઠ્ઠીમાં પકવવા માટે મૂકેલી ઈંટોની હરોળમાં એ ઈંટો ઉમેરી દે છે.

*****

દરરોજ મધરાત પછી તરત શરૂ કરીને લગભગ સવારે 10 વાગ્યા સુધી ખંડુ, માધુરી અને તેમના બાળકો મળીને લગભગ 15000 ઈંટો (ગધેડાઓ પર) લાદે છે અને ઉતારે છે. આ ઈંટો તેમના 13 ગધેડાઓની ટોળી દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેમાંથી દરેક ગધેડું એક દિવસમાં લગભગ 2300 કિલો વજન વહન કરે છે. આ ગધેડા તેમના પાલક સાથે એક દિવસમાં કુલ લગભગ 12 કિલોમીટર ચાલે છે.

ખંડુનો પરિવાર ભઠ્ઠીમાં પહોંચાડાતી પ્રત્યેક 1000 ઈંટોદીઠ 200 રુપિયા કમાય છે. ઈંટના ભઠ્ઠાના માલિક દ્વારા તેમને છ મહિના સુધી કામ કરવા માટે અગાઉથી ચૂકવવામાં આવેલી રકમ સામે આ એડજસ્ટ કરવામાં આવે છે. પાછલી સિઝનમાં ખંડુ અને માધુરીને 2.6 લાખ રુપિયા – ગધેડા દીઠ 20000 – પૂર્વચુકવણીરૂપે મળ્યા હતા.

માધુરી અને તેમના પતિ ખંડુ (પીળા ટી-શર્ટમાં) તેમના ગધેડાઓ દ્વારા લાવવામાં આવેલી ઈંટો ઉતારીને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવનાર કામદારના હાથમાં પકડાવે છે
સાંગલીથી 75 કિલોમીટર દૂર કોલ્હાપુર જિલ્લાના બાંબવડેમાં ઈંટના બે ભઠ્ઠા ધરાવતા 24-25 વર્ષના વિકાસ કુંભાર પુષ્ટિ કરે છે, “અમે સામાન્ય રીતે પ્રાણી દીઠ 20000 રુપિયાની ગણતરી કરીએ છીએ.” તેઓ કહે છે, “[પશુપાલકોને] તમામ ચૂકવણી અગાઉથી કરવામાં આવે છે.” જેટલા વધુ ગધેડા, એટલું વધુ એટલી વધારે પૂર્વચૂકવણી.

છેવટના હિસાબની પતાવટ છ-મહિનાના સમયગાળામાં હેન્ડલ કરવામાં આવેલી કુલ ઈંટો પર આધારિત છે, જેમાંથી અગાઉથી ચૂકવેલ રકમ અને અન્ય કપાતને બાદ કરવામાં આવે છે. વિકાસ કહે છે, “અમે તેમના આઉટપુટ, કરિયાણા માટેની સાપ્તાહિક ચૂકવણી [200-250 રુપિયા પ્રતિ કુટુંબ], અને બીજા કોઈપણ ખર્ચ સામે એડજેસ્ટ કરીએ છીએ.” અને તેઓ સમજાવે છે કે જો પશુપાલકો અગાઉથી કરેલ ચૂકવણી મુજબનું કામ એ સીઝનમાં ન કરી શકે તો એ દેવું તેઓએ આગલી સીઝનમાં ચૂકવવાનું રહે છે. ખંડુ અને માધુરી જેવા કેટલાક લોકો તેમને અગાઉથી ચૂકવવામાં આવેલી રકમનો એક ભાગ મદદગારોની ભરતી કરવા અનામત રાખે છે.

આ વિસ્તારમાં કાર્યરત પ્રાણી કલ્યાણ સંસ્થા એનિમલ રાહતના કાર્યકર્તા કહે છે, “સાંગલી જિલ્લાના પલૂસથી મ્હૈસાળ વચ્ચે કૃષ્ણા નદીના કિનારે લગભગ 450 ઈંટના ભઠ્ઠા છે.” સાંગલીવાડી લગભગ 80-85 કિલોમીટરના આ નદીકાંઠાના વિસ્તારની મધ્યમાં આવેલ છે. તેમના સાથીદાર ઉમેરે છે, “4000 થી વધુ ગધેડા આ ભઠ્ઠાઓમાં કામ કરે છે.” બે લોકોની આ ટીમ ગધેડાઓનું સ્વાથ્ય તપાસવા માટેની નિયમિત મુલાકાતે નીકળેલ છે. તેમની સંસ્થા આપાતસ્થિતિ માટે એમ્બ્યુલન્સ સેવા પણ ચલાવે છે અને ગંભીર રીતે બીમાર પ્રાણીઓ માટે આરોગ્ય સંભાળ પૂરી પાડે છે.

દિવસની પાળીના અંતે અમે જોતિબા મંદિર પાસે ઘણા ગધેડાઓને નદી તરફ દોડતા જોઈએ છીએ. મોટરસાયકલ અને સાયકલ પર સવાર યુવાન પશુપાલક છોકરાઓ તેમને ચરાવવા હાંકી જઈ રહ્યા છે. મોટાભાગના પ્રાણીઓ આ વિસ્તારમાંના કૂડા-કચરા અને ગંદકીના ઢગલામાંથી ખાવાનું શોધતા ફરે છે, અને સાંજે તેમના પાલકો તેમને પાછા લઈ જાય છે. જો કે ખંડુ, માધુરી અને બીજા, જેઓ ગધેડા પાળે છે તેઓ, દાવો કરે છે કે તેઓ પોતે તેમના પશુધનને ખોરાક (ચારો) પૂરો પાડવાની વ્યવસ્થા કરે છે, પરંતુ અમને એવો ચારો ક્યાંય જોવા મળતો નથી.

ડાબે: ગધેડાઓના એક જૂથને તેમના પશુપાલક દ્વારા ચરાવવા લઈ જવામાં આવે છે, પશુપાલક તેમની મોટરસાઈકલ પર પ્રાણીઓની પાછળ પાછળ જાય છે. જમણે: પશુપાલકોને પશુ ચિકિત્સા સહાય પૂરી પાડતી એનજીઓનો એક કાર્યકર્તા જગુ માનેના ગધેડાની ટોળીમાંના એક ગધેડાને દવાનું ઇન્જેક્શન આપી રહ્યા છે
45 વર્ષના જનાબાઈ માણે કહે છે, “અમે અમારા પ્રાણીઓને ઘાસ અને કડબા [જુવારના સૂકા સાંઠા] ખવડાવવા માટે દર વર્ષે બે ગુંઠા [લગભગ 0.05 એકર] ખેતીની જમીન ભાડે રાખીએ છીએ.” [છ મહિનાનું] ભાડું 2000 રુપિયા છે. “પણ, જુઓ, અમારું જીવન તેમના પર જ નભે છે. જો તેમને જ ખાવા નહીં મળે તો અમે અમારું પેટ શી રીતે ભરીશું?’”

તેમના પતરાની છતવાળા ઘરમાં અમારી સાથે વાત કરતા કરતા તેઓ તેમનું બપોરનું જમવાનું પૂરું કરી લે છે. દિવાલો એકની ઉપર એક ઢીલી-ઢીલી ગોઠવેલી ઈંટોની બનેલી છે, અને માટીની ફર્શ તાજા ગાયના છાણથી લીંપેલી છે. તેઓ અમે પ્લાસ્ટિકની સાદડી પર બેસીએ એવો આગ્રહ રાખે છે. જનાબાઈ કહે છે, “અમે [સતારા જિલ્લાના] ફલટણથી છીએ પણ મારા ગધેડાઓ માટે ત્યાં કોઈ કામ જ નથી. તેથી અમે છેલ્લા 10-12 વર્ષથી અહીં સાંગલીમાં કામ કરીએ છીએ. જીથે ત્યાના કામ, તિથે આમ્હી [જ્યાં તેમનું કામ હોય ત્યાં અમે જઈએ].” જનાબાઈ અને તેમનું સાત જણનું કુટુંબ આખું વર્ષ સાંગલીમાં રહે છે જ્યારે ખંડુ અને તેનો પરિવાર (ઈંટ બનાવવાની) મોસમમાં જ સાંગલી સ્થળાંતર કરે છે.

જનાબાઈ અને તેમના પરિવારે તાજેતરમાં સાંગલી શહેરની બહાર 2.5 ગુંઠા (લગભગ 0.6 એકર) જમીન ખરીદી હતી. તેઓ કહે છે, “વારંવાર આવતા પૂર મારા પ્રાણીઓ માટે જીવલેણ છે. તેથી અમે પહાડી જમીન ખરીદી. અમે એક ઘર બનાવીશું જ્યાં ગધેડા ભોંયતળિયે હશે અને અમે પહેલા માળે રહી શકીશું.” તેઓ અમારી સાથે વાત કરે છે ત્યારે તેમનો પૌત્ર આવીને તેમના ખોળામાં બેસી જાય છે, તે ખુશ દેખાય છે. તેઓ બકરીઓ પણ પાળે છે; બકરીઓ ઘાસચારાની રાહ જોતી હતી ત્યારે અમે તેમનો બેંબેં અવાજ સાંભળી શકતા હતા. જનાબાઈ કહે છે, “મારી બહેને મને એક બકરી ભેટ આપી. હવે મારી પાસે 10 છે.” તેમના અવાજમાં ખુશીની ઝલક છે.

તેઓ કહે છે, “હવે ગધેડને પાળવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. અમારી પાસે 40 ગધેડા હતા. ગુજરાતના એક ગધેડાનું હૃદયરોગના હુમલાથી મોત થયું. અમે તેને બચાવી ન શક્યા.” તેમની પાસે હવે 28 ગધેડા છે. સાંગલીના એક પશુ ચિકિત્સક પ્રાણીઓને જોવા માટે દર છ મહિનામાં એક કે બે વાર આવે છે. પરંતુ માત્ર છેલ્લા ત્રણ મહિનામાં જ પરિવારે ચાર ગધેડા ગુમાવ્યા છે – ચરતી વખતે કોઈક ઝેરી વસ્તુ ખાઈ જવાને કારણે ત્રણ અને અકસ્માતમાં એક. જનાબાઈ કહે છે, “મારા માતા-પિતાની પેઢી આયુર્વેદિક દવાઓ જાણતી હતી. પણ અમે જાણતા નથી. હવે તો અમે ખાલી દુકાને જઈએ છીએ અને દવાઓની બાટલીઓ ખરીદી લાવીએ છીએ.”

મહારાષ્ટ્રમાં કૈકાડી, બેલદાર, કુંભાર અને વડાર સહિત અનેક જૂથો દ્વારા ગધેડાનો ઉછેર અને પશુપાલન કરવામાં આવે છે. કૈકાડી સમુદાય – ખંડુ, માધુરી અને જનાબાઈ જે સમુદાયના છે તે – અંગ્રેજો દ્વારા ‘ગુનેગાર’ જાહેર કરાયેલ વિચરતી જાતિઓમાંનો એક હતો. 1952માં વસાહતી ફોજદારી જનજાતિ અધિનિયમ નાબૂદ થયા પછી આ સમુદાયોને (ગુનેગારોની યાદીમાંથી) ‘ડિનોટિફાઈડ’ (વિમુક્ત) કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આજે પણ એ કલંકનો સામનો કરે છે અને સમાજમાં તેમને શંકાની નજરે જોવામાં આવે છે. પરંપરાગત રીતે કૈકાડીઓ ટોપલીઓ અને ઝાડુ બનાવતા હતા. આ સમુદાય હવે વિદર્ભ પ્રદેશના આઠ જિલ્લાઓ સિવાય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં વિમુક્ત જાતિ (ડિનોટિફાઇડ જનજાતિ) તરીકે સૂચિબદ્ધ છે, આ આઠ જિલ્લાઓમાં એ સમુદાયને અનુસૂચિત જાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ગધેડાઓને પશુધન તરીકે ઉછેરતા ઘણા કૈકાડીઓ પુણે જિલ્લાના જેજુરી અથવા અહમદનગર જિલ્લાના મઢીમાંથી તેમના પ્રાણીઓ ખરીદે છે. કેટલાક ગુજરાત અને રાજસ્થાનના ગધેડા બજારોની પણ મુલાકાત લે છે. જનાબાઈ કહે છે, “એક જોડીના 60000 થી 120000 રુપિયા થાય.” તેઓ પ્રાણીની ઉંમરનો, જે તેના દાંત પરથી નક્કી થઈ શકે છે તેનો, ઉલ્લેખ કરતા ઉમેરે છે, “દાંત વગરના (દાંત ફૂટ્યા ન હોય તેવા) ગધેડાની કિંમત વધારે હોય.” ગધેડામાં દાંતનો પહેલો સમૂહ (દૂધિયા દાંત) તેમના જીવનના શરૂઆતના થોડા અઠવાડિયામાં જ વિકસે છે, પરંતુ એ દાંત ધીમે ધીમે પડી જાય છે અને જ્યારે ગધેડા લગભગ પાંચ વર્ષના થાય છે ત્યારે તેનું સ્થાન કાયમી પુખ્ત દાંત લે છે.

જો કે છેલ્લા એક દાયકામાં ભારતમાં ગધેડાની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે એ ચિંતાનો વિષય છે. 2012 અને 2019 ની વચ્ચે તેમની સંખ્યામાં 61.2 ટકાનો ઘટાડો થયો – 2012 ની પશુધન વસ્તી ગણતરીમાં નોંધાયેલા 3.2 લાખ ગધેડામાંથી 2019 માં તેમની સંખ્યા (ઘટીને) 1.2 લાખ થઈ ગઈ. 2019ની પશુધન ગણતરી અનુસાર મહારાષ્ટ્રમાં 17572 ગધેડા હતા. ગધેડાઓની સંખ્યાની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમાંકે આવતા મહારાષ્ટ્રમાં એ જ સમયગાળામાં ગધેડાની વસ્તીમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

(ગધેડાની સંખ્યામાં) આ તીવ્ર ઘટાડાએ નફાના હેતુ વિના કામ કરતી પ્રાણી કલ્યાણ સંસ્થા બ્રુક ઈન્ડિયાને પત્રકાર શરત કે વર્મા દ્વારા તપાસાત્મક સંશોધન અભ્યાસ હાથ ધરવા માટે પ્રેરિત કરી. તેમનો અહેવાલ આ ઘટાડા માટેના અનેક કારણો દર્શાવે છે – પ્રાણીઓની ઉપયોગિતામાં ઘટાડો; સમુદાયો તેમને ઉછેરવાનું નાપસંદ કરે છે; યાંત્રિકીકરણ; ચરાઉ જમીનમાં ઘટાડો; (પ્રાણીઓની) ગેરકાયદેસર કતલ; અને (પ્રાણીઓની) ચોરી.

બ્રુક ઈન્ડિયાના સાંગલી સ્થિત કાર્યક્રમ સહનિર્દેશક ડૉ. સુજીત પવાર કહે છે, “દક્ષિણના રાજ્યોમાં, ખાસ કરીને આંધ્ર પ્રદેશના ગુંટુર વિસ્તારમાં ગધેડાના માંસની માંગ છે.” વર્માનો અભ્યાસ નોંધે છે કે આંધ્રના કેટલાક જિલ્લાઓમાં માંસ માટે નિરંકુશપણે ગધેડાની ગેરકાયદે કતલ થાય છે. સસ્તું હોવા ઉપરાંત આ માંસમાં ઔષધીય ગુણ હોવાનું મનાય છે અને એ પુરુષોમાં પુરુષાતન વધારે છે.

પવાર ઉમેરે છે કે સમયાંતરે ગધેડાની ચામડીની દાણચોરી કરીને તેને ચીનમાં મોકલવામાં આવે છે. ‘એજિયાઓ’ નામની પરંપરાગત ચાઈનીઝ દવા માટે તે આવશ્યક ઘટક છે અને તેથી તેની ખૂબ માંગ છે. બ્રુક ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ ગધેડાની કતલ અને ચોરી વચ્ચેની કડીની વિગતો આપે છે. તે તારણ આપે છે કે ચીનની માંગના વધારાને પગલે ગધેડાનાં ચામડાંના વેપારને મળતા ઉત્તેજનને કારણે ભારતમાં આ પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે.

45 વર્ષના બાબાસાહેબ બબન માનેના તમામ 10 ગધેડા છ વર્ષ પહેલા ચોરાઈ ગયા હતા. “ત્યારથી હું ઈંટોને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવવાનું કામ કરું છું, [પહેલા કરતાં] ઓછી કમાણી થાય છે.” ગધેડાના પાલકોને પ્રત્યેક 1000 ઈંટોદીઠ 200 રુપિયા મળે છે, જ્યારે એકની ઉપર એક વ્યવસ્થિત ઈંટો ગોઠવનારને માત્ર 180 રુપિયા (માધુરીએ અમને કહ્યું હતું કે પશુપાલકોને વધારાના 20 રુપિયા પશુ-આહાર માટે ચૂકવવામાં આવે છે.) સાંગલીવાડીથી લગભગ 12 કિલોમીટર દૂર મિરાજ શહેરના લક્ષ્મી મંદિર વિસ્તાર પાસે આવેલા એક ભઠ્ઠામાં અમે બાબાસાહેબને મળ્યા. આ ભઠ્ઠાથી 10 કિલોમીટરથી પણ ઓછા અંતરે થયેલી બીજી ચોરીને યાદ કરતાં તેઓ કહે છે, “એક વખત મ્હૈસાળ ફાટામાં એક વેપારીએ 20 ગધેડા ગુમાવ્યા હતા. મને લાગે છે કે તેઓ પ્રાણીઓને ઘેનની દવા આપે છે અને તેમને પોતાના વાહનોમાં ઉઠાવી જાય છે.” બે વર્ષ પહેલા જનાબાઈના સાત ગધેડા બહાર ચરવા ગયા હતા ત્યારે ચોરાઈ ગયા હતા.

સાંગલી, સોલાપુર, બીડ અને મહારાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં ગધેડાની ચોરીની ઘટનાઓ વધી રહી છે, જેને કારણે બાબાસાહેબ અને જનાબાઈ જેવા પશુપાલકો, જેમની કમાણી તેમના ગધેડાની સંખ્યા પર આધારિત છે, તેમને આર્થિક મુશ્કેલી પડી રહી છે. મિરાજમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા જગુ માને કહે છે, “ચોરોએ મારી ટોળીમાંથી પાંચ ગધેડા ચોર્યા હતા. મને લગભગ 2 લાખ રુપિયાનો ફટકો પડ્યો. “આ નુકસાન હું શી રીતે ભરપાઈ કરી શકીશ?”

પરંતુ પવારને લાગે છે કે ગધેડાના માલિકો પણ બેદરકાર છે, તેઓ આખો દિવસ તેમના ગધેડાની ટોળીને ખુલ્લામાં છોડી દે છે અને કોઈ તેમનું ધ્યાન રાખતું નથી. “તેમની સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થા નથી. કામ કરવાના સમયે જ તેઓ ગધેડાને પાછા લઈ આવે છે. દરમિયાન જો કંઈક અઘટિત થાય તો [પ્રાણીઓની] સંભાળ રાખનાર કોઈ હોતું નથી.”

બાબાસાહેબ સાથે વાત કરતી વખતે અમે બાબુ વિઠ્ઠલ જાધવને તેમના ચાર ગધેડાઓને ઈંટો ઉતારવા માટે લઈ આવતા જોયા. 60 વર્ષના બાબુ પણ કૈકાડી સમુદાયના છે, તેઓ છેલ્લા 25 વર્ષથી ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે. મૂળ સોલાપુર જિલ્લાના મોહોલ બ્લોકના પાટકુળના રહેવાસી, તેઓ વર્ષમાં છ મહિના માટે મિરાજ સ્થળાંતર કરે છે. તેઓ થાકેલા લાગે છે, અને બેસી જાય છે. લગભગ સવારના 9 વાગ્યાનો સમય છે. બાબાસાહેબ અને બે મહિલા કામદારો સાથે મજાક-મશ્કરી કરતા બાબુ આખો દિવસ આરામ કરે છે અને તેમના પત્ની કામ સંભાળી લે છે. તેમની પાસે છ ગધેડા છે, જે કમજોર અને તેમની શક્તિ કરતા વધારે કામ કરી ચૂક્યા હોય તેવા લાગે છે. બેને પગમાં ઈજા થયેલી છે. તેમની પાળી પૂરી થવાને થોડા કલાકો બાકી છે.

મહિનામાં – અમાવાસ્યાની (નવા ચંદ્રની રાતની) – માત્ર એક દિવસની રજા મળતી હોવાથી દરેક જણ ખૂબ કંટાળી જાય છે અને થાકી જાય છે. જોતિબા મંદિરમાં માધુરી પૂછે છે, “અમે રજા લઈએ તો પકવવા માટે ઈંટો કોણ લઈ જશે?” તેઓએ કહ્યું, “અમે સૂકાયેલી ઈંટો ન લઈ જઈએ તો નવી ઈંટો ક્યાં મૂકે? કોઈ જગ્યા જ નથી હોતી. તેથી અમે રજા લઈ શકતા નથી. છ મહિના સુધી અમાવસ્યા એ અમારે માટે એકમાત્ર રજા છે.” અમાવસ્યાને દિવસે ભઠ્ઠાઓ બંધ રહે છે કારણ કે ચંદ્રની એ અવધિ અશુભ મનાય છે. આ સિવાય શ્રમિકો અને ગધેડાઓને સિઝન દરમિયાન હિન્દુ તહેવારોની ત્રણ રજાઓ મળે છે: શિવરાત્રી, શિમગા (જે બીજી જગ્યાએ હોળી તરીકે ઉજવવામાં આવે છે) અને ગુડી પડવા (પરંપરાગત નવું વર્ષ).

બપોર સુધીમાં મોટાભાગના કામદારો ભઠ્ઠા પાસેના તેમના કામચલાઉ ઘરોમાં પાછા ફર્યા છે. શ્રાવણી અને શ્રધ્ધા નજીકના એક નળે કપડા ધોવા ગયા છે. ખાંડુ માને ગધેડાને ચરવા માટે બહાર લઈ ગયા છે. માધુરી હવે પરિવાર માટે રસોઈ બનાવશે અને ભીષણ ગરમીમાં થોડી ઊંઘ ખેંચી કાઢવાનો પ્રયત્ન કરશે. ભઠ્ઠી આજના દિવસ પૂરતી બંધ થઈ ચૂકી છે. માધુરી કહે છે, “પૈસા [કમાણી] સારી છે, અને અમારી પાસે ખાવા માટેય પૂરતું છે, પણ જરાય ઊંઘી શકતા નથી.”

રિતાયન મુખર્જી સેન્ટર ફોર પેસ્ટોરલિઝમ તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પ્રવાસ અનુદાન દ્વારા પશુપાલકો અને વિચરતા સમુદાયો અંગેના અહેવાલ આપે છે. આ અહેવાલની સામગ્રી પર સેન્ટર ફોર પેસ્ટોરલિઝમનું કોઈ સંપાદકીય નિયંત્રણ નથી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક