રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગયી કાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં.
૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાનોની રાજ્ય સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ વાલીઓ શૈક્ષણિક ફી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં, માસિક હપ્તા કે પોતાની અનુકૂળતા મુજબ ભરી શકશે.
આ સમજૂતી મુજબ જ શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી ચાલુ વર્ષની શૈક્ષણિક ફી વસૂલ કરવાની રહેશે. આમ છતાં પણ જો કોઇ ખાનગી શાળાએ ફી અંગે કોઇ દબાણ કર્યું હોવાની ફરિયાદ મળશે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ જે તે શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે.