મુખ્ય પ્રધાનના હરીફ નાયબ મુખ્ય પ્રધાનની બેઠકમાં જ રૂપાણી સામે ધડાકો

ધમણની ધમાલ 5

અમદાવાદ, 21 મે 2020

મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ મળી શકતું નથી. આથી સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તે ફાળવવામાં આવે. રાજકોટમાં નિર્મિત ધમણ વૅન્ટિલેટરથી દર્દીઓને બચાવવા સહેલા નથી. એવું બેઠકમાં કહેવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે 15 મેના રોજ પત્ર લખી જાણ કરી કે ધમણ-1 વૅન્ટિલેટર કોવિડ-19ના દરદીઓમાં ધાર્યુ પરિણામ આપતું નથી એટલે 100 વૅન્ટિલેટર ફાળવવામાં આવે. છતાં આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને તેમની હાજરીમાં જ તબિબોએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજા અંગે ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ રૂપાણીની ખુરશી હચમચી ગઈ હતી.