અમદાવાદમાં એપલ ફોનનો નકલી માલ પકડાયો, માંગો તે કંપનીનો નકલી માલ મળે

Fake goods of Apple phone were seized in Ahmedabad

બાપુનગર પોલીસને સાથે રાખીને બુધવારે શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો. અને અનુપ શ્રીરામપ્રગટ પાંડે (અનુપ મોબાઈલ રીપેરીગ) કિશોર દોલતરામ પ્રજાપતિ (ઓમ અંબેશ્વર મોબાઈલ સેન્ટર) અભિષેક ભંવરલાલ જૈન (અરીહંત મોબાઈલ) પ્રકાશ ધનજી પ્રજાપતી (ઓમ અંકલેશ્વર મોબાઈલ ટુ) ઉપરાંત અન્ય દુકાનોનાં માલિકો સામે પણ કોપીરાઈટ હેઠળ ફરીયાદો નોધાવી હતી. આ તમામ દુકાનોનો સામાન તપાસતાં તેમાંથી એપલ સહીતની અન્ય કંપનીઓનો સામાન પણ મોટાં પ્રમાણમાં મળી આવ્યો હતો.

બાપુનગર વિસ્તારમાં આવેલાં શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં આવેલી કેટલીક દુકાનોમાં બ્રાન્ડેડ મોબાઈલ ફોનની નકલી એસેસરીઝ મળતી હોવાની બાતમી મળતાં જ મુળ મુંબઈની કોપી રાઈટ કંપનીના અધિકારીએ ખાનગી રાહે તપાસ કરાવડાવી હતી.

મોબાઈલ ફોનની ચારથી વધુ દુકાનોમાંથી રૂપિયા એક લાખથી વધુનો નકલી મુદ્દામાલ પકડીને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં નકલી માલનું વેચાણ કરાતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આવી પ્રોડકટસમાં ધુમ નફો મળતો હોવાથી વારંવાર પોલીસ કાર્યવાહી છતાં વેપારીઓ નકલી માલ વેચવાનો મોહ છોડી શકતાં નથી.

અમદાવાદ શહેરના કાલુપુર, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં મુખ્ય બજારો આવેલા છે અને આ બજારોમાં વહેપારીઓ દ્વારા બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ વેચાણ કરી નાગરિકો સાથે છેતરપીંડી આચરવામાં આવે છે.

બજારમાં ઘણી ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન હાલમાં થઈ રહયું છે. અમદાવાદ શહેરમાં પણ નાગરીકોમાં બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાનો ક્રેઝ જાવા મળતાં લેભાગુ વેપારીઓ દ્વારા નકલી માલ વેચીને ઉંચો નફો રળી લેવાનું ષડયંત્ર ચાલી રહયું છે. જાણીતી કંપનીઓની નકલ બનાવીને અમદાવાદ શહેરમાં વસ્તુઓ વેચાણ થઈ રહયું છે. બાપુનગરમાં પોલીસે સર્ચ ઓપરેશન કરાતાં ચારથી વધુ દુકાનોમાંથી નકલી ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. કંપનીની ફરીયાદના આધારે બાપુનગર પોલીસે આવાં વેપારીઓ સામે ગુનો નોંધ્યો છે.

કપડાં અને ફેશનની વસ્તુઓ ઉપરાંત મોબાઈલ ફોનની એસેસરીઝ મોખરે છે. નકલી પ્રોડકટસને કારણે બ્રાન્ડેડ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહયું છે. મોટી કંપનીઓ દ્વારા કોપી રાઈટ અધિકારીઓ અને કેટલીક કંપનીઓને રોકવામાં આવી રહી છે. જે બજારમાં ફરીને બ્રાન્ડેડ કંપનીઓનાં નકલી માલ બનાવતાં અને વેચતાં વેપારીઓ પર પોલીસ સાથે મળીને દરોડા પાડવામાં આવી રહ્યાં છે.