સુરત,
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મકાન ખાલી કરવા દબાણ અને હેરાન કરી રહેલા મકાન માલિક સામે રક્ષણ મેળવવા અભયમ હેલ્પલાઈન ટીમને મદદ કરવા વિનંતી કરી હતી. જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી મકાન માલિક સાથે ચર્ચા કરી સમાધાન કરાવ્યું હતું.
જહાંગીરપુરામાં રહેતા પુષ્પાબહેને અભયમને જણાવ્યું હતું કે, મકાન માલિક ભાડું ચુકવવા અને ઘર ખાલી કરવા દબાણ કરે છે. જેથી મેં તેમને કામ શરૂ થાય પછી ભાડાની રકમ ચૂકવી આપવા જણાવ્યું હતું. પરંતુ મકાનમાલિક અને તેના પરિવાર મને મારવા આવી અત્યારે જ મકાન ખાલી કરો નહિતર સામાન સાથે અમને ફેંકી દેશે એવી ધમકી આપે છે. આ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં અન્ય કોઈ ઉપાય ન રહેતા પરિણીતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી.
મહિલા માટે સર્જાયેલી આ વિકટ સ્થિતિનું નિરાકરણ લાવવા અભયમ ટીમ મકાન માલિકને મળી હતી. અને તેઓને હાલની મહામારી અને પુષ્પાબેનને આ કફોડી હાલતમાં માનવતાના ધોરણે મકાનભાડા માટે થોડો સમય વધારે આપવા સમજાવ્યું હતું. જેથી મકાનમાલિક માની જતા સમગ્ર વાત શાંત પડી હતી.