બે વર્ષમાં 18 લાખ ચોરસ મીટર જમીન પરના લીલાછમ જંગલો, ઉદ્યોગોના માલિકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે સોનાના તાસક ઉપર લૂંટવા આપી દીધા હતા.
રાજ્યમાં છેલ્લા દસકામાં ટ્રી કવર 34.32 ટકા ઘટ્યું
રાજ્યમાં વૃક્ષોનું આવરણ 20 વર્ષમાં પહેલીવાર 3 ટકા ઓછું થયું
ઉદ્યોગોના વિકાસના બહાને ગાયોના ગૌચર આપીને વૃક્ષોનું નિકંદન તો કઢાયું છે
ઉદ્યોગેને હવે વિકાસના બહાને કુદરતી સંપત્તિ એવા જંગલોની જમીનો ગુજરાતની ભાજપ સરકાર 28 વર્ષથી આપી રહી છે.
વિધાનસભામાં 2023માં ભાજપની સરકારે ધારાસભ્યોના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, બે વર્ષમાં ઉદ્યોગોને 180 હેક્ટર જંગલની જમીન ફાળવવામાં આવી હતીય 180 હેક્ટર એટલે કે 18 લાખ ચોરસમીટર જમીન માટે ઉદ્યોગો પાસેથી 78.71 કરોડ રૂપિયા લેવાયા હતા.
એક ચોરસમીટર લેખે માત્ર 437 રૂપિયામાં આપી દઈને જંગલોનો સોથ વાળી દેવાયો હતો.
વર્ષ 2021માં જંગલની જમીન હડપવા 21 ઉદ્યોપતીઓ ટાંપીને બેઠા હતા. જેમાં 172 હેક્ટર જમીન તો સરકારે આપી પણ દીધી હતી. 2022માં 9 ઉદ્યોગો જંગલની લીલીછમ જમીનો લેવા માટે ટોળે વળેલા હતા. જેમાં 7.35 હેક્ટર જમીન ભૂપેન્દ્ર પટેલની સરકારે આપી હતી. બે વર્ષમાં કુલ મળીને 30 ઉદ્યોગપતિઓએ જંગલની 180 હેક્ટર જમીન હડપ કરી હતી.
સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલ-નિપ્પો ગૃપ દ્વારા વન વિભાગની હજીરા-સુવાલી ખાતે બીજી 196.90 હેક્ટર જમીન પડાવી લેવા સરકારને કહ્યું હતું. ગેરકાયદે દબાણ હેઠળની 93 હેક્ટર જમીન દબાવી હતી તેમાં 65.73 હેક્ટર જમીન હડપ કરી હતી તે ભાજપ સરકારે વળતર વનીકરણ માટે 6.93 કરોડ રૂપિયા લઈને આપી દીધી હતી. 7.18 હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. કચ્છના આંઘૌ ગામે 206.38 હેક્ટર બિન જંગલની જમીન મેળવવામાં આવી હતી.
વૃક્ષોમાં 35 ટકા ઘટાડો
જંગલ ખાતાના અહેવાલ 2022માં ગુજરાતમાં ભૌગોલિક વિસ્તાર 1.96 લાખ ચોરસ કિ.મી.માં હાલ 5489 ચો.કિમી વૃક્ષોનું આવરણ હતું. જે 10 વર્ષ પહેલાં 2013માં 8358 ચો.કિ.મી હતું. દસ વર્ષમાં 2869 ચો.કિ.મી. વિસ્તારમાંથી વૃક્ષો કાપી કઢાયા હતા. જે 10 વર્ષમાં 34.32%નો ઘટાડો દર્શાવે છે. વૃક્ષોના આવરણમાં ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં પહેલીવાર ટ્રી કવર ત્રણ ટકાથી નીચે આવી ગયું હતું. સૌથી સારી સ્થિતિ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે રહેલા હતી. 2002-3માં હતી. તે સમયે 10583 ચો.કિમી (5.40%) આવરણ હતું. ત્યાર પછી જંગલો અને વૃક્ષો કાપવાનું પ્રમાણ વધી ગયું હતું.
11 વર્ષ પહેલાથી મોદી રાજમાં વૃક્ષોની કતલ થતી રહી હતી.
મોદી સરકારે ત્રણ જિલ્લામાં ઉદ્યોગોને જંગલની 2211 હેક્ટર જમીન આપી દીધી હતી. જેમાં એસ્સાર,અદાણી, હચ ફેસલ લી., વોડાફોન-એસ્સાર સહિતના 17 ઉદ્યોગપતિઓને જમીન આપી હતી. જે માત્ર 116 કરોડ રૂપિયા લઈને આપી હતી. વિધાનસભામાં 21 ધારાસભ્યોએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી.
કચ્છમાં અદાણી ગ્રૂપને મુંદ્દા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા 2008.41 હેક્ટર જંગલની જમીન હડપ કરી હતી. ગૌતમ અદાણીએ 12 કરોડમાં નવા વન ઉભા કરવાના હતા. અને 100 કરોડ લઈને મોદી સરકારે જમીનો આપી હતી.
કચ્છ જિલ્લામાં ગુજરાત પાવરને 130 હેક્ટર જમીન આપી હતી. જેના માટે 13 કરોડ ઉદ્યોગોએ આપ્યા હતા.
સુરતમાં એસ્સાર સ્ટીલને 34 હેક્ટર જમીન આપી હતી. જેમાં 3 કરોડ 43 લાખ લીધા હતા.
સુરતમાં ટાટા ટેલિકોમને 0.065 હેક્ટર જમીન આપી હતી.
કચ્છમાં વોડાફોન એસ્સારને 10 હેક્ટર જમીન પડાવી હતી.
સુરતમાં એસ્સાર સેઝ લિ.ને 4.9324 હેક્ટર જમીન આપી હતી.
જંગલો 1.86% વધ્યા
રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં ફોરેસ્ટ કવર (વન વિસ્તાર)માં 1.86%નો વધારો થયો છે. 2013માં 14,653 ચો. કિમીની સરખામણીએ 2021માં 273 ચો.કિમી વધીને 14,926 ચો.કિમી વનવિસ્તાર થયો છે. જે 2015માં 14660, 2017માં 14757 અને 2019માં 14857 ચો.કિમી હતો.
ગુજરાતમાં 20 વર્ષમાં ટ્રી કવરની સ્થિતિ
વર્ષ ચો.કિમી ટકાવારી
2021 5489 2.8
2019 6912 3.52
2017 8024 4.09
2015 7914 4.03
2013 8358 4.26
2011 7837 3.99
2009 8390 4.28
2005 7621 3.89
2003 10586 5.4
ગ્રીન ગુજરાતના દાવા વચ્ચે જંગલની જમીન કેટલાક શક્તિશાળી હાથમાં ગઈ હતી. દેશમાં 13.35 લાખ હેક્ટર વિસ્તારની જંગલની જમીન માલેતુજાર લોકોના હાથમાં સરકી ગઇ હતી. જેમાં ગુજરાતમાં 292.38 હેક્ટર જંગલની જમીન ધનપતિઓએ આંચકી લીધી હતી.
ગુજરાતમાં 21870.36 ચોરસ કિલોમીટર નવ વિસ્તાર છે. રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા છે.
જેમાં 14372 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અનામત જંગલો છે. 2886 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સુરક્ષિત જંગલો છે. રાજ્યના કુલ ભૌગોવિક વિસ્તારના 8.83 ટકા વિસ્તારને આવરી લેતા 23 વન્ય પ્રાણી અભ્યારણ્યો, ચાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એક રક્ષિત અનામત છે.
કેન્દ્રીય મંત્રાલયે આપેલા આંકડામાં વિરોધાભાસ છે. જંગલની કેટલી જમીન પર અતિક્રમણ થયેલું છે તેનો સચોટ ડેટા સરકાર પાસે નથી. તેનો ચોક્કસ આંકડો નક્કી કરવો મુશ્કેલ છે. ભૂતકાળમાં જંગલની જમીન પર દબાણ કરનારા તત્વો કે કંપનીઓને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દંડ ફટકારવામાં આવેલો છે.
મિત્તલની જમીનનો વિવાદ
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને જમીન ફાળવણી મુદ્દે વિવાદ ઘણાં સમયથી હોવા છતાં સરકાર પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને જંગલની જમીન આપતાં જંગલમાં વન્ય જીવો અને દીપડાઓનો નાશ થશે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલની હજીરા ટાઉનશિપમાં નવેમ્બર-2020માં દીપડો દેખાયો હતો. આ ઘટના જંગલની મૂલ્યવાન જમીન ગુજરાતમાં પ્રદૂષણ કરતા ઉદ્યોગોને ફાળવતા વન વિભાગ અને ગુજરાત સરકાર માટે ખતરાની ઘંટડી સમાન છે.
ઉપયોગ નિયમો પ્રમાણે કરવામાં આવતો નથી. કાયદાની યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વગર ખાનગી કંપનીઓને આપી દેવામાં આવી હતી. 86.5 હેકટર જમીન પાવર પ્લાન્ટ સ્થાપવા માટે મેળવી છે, જેનો ઉપયોગ હાલમાં કચરો ઠાલવવા માટે ડમ્પ યાર્ડ તરીકે કરવામાં આવતો હતો. જે વ્યાપકપણે નિયમ ભંગ હતો. વન વિભાગને જમીનના બદલામાં વળતરયુક્ત વનીકરણ માટે જમીન પણ ફાળવી નથી. આ કારણે પણ ફાળવવામાં આવેલી જમીન રદ કરવાને પાત્ર છે.
ખુલાસો માગવામાં આવ્યો નથી. આંખ આડા કાન કરવામાં આવતા હતા.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલે તેને ફાળવેલી જમીન કરતાં પાંચ ગણી વધારે એટલે કે 110 હેકટર બીન-જંગલ જમીન ભાવનગર જીલ્લામાં આપવા માટે સંમતી દાખવી હતી. આ જમીન પણ લાયન કોરીડોર વિસ્તારનો એક હિસ્સો છે. નવેમ્બર 2020માં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ગુજરાત સરકારને પત્ર લખીને હજીરા પ્લાન્ટની આસપાસ 115 એકર જંગલની જમીન આપવા માગણી કરી હતી.
હજીરા સ્ટીલ પ્લાન્ટ રૂ. 35,000 કરોડનો હતો. લોખંડ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8.5 મિલિયન ટનથી વધારીને વાર્ષિક 14 મિલિયન ટન કરવામાં આવી હતી. જે હવે વાર્ષિક 18 મિલિયન ટન કરવામાં આવશે.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલએ આર્સેલર મિત્તલ અને જાપાન સ્થિત નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન વચ્ચેનુ 60:40નુ સંયુક્ત સાહસ છે. જે હવે અગાઉની એસ્સાર સ્ટીલની સુસંકલીત સ્ટીલ એકમની માલિક છે. થોડા સમય પહેલાં નાદારીની પ્રક્રિયા હાથ ધરીને, કાર્યકારી મૂડી સહિત રૂ. 42,785 કરોડની ચૂકવણી કરીને તથા વધુ રૂ. 8,000 કરોડમાં ખરીદાઈ હતી.