1.4.2020થી દસ સરકારી બેંકોને ચાર બેંકોમાં વિલિન કરવાની સાથે સરકારી બેંકોનાં ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન લાવશે
આ વિલિનીકરણથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મકતા અને વ્યાવસાયિક સંકલન ધરાવતી ડિજિટલ ટેકનોલોજી સંચાલિત બેંકો ઊભી થશે
નવી દિલ્હી 04-03-2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારી ક્ષેત્રની 10 બેંકોને ચાર બેંકોમાં વિલિન કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સામેલ છે –
(a) પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું વિલિનીકરણ
(b) કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંકનું વિલિનીકરણ
(c) યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું વિલિનીકરણ
(d) ઇન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકનું વિલિનીકરણ
આ વિલિનીકરણ 1.4. 2020થી અમલમાં આવશે અને એના પરિણામે દેશમાં સાત મોટી સરકારી બેંકો ઊભી થશે, જેનો કુલ વ્યવસાય રૂપિયા આઠ લાખ કરોડ છે અને આ તમામ બેંકો દેશનાં દરેક ખૂણામાં પોતાની પહોંચ ધરાવે છે. સરકારી બેંકોની મોટા પાયે હાથ ધરવામાં આવેલી વિલિનીકરણની પ્રક્રિયાથી આંતરરાષ્ટ્રીય બેંકોને સમકક્ષ સરકારી બેંકો ઊભી કરવામાં મદદ મળશે, જે ભારત અને દુનિયામાં અસરકારક રીતે સ્પર્ધા કરવા સક્ષમ બનશે. આ વિલિનીકરણથી મોટા પાયે સામંજસ્ય સ્થાપિત થવાથી અને વિવિધ કાર્યોનું પુનરાવર્તન ટળવાથી ખર્ચમાં ઘટાડાનો લાભ પણ થશે, જેથી સરકારી બેંકોની સ્પર્ધાત્મકતા વધશે અને ભારતીય બેંકિંગ સિસ્ટમમાં સકારાત્મક અસર ઊભી થશે.
આ ઉપરાંત વિલિનીકરણ વિલિન થયેલી બેંકોને મોટી રકમનું ધિરાણ કરવાની ક્ષમતા વધારશે અને વિસ્તૃત નાણાકીય ક્ષમતા સાથે સ્પર્ધાત્મક કામગીરી કરી શકશે. વિલિન થયેલી બેંકોમાં કામગીરીની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સ્વીકાર કરવાથી આ બેંકોની ખર્ચદક્ષતા વધશે અને જોખમનું વ્યવસ્થાપન સારામાં સારી રીતે થઈ શકશે તેમજ બહોળી પહોંચ સાથે નાણાકીય સર્વસમાવેશકતાનાં લક્ષ્યાંકને પ્રોત્સાહન પણ મળશે.
વળી વિલિન થયેલી બેંકોમાં ટેકનોલોજીનો સ્વીકાર થવાથી મોટા પાયે પ્રતિભાસંપન્ન કર્મચારીઓનો લાભ એકબીજાને મળશે અને એમનો ડેટાબેઝ એકબીજાને વહેંચવા મળશે, જેથી સરકારી બેંકો ઝડપથી ડિજિટલાઇઝેશનનાં માર્ગે અગ્રેસર બેંકિંગ સિસ્ટમમાં એનાલીટિક્સનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક લાભ મેળવવાની સ્થિતિ હાંસલ કરશે.