ચીનના હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાન ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા છે. તેઓ દાવો કરે છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે.
તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ પ્રેસ સાથેના લાઈવ સ્ટ્રીમ ઇન્ટરવ્યુ દરમિયાન ડો. લી મેંગ યાને કહ્યું કે, જ્યારે રોગચાળો ફેલાવવાનું શરૂ થયું, ત્યારે મેં સ્પષ્ટ આંકલન કર્યું હતું કે આ વાયરસ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની લશ્કરી પ્રયોગશાળામાંથી આવ્યો છે. તેને છુપાવવા માટે વુહાન વેટ માર્કેટની કહાની બનાવવામાં આવી છે. ડાૅ. લી મેંગ યાને દાવો કર્યો છે કે જ્યારે તેમણે આ વિશે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરતા તેઓએ આ વાતને ગંભીરતાથી ન લેતા તેને નકારી હતી.
તેમણે દાવો કર્યો હતો કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી માટે તેમના અહેવાલને અસ્વીકાર કરવો મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે આપણે પહેલેથી જ જાણતા હતા કે ચીની કમ્યુનિસ્ટ પક્ષની વિરુદ્ધ બોલ્યા પછી અમને કોઈપણ સમયે ગાયબ કરી દેવામાં આવી શકે છે. હોંગકોંગમાં લોકશાહી તરફી વિરોધીઓ સાથે પણ આવું જ કરવામાં આવી રહ્યું છે. તેથી મેં બધી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. વાઇરોલોજીસ્ટ ડો.લી. મેંગ યાન એપ્રિલમાં હોંગકોંગથી યુ.એસ. આવી ગઈ હતી. તેણીએ ચીની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ ધરપકડનો ડર હતો.