સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે.
એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં હાર્દિકને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. બાદમાં ટૂંકી સારવાર દરમ્યાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નીપજ્યાં હતાં.
સમગ્ર વિસ્તારમાં દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કંઈક બાબતે ઝઘડો સર્જાયો હોઇ શકે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ છે.
કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગવોરને લઈને ચર્ચામાં આવતો રહેતો હતો. માથાભારે મનુ ડાહ્યા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા.
અગાઉ મનુ ડાહ્યાની હત્યા કરી હતી. થોડા દિવસો પહેલાં સૂર્યા મરાઠીને મનુ ડાહ્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યાના પાંચ દિવસમાં વેડરોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠીને પતાવી દેવાયો હતો. સૂર્યા મરાઠીના શરીર પર ૩૦ ઘા અને હાર્દિકના શરીર બે ઘા મળી આવ્યા હતા.