સોનાના વૈશ્વિક ભાવ 1700 ડોલરની પાર, 7 વર્ષની ઊંચી સપાટી

મુંબઇઃ સોનું વૈશ્વિક બજારમાં 7 વર્ષ બાદ 1700ની ડોલરની પાર, કોરોના વાયરસ ધીમે ધીમે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇ રહ્યું હોવાના ચિંતાજનક સંકેતો વચ્ચે રોકાણ માટે સેફ હેવન કહેવાતા સોનાના આજે મક્કમ તેજી જોવા મળી હતી. વિશ્વબજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ દીઠ 1700 ડોલરને સ્પર્શ્યી ગયો હતો જે છેલ્લા 7 વર્ષની સૌથી ઊંચી સપાટી છે. છેલ્લે વર્ષ 2012ના ડિસેમ્બર મહિનામાં સોનામાં 1704 ડોલરનો ભાવ જોવા મળ્યો હતો. આજે વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ 1.8 ટકાના ઉછાળે 1700 ડોલર પ્રતિ ઔંસ બોલાયો હતો. જે છેલ્લા સાત વર્ષનો સૌથી ઊંચો ભાવ છે. યુએસ ટ્રેઝરી યિલ્ડ પણ ઘટીને 0.50 ટકાની વિક્રમી નીચી સપાટીએ ઉતરી ગઇ છે. જેના લીધે રોકાણકારોએ સુરક્ષિત રોકાણના સ્ત્રોત તરફ દોટ મૂકી છે. સોનાની પાછળ વિશ્વબજારમાં ચાંદીના પણ ભાવ મજબૂત થયા હતા. વિશ્વબજારમાં ચાંદી 0.3 ટકાની મજબૂતીમાં 17.37 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી જો કે પ્લેટિનમના ભાવ 1.2 ટકાની નરમાઇમાં 890.41 ડોલર પ્રતિ ઔંસ બોલાયા હતા. નોંધનિય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ દ્વારા રશિયા સાથે પ્રાઇસ વૉર શરુ કરાતાં આ કિંમતોમાં ઘટાડો થયો છે જે 1991 પછીનો સૌથી મોટો ઘટાડો છે.આ ઉપરાંત કોરોના વાયરસ પ્રકોપને કારણે ક્રૂડની માંગ ઘટી રહી છે જેથી વેચવાલીના દબાણમાં તેના પુરવઠામાં તેજી જોવા મળી છે. ભાવમાં સોનું મક્કમ જ્યારે ચાંદીમાં ઘટાડો વૈશ્વિક બુલિયન માર્કેટની તેજી અને ભારતીય શેરબજારમાં ઐતિહાસિક કડાકાને લીધે કિંમતી ધાતુ સોનાના ભાવ મક્કમ હતા જ્યારે ચાંદીમાં કડાકો બોલાયો હતો. એમસીએક્સ ગોલ્ડનો એપ્રિલ વાયદો બપોર 115 રૂપિયાની મજબૂતીમાં 44275 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ક્વોટ થઇ રહ્યો હતો. ગોલ્ડનો એમસીએક્સ જૂન અ ઓગસ્ટ વાયદો પણ એકંદરે મક્કમ હતા. જો કે ભારતીય વાયદા બજારમાં ચાંદીમાં રૂ.1000નો કડાકો બોલાયો હતો. એમસીએક્સ સિલ્વર મે મહિનાનો વાયદો 1070 રૂપિયા તૂટીને 45900 રૂપિયા પ્રતિ 1 કિલો બોલાઇ રહ્યો હતો. ચાંદીના ભાવ ઘટવાનું કારણ ઔદ્યોગિક મંદી ગણાવાય છે. કોરોના વાયરસના લીધે વિશ્વ ફરી નવી આર્થિક મંદી તરફ ધકેલાઇ રહ્યું હોવાની ભીતિ છે. મંદીમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટી છે અને ચાંદીનો ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો વપરાશ થાય છે. આથી ચાંદીના ભાવ નરમ છે.