ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં એક તરફ ગુજરાતમાં પાકને નુકશાનનાં સર્વે અને સહાયની જાહેરાત કરાઈ હતી અને બીજી તરફ ખરીફ સીઝનનાં પહેલા આગોતરા અંદાજને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાત સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજયમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે અધધ… 54.65 લાખ ટન થવાનો અંદાજ મુકયો છે. જે ગત વર્ષની તુલનાએ 21 ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વર્ષે મગફળીમાં પ્રતિ હેકટર 2637 કિલોનો ઉતારો ગણીને આ અંદાજ મુકયો છે, જે ગત વર્ષનાં ચોથા આગોતરા અંદાજ પ્રમાણે 2674 કિલોનો ઉતારો કરીને કુલ ઉત્પાદન 45.03 લાખ ટનનું મુકયું હતું.
રાજયમાં મગફળીનું વાવેતર 33 ટકા વધીને 20.73 લાખ હેકટરમાં થયું છે, પરંતુ ભારે વરસાદથી પાકને નુકશાન થતા ઉતારા ઘટી ગયાં છે. વેપારીઓનાં અંદાજો પ્રમાણે મગફળીનું ઉત્પાદન 34 થી 38 લાખ ટન વચ્ચે થાય તેવો પ્રાથમીક અંદાજ આવી રહ્યો છે. ગુજરાત સરકારે શેખચલ્લીની વાર્તાની જેમ બીજા ખરીફ પાકોના અંદાજો પણ મુકયાં છે. રાજયમાં એરંડા તો હજી વવાય રહ્યા છે, પરંતુ સરકાર કહે છે કે નવી સીઝનમાં એરંડાનો પાક 14.74 લાખ ટન થશે, જે ગત વર્ષની તુલનાએ 3 ટકાનો વધારો બતાવે છે. સરકારે 6.42 લાખ હેકટરમાં વાવેતર થશે તેવું માનીને આ અંદાજ મુકયો છે. રાજયમાં કઠોળ પાકોનાં વાવેતરમાં મોટો વધારો થયો હોવાથી સરકારે તમામ કઠોળનાં ઉત્પાદનનાં અંદાજો પણ ઉંચા મુકયા છે.
સરકારના પહેલા આગોતરા અંદાજ પ્રમાણે માત્ર જુવારનું ઉત્પાદન નવ ટકા ઘટવાનો અંદાજ છે. જયારે કપાસનાં ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો થઈને 82.39 લાખ ગાંસડી થાય તેવી ધારણાં છે. ગવારસીડનું ઉત્પાદન પણ ગત વર્ષની તુલનાએ 15 ટકા ઘટીને 92 હજાર ટન થવાનો અંદાજ મુકયો છે. ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સિદ્ધ કરવા મોટા અંદાજો! કેન્દ્ર સરકાર વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આવી સ્થિતિમાં ખેડૂત નેતાઓ છે. વેપારીઓ કહે છે કે સરકારને ચોપડે ખેડૂતોની આવક બમણી બતાવવી હશે એટલે જે મગફળી કે બીજા પાકોના આટલા ઉંચા અંદાજો મુકયાં હતાં. સરકાર પાક વીમો કે નુકશાનીનું વળતર આપતી નથી અને ઉંચા અંદાજો આપીને ખેડૂતોની આવક ચોપડે જ વધારી રહી છે.