ભાજપના નેતાએ મુખૌટા દંડનો વિરોધ કર્યો, વડી અદાલત અમાનવીય બની

અમરેલી, 9 સપ્ટેમ્બર 2020

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે માસ્ક વગર બહાર નીકળતા લોકોની પાસેથી વસૂલવામાં આવતા 1 હજાર રૂપિયાના દંડને અમાનવીએ ગણાવ્યો છે. ડૉક્ટર ભરત કાનાબારે લખ્યું છે કે, ‘કોરોનાની વર્તમાન સ્થિતિમાં જાહેરમાં માસ્ક વગર નીકળવું તે સમાજ વિરોધી કૃત્ય છે તે કબૂલ, પણ વિકરાળ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમી રહેલા આમ આદમીને માસ્ક ન પહેરવાની ભૂલ માટે 1 હજાર રૂપિયાનો આકરો દંડ કરવાનો ગુજરાત હાઇકોર્ટનો હુકમ પણ સંપૂર્ણપણે અમાનવીય, હુકમ રદ્દ કરવો જોઈએ.’

ચંદ્રકાંત પાટીલને દંડ નહીં

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જાહેરમાં માસ્ક ન પહેરવા અને તેમની રેલીમાં ભાજપના હજારો કાર્યકરોએ માસ્ક પહેર્યા ન હતા. તેના દસ્તાવેજી પુરાવા છે. છતાં તેમની પાસેથી રૂ.1 હજારનો દંડ લેવામાં આવ્યો નથી. ગરીબ લોકો કે જેમની પાસે માસ્ક ખરીદવાના રૂ.10 નથી તેમની પાસેથી રૂપાણીને બે રહેમ સરકારે રૂ.1 હજારનો દંડ વસૂલ કર્યો હોવાના અનેક બનાવો બન્યા છે.

જુલમી દંડની રકમ

પહેલા સામાજિક અંતર અને માસ્કના નિયમોના ભંગ કરવા બદલ કોઈ દંડ ન હતો. પછી તંત્ર દ્વારા લોકોની પાસેથી માત્ર 200 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાએ માસ્ક ન પહેરવા અને સામાજિક અંતરનું પાલન ન કરવા બદલ 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આખા રાજ્યમાં આ નિયમ લાગુ થયો હતો.

વડી અદાલત અમાનવ બની

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવાની ટકોર રાજ્ય સરકારને કરી હતી. જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે જે લોકો હવે માસ્ક વગર જોવા મળે છે તેમની પાસેથી 1 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે હવે હાઈકોર્ટના આ નિર્ણયને ભાજપના નેતા દ્વારા જ અમાનવીય કહેવામાં આવ્યો છે. ગુજરાતની વડી અદાલત માસ્ક પહેરવાના વૈજ્ઞાનીક પુરાવા મેળવ્યા વગર જ સરકારને કહે અને સરકાર માની લે તે અંગે પ્રજામાં શંકા ઊભી થઈ છે.

1.50 કરોડ બેકાર

દેશમાં 20 કરોડ અને ગુજરાતમાં 1.50 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે. તો કેટલાક લોકોની નોકરી જતી રહી.કોરોનાની મહામારી વચ્ચે લોકોના પગાર અડધા થઇ ગયા છે. આવા મુશ્કેલીના સમયમાં સરકારે  લોકોને મદદ કરવાના બદલે તેની પાસેથી પૈસા ભેગા કરી રહી છે. બીજી તરફ દંડની રકમમાં સતત વધારો કરીને સરકારી તિજોરી ભરી રહી છે, ત્યારે હવે ભાજપના નેતાઓ જ સરકાર અને હાઇકોર્ટની સામે પડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

5 ગણી આવક વધી

રાજ્યમાં લાગુ થયેલી નવી જોગવાઈઓ બાદ દંડની રકમ અગાઉ કરતાં બેથી પાંચ ગણી વધી છે. હેલ્મેટનો રૂ.100નો દંડ હતો તે રૂ.500 કરી દેવાયો છે.

રસ્તાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 500 રૂપિયા દંડ
ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા દંડ
ઓવરસ્પીડિંગ પર 1000 રૂપિયાનો દંડ
નશો કરીને વાહન ચલાવતા હોય તો 10000 રૂપિયાનો દંડ
ઓવરલોડિંગ વાહન ચલાવતા સમયે રૂપિયા 20,000નો દંડ અથવા પ્રતિ ટને 2000 રૂપિયા દંડ
જો વ્યક્તિ વાહનની ક્ષમતાથી ઉપર વ્યક્તિને બેસાડે તો રૂપિયા 1000 થી વધુનો દંડ
જો તમે સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો રૂપિયા 1000નો દંડ
મોટરસાઇકલ (બાઇક) પર ઓવરલોડિંગ કરતા હોય તો 2000 રૂપિયાનો દંડ થશે સાથે સાથે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં આવશે
હિટ એન્ડ રન કેસમાં, ભોગ બનનારને 2,00,000 રૂપિયાચૂકવવા પડશે
જો તમે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી (ઇમરજન્સી) વાહનોને માર્ગ ન આપો તો રૂપિયા 10,000નો દંડ
જો તમે અકસ્માત વીમા વિના વાહન ચલાવશો, તો 2000 રૂપિયાનો દંડ
જો સગીર (બાળક) કાર અથવા મોટર સાયકલ ચલાવે, તો તેના માતા-પિતા અથવા વાહન ધરાવનાર વ્યક્તિને 25,000 નો દંડ અથવા ત્રણ વર્ષની સજા થશે.

નવા દંડ
2019 સપ્ટેમ્બરમાં 1900 વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે રૂ.7.02 લાખ દંડ વસુલ કર્યો હતો. જ્યારે જૂના નિયમ પ્રમાણે તા.15 સપ્ટેમ્બરે ટ્રાફિક પોલીસે 6116 વાહન ચાલકો પાસેથી રૂ.6.89 લાખ દંડ વસુલ કર્યો હતો. આમ એક જ દિવસમાં નવા નિયમ પ્રમાણે દંડ ભરનારા વાહન ચાલકોની સંખ્યા 3 ગણી ઓછી થઇ છે, તેમ છતાં દંડની રકમમાં વધારો થયો છે. જો કે સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરેરાશ 5થી 6 હજાર વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે. જેની સરખામણીમાં દંડના નવા નિયમોના પહેલા જ દિવસે 1900 કેસ કરવામાં આવ્યા હતા.