ઉદ્યોગકારો જ્યાં પણ કહેશે ત્યાં જી.આઇ.ડી.સી. બનાવી આપવામાં આવશે
ગાંધીનગર, 4 માર્ચ 2020
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગકારો જ્યાં પણ કહેશે ત્યાં નવી જી.આઇ.ડી.સી. બનાવી આપવામાં આવશે. રાજ્યમાં ૫૦ ઉદ્યોગકારો ભેગા થઇને જી.આઇ.ડી.સી.ની માંગણી કરશે તો જી.આઇ.ડી.સી.માં મળતી સબસિડી અને લાભો સહિત આંતરમાળખાકીય સવલતોનું પણ નિર્માણ કરાશે.
ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવા માટે રૂા.૩૫૦૦ કરોડની દિનકર યોજના અમલી બનાવી છે. જેમાં આ વર્ષે રૂા.૫૦૦ કરોડ ફાળવાયા છે. સાથે સાથે ગુણવત્તાયુક્ત વીજળી પુરી પાડવા માટે ખેડૂતોને વીજ જોડાણો આપીએ છીએ. જેમાં કનેક્શન દીઠ રૂા.૧.૨૫ થી રૂા. ૧.૫૦ લાખનો ખર્ચ થાય છે. વરસાદ ખેંચાય તેવી સ્થિતિમાં ખેડૂતોની માંગણી મુજબ ૧૦ કલાક જેટલી વીજળી પણ અમારી સરકારે પૂરી પાડી છે જેના માટે અંદાજે રૂા.૭૦૦૦ કરોડ જેટલી સબસિડી પણ ખેડૂતોના હિતમાં વીજ કંપનીઓને ચૂકવી છે. રાજ્ય સરકારે બિન ઉપજાઉ જમીનોને સૌર અને પવન ઊર્જા માટે ઉપયોગ કરીને બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લામાં ૨૫ હજાર મેગાવોટ સોલાર અને પવન ઊર્જા નિર્માણનું લક્ષ્ય છે જેના થકી ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.